Carrot Beetroot Tomato Soup: શિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને આ સિઝનમાં મળતાં ગાજર અને બીટ જેવા પૌષ્ટિક શાકભાજીમાંથી બનાવેલું સૂપ સ્વાદની સાથે શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ આપે છે. જો તમને રોજ એક જ પ્રકારનું ટામેટાનું સૂપ પીને કંટાળો આવતો હોય, તો આ વખતે ગાજર, બીટ અને ટામેટાનું મિક્સ સૂપ જરૂર બનાવજો. તેનો રંગ, સ્વાદ અને ઘટ્ટ ટેક્સચર તમને હોટેલના સૂપની યાદ અપાવશે.
ગાજર, બીટ અને ટામેટાના સૂપ માટેની સામગ્રી
- 2 મધ્યમ કદનાં ગાજર
- 1 નાનું બીટ
- 2 મધ્યમ કદનાં ટામેટાં
- 1 નાની ડુંગળી (વૈકલ્પિક)
- 4-5 લસણની કળી
- 1 નાનો ટુકડો આદુ
- 1 ચમચી બટર
- અડધી ચમચી કાળા મરીનો પાઉડર
- સ્વાદ અનુસાર મીઠું
- 2 કપ પાણી
- થોડાં લીલા ધાણા
ગાજર, બીટ અને ટામેટાના સૂપ બનાવવાની રીત
સૌપ્રથમ ગાજર, બીટ અને ટામેટાંને સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે તેના નાના ટુકડા કરી લો. એક કૂકરમાં બટર ગરમ કરીને તેમાં લસણ, આદુ અને ડુંગળી નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલાં ગાજર, બીટ અને ટામેટાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરો. મધ્યમ આંચ પર 2થી 3 સીટી થાય ત્યાં સુધી બાફી લો. ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.
શાકભાજી ઠંડાં થઈ જાય ત્યારબાદ તેને મિક્સરમાં નાખીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણને એક તપેલીમાં ગાળી લો, જેથી સૂપ એકદમ સ્મૂધ બને. જો સૂપ વધારે ઘટ્ટ લાગે તો જરૂર મુજબ થોડું પાણી ઉમેરી શકો છો.
હવે તપેલીને ગેસ પર મૂકી તેમાં કાળા મરીનો પાઉડર અને જરૂર મુજબ મીઠું ઉમેરો. ધીમા તાપે 3થી 4 મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે ગરમાગરમ ગાજર, બીટ અને ટામેટાનું સ્વાદિષ્ટ સૂપ. તેને ઉપરથી થોડાં લીલાં ધાણા અને બટર નાખીને ગરમાગરમ સર્વ કરો.
