Alsi Laddu Recipe: શિયાળાની શરૂઆત થતાં જ ઘરોમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક લાડુ બનાવવાની પરંપરા છે. તેમાં અળસીના લાડુ ખાસ લોકપ્રિય છે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે. ગોળ, ઘી અને સૂકામેવા સાથે બનાવેલા આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે શિયાળાના આહારમાં પોષણનો સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો જાણીએ ઘરે જ અળસીના લાડુ બનાવવાની રીત.
અળસીના લાડુ બનાવવા માટેની સામગ્રી
- અળસી – 1 કપ
- ઘઉંનો લોટ – અડધો કપ
- ગોળ – 1 કપ (ખમણેલો)
- ઘી – અડધો કપ
- ગુંદર – 2 મોટી ચમચી
- બદામ – 10થી 12
- કાજુ – 10થી 12
- સૂકું નાળિયેર છીણેલું – 2 મોટી ચમચી
- એલચી પાવડર – અડધી નાની ચમચી
અળસીના લાડુ બનાવવાની રીત
સૌથી પહેલાં એક કડાઈમાં અળસી નાખીને ધીમા તાપે શેકી લો. અળસીમાંથી સરસ સુગંધ આવવા લાગે અને તે થોડું ફૂટવા લાગે ત્યારે ગેસ બંધ કરી ઠંડી થવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરી પીસી લો. અળસીને એકદમ બારીક પાવડર કરવાની જરૂર નથી.
હવે કડાઈમાં થોડું ઘી ગરમ કરીને ગુંદરને ધીમા તાપે તળી લો. ગુંદર ફૂલી જાય ત્યારે તેને બહાર કાઢી ઠંડો થવા દો અને પછી તેનો ભૂકો કરી લો. એ જ કડાઈમાં બદામ અને કાજુને પણ હળવાં શેકી સમારી લો.
હવે કડાઈમાં બાકીનું ઘી ગરમ કરી ઘઉંનો લોટ ઉમેરો. લોટને ધીમા તાપે સતત હલાવતા રહો, જ્યાં સુધી તેનો રંગ થોડો બદલાય અને સુગંધ આવવા લાગે નહીં. ત્યારબાદ તેમાં પીસેલી અળસી, ગુંદર, સમારેલા સૂકામેવા અને સૂકું નાળિયેર ઉમેરી બરાબર મિક્સ કરો.
છેલ્લે ગેસ બંધ કરીને મિશ્રણ થોડું હૂંફાળું થાય ત્યારે તેમાં ખમણેલો ગોળ અને એલચી પાવડર ઉમેરો. ગોળ ઓગળીને બધી સામગ્રી સાથે સારી રીતે ભળી જાય પછી હાથમાં થોડું મિશ્રણ લઈને ગોળ આકારના લાડુ વાળી લો. ધ્યાન રાખો કે મિશ્રણ વધારે ગરમ હોય ત્યારે ગોળ ન ઉમેરવો, નહીં તો તે વધારે પાતળો થઈ શકે છે.
આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અળસીના લાડુ. તેને ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે.
