Palak Makai Kebab Recipe: શિયાળાની સિઝનમાં બજારમાં તાજી પાલક અને મકાઈ સરળતાથી મળી રહે છે. આ બંનેમાંથી તમે ઘરે સ્વાદિષ્ટ અને હેલ્ધી પાલક મકાઈના કબાબ બનાવી શકો છો. સાંજના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ કબાબ એક સરસ વિકલ્પ છે. પાલકની તાજગી અને મકાઈની હળવી મીઠાશથી તૈયાર થતા આ કબાબને લીલી ચટણી કે ટામેટા સોસ સાથે પીરસી શકાય છે. બાળકોને પણ પાલક ખવડાવવાની આ એક મજેદાર રીત છે. ચાલો જાણીએ તેની સરળ રેસિપી.
સામગ્રી
- પાલક – 1 કપ (બારીક સમારેલી)
- બાફેલી મકાઈ – 1 કપ
- બાફેલા બટાકા – 2 નંગ
- બેસન – 3 ચમચી
- લીલાં મરચાં – 2 નંગ
- આદુ – 1 નાનો ટુકડો
- ગરમ મસાલો – અડધી ચમચી
- ધાણાજીરું પાઉડર – 1 ચમચી
- લાલ મરચું પાઉડર – અડધી ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- તેલ – શેકવા માટે
બનાવવાની રીત
સૌથી પહેલાં પાલકનાં પાનને અલગ કરીને પાણીથી બે-ત્રણ વખત સારી રીતે ધોઈ લો, જેથી તેમાં રહેલી માટી અને ગંદકી દૂર થઈ જાય. ત્યારબાદ પાલકને બારીક સમારી લો. હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલી પાલક ઉમેરો અને મધ્યમ તાપે 3થી 4 મિનિટ સુધી સાંતળો. પાલક નરમ થઈ જાય અને તેમાં રહેલું વધારાનું પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડી થવા દો. બીજી તરફ, મકાઈના દાણાને બાફી લો. બાફેલી મકાઈને મિક્સરમાં નાખીને અધકચરી પીસી લો. મકાઈને એકદમ ઝીણી પેસ્ટ ન બનાવવી, જેથી કબાબમાં મકાઈના દાણાનો સ્વાદ અને ટેક્સચર જળવાઈ રહે.
હવે એક મોટા વાસણમાં બાફેલા બટાકાને છીણી લો અથવા બરાબર મેશ કરી લો. તેમાં સાંતળેલી પાલક અને અધકચરી પીસેલી મકાઈ ઉમેરો. ત્યારબાદ આદુ-લીલાં મરચાંની પેસ્ટ, બારીક સમારેલી કોથમીર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે બધી સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરો, જેથી મસાલા પાલક, મકાઈ અને બટાકામાં સરખી રીતે ભળી જાય. આ મિશ્રણમાં બેસન ઉમેરો અને ફરીથી બરાબર મિક્સ કરો. બેસન ઉમેરવાથી મિશ્રણ બંધાઈ રહેશે અને કબાબ બનાવવામાં સરળતા રહેશે. જો મિશ્રણ વધારે ભીનું લાગે તો તેમાં થોડું વધુ બેસન અથવા બ્રેડક્રમ્સ ઉમેરી શકાય છે.
હવે હાથમાં થોડું તેલ લગાવીને તૈયાર મિશ્રણમાંથી સરખા કદના નાના-નાના ગોળા બનાવો. દરેક ગોળાને હથેળી વચ્ચે હળવા હાથે દબાવી ગોળ અથવા ઓવલ આકારના કબાબ તૈયાર કરો. બધા કબાબ તૈયાર થઈ જાય પછી એક પ્લેટમાં બ્રેડક્રમ્સ લો અને દરેક કબાબને તેમાં હળવેથી રગદોળો, જેથી તેની ઉપર પાતળું પડ ચડી જાય. આ રીતથી કબાબ બહારથી વધુ ક્રિસ્પી બનશે. જો તમે ઇચ્છો તો બ્રેડક્રમ્સ વગર પણ કબાબ બનાવી શકો છો.
ત્યારબાદ નોનસ્ટિક પેન અથવા તવાને ગેસ પર મૂકી તેમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા કબાબ એક પછી એક મૂકો. કબાબને મધ્યમ તાપે ધીમે-ધીમે શેકવા દો. એક બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને હળવેથી પલટાવી બીજી બાજુ પણ શેકો. બંને બાજુ સરસ રંગ આવી જાય અને કબાબ અંદરથી પણ ગરમ થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બધા કબાબ તૈયાર કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પાલક મકાઈના કબાબ. તેને ગરમાગરમ લીલી ચટણી, ટામેટા સોસ અથવા દહીંની ચટણી સાથે પીરસો.
