Adadiya Pak Recipe: શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં અડદિયા પાક ખાવાની મજા કંઈક અલગ હોય છે. ઘી, અડદનો લોટ, ગોળ અને વિવિધ ડ્રાયફ્રૂટ્સથી તૈયાર થતો અડદિયો સ્વાદની સાથે શિયાળાની ખાસ વાનગી પણ છે. આ વખતે જો તમે બજારમાંથી અડદિયો લાવવાને બદલે ઘરે જ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો ગોળવાળો અડદિયા પાક બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ રેસીપીમાં ખાંડ કે સાકરની જરૂર નથી અને ચાસણી બનાવવાની ઝંઝટ પણ રહેતી નથી.
ગોળવાળા અડદિયા બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો
- અડદનો દરદરો લોટ – 250 ગ્રામ
- ગોળ – 250 ગ્રામ
- ઘી – 200 ગ્રામ
- બાવળનો ગુંદર – 50 ગ્રામ
- બદામ – ¼ કપ
- કાજુ – ¼ કપ
- પિસ્તા – 1 ટેબલસ્પૂન
- અખરોટ – 2 ટેબલસ્પૂન
- સૂકું નાળિયેરનું છીણ – 50 ગ્રામ
- ફ્રેશ મલાઈ – ½ કપ
- દૂધ – 3 ટેબલસ્પૂન
- સૂંઠ પાવડર – 2 નાની ચમચી
- તજ – 1 નાનો ટુકડો
- લવિંગ – 2
- કાળા મરી – 2
- એલચી – 3
- જાયફળ – થોડું
- પીપરીમૂળ પાવડર – 1થી 2 નાની ચમચી
- ખસખસ – 2 નાની ચમચી
અડદિયા પાક બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં અડદનો લોટ લો. તેમાં 3 ચમચી ગરમ ઘી અને 3 ચમચી ગરમ દૂધ ઉમેરીને હાથથી બરાબર મસળી લો, જેથી લોટમાં નાના ગઠ્ઠા બની જાય. હવે તેને ઢાંકીને 30 મિનિટ માટે બાજુ પર રાખો. ત્યારબાદ લોટને ચારણીથી ગાળી લો.
હવે કડાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને તેમાં અડદનો લોટ ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા શેકો. લોટનો રંગ આછો ગુલાબી થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકવો. ત્યારબાદ તેમાં ગુંદરનો ભૂકો ઉમેરીને 2 મિનિટ સુધી શેકી લો.
હવે તેમાં મલાઈ અથવા માવો ઉમેરીને બરાબર મિક્સ કરો. મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે અને દાણેદાર ટેક્સચર આવે ત્યાં સુધી તેને પકાવો. ત્યારબાદ તેમાં સમારેલા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને છીણેલું કોપરું ઉમેરીને બરાબર હલાવો.
હવે તૈયાર કરેલો સૂંઠ, તજ, લવિંગ, મરી, એલચી, જાયફળ અને અન્ય મસાલાનો ભૂકો ઉમેરીને મિક્સ કરો. મિશ્રણને થોડું દાણેદાર બનાવવા માટે મિક્સરમાં એકાદ વાર હળવું પીસી પણ શકો છો.
બીજી કડાઈમાં ગોળના નાના ટુકડા નાખીને ધીમા તાપે ઓગાળો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી તેને તરત જ અડદના તૈયાર મિશ્રણમાં ઉમેરી દો. હવે બધી સામગ્રીને ઝડપથી અને સારી રીતે મિક્સ કરો, જેથી ગોળ દરેક જગ્યાએ સરખો ભળી જાય.
છેલ્લે એક થાળીમાં ઘી લગાવી બટર પેપર પાથરો અને તેમાં તૈયાર મિશ્રણ ફેલાવી દો. ઉપરથી બદામ, પિસ્તાની કતરણ અને કોપરું નાખીને હળવા હાથે દબાવો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે છરીથી મનપસંદ આકારમાં કટકા પાડી લો. સંપૂર્ણ ઠંડું થયા બાદ સ્વાદિષ્ટ ગોળવાળો અડદિયા પાક તૈયાર થઈ જશે.

