World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં

વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે ભારતમાં ટપાલ પ્રણાલીના પ્રાચીન ઇતિહાસથી આધુનિક સેવાઓ સુધીની સફર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સુરતનો ઐતિહાસિક વેપારી સંબંધ અને વર્તમાનમાં ટપાલ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ નાણાકીય તથા ડિજિટલ સેવાઓનું મહત્વ દર્શાવાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 07:00 AM (IST)Updated: Fri, 09 Oct 2026 07:00 AM (IST)
world-post-day-2026-history-of-postal-system-in-india-surat-connection
HIGHLIGHTS
  • સમગ્ર દેશમાં 1.65 લાખથી વધુ ડાકઘરો ધરાવતું ભારતીય ટપાલ વિભાગ વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક

World Post Day: સંદેશાવ્યવહાર એ માનવ સંસ્કૃતિના વિકાસ માટે પ્રાણવાયુ સમાન રહ્યો છે. સદીઓ પહેલા જ્યારે ઈન્ટરનેટ કે આધુનિક ટેકનોલોજીની કલ્પના પણ નહોતી, ત્યારે માનવીય સંવેદનાઓ, સંદેશાઓ, રાજકીય પરવાના અને વેપારી હુંડીઓને એક સ્થળેથી બીજે પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય ટપાલ પ્રણાલી દ્વારા થતું હતું.

ભારતમાં ટપાલનો ઇતિહાસ ખૂબ પ્રાચીન અને રોચક રહ્યો છે. મૌર્ય સામ્રાજ્યમાં ચંદન-સંદેશવાહકો અને સંદેશાવાહક કબૂતરોથી શરૂ થયેલી આ પ્રણાલી દિલ્હી સલ્તનત અને 16મી સદીમાં શેરશાહ સૂરી દ્વારા સ્થાપિત 'ડાક ચોકી' અને અશ્વસવાર ધાવડાઓ મારફતે વ્યાપક બની હતી.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન 1766માં વોરન હેસ્ટિંગ્સ દ્વારા અનૌપચારિક ડાક સેવા શરૂ કરાઈ, પરંતુ 1 ઓક્ટોબર,1854ના રોજ લોર્ડ ડેલહાઉસીના સમયમાં 'ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ' લાગુ થતાં વર્તમાન ભારતીય ડાક વિભાગનો જન્મ થયો.

દર વર્ષે 9મી ઓક્ટોબર 1874ના રોજ યુનાઇટેડ નેશન્સની સ્પેશિયલાઇઝ્ડ એજન્સી યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના નિમિત્તે 'વિશ્વ ટપાલ દિવસ' અને 10મી ઓક્ટોબરે 'રાષ્ટ્રીય ટપાલ દિવસ' ઉજવવામાં આવે છે.

naidunia_image

16મી અને 17મી સદીમાં જ્યારે સુરત મુઘલ સામ્રાજ્યનું મુખ્ય બંદર અને 'બાબ-ઉલ-મક્કા'-હજયાત્રાનું પ્રવેશદ્વાર હતું, ત્યારે પર્શિયા (ઈરાન), ઓટોમાન સામ્રાજ્ય અને યુરોપથી આવતી વેપારી શિપોના પત્રો અને હૂંડીઓ સુરત મારફતે જ સમગ્ર ભારતમાં મોકલવામાં આવતી હતી.

વિશ્વ ટપાલ દિવસ સંદર્ભે સુરત ડિવિઝનના સીનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ યશકુમાર જૈને જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગ ટપાલ મોકલવા સાથે દેશના કરોડો નાગરિકોની આર્થિક અને સામાજિક સુરક્ષાનો મજબૂત આધાર છે. આજે સમગ્ર દેશમાં વિભાગ પાસે 38 કરોડથી વધુ બચત ખાતાઓમાં રૂ.22 લાખ કરોડની ડિપોઝિટ જમા છે.

આજે સમગ્ર દેશમાં 1.65 લાખથી વધુ ડાકઘરો ધરાવતું ભારતીય ટપાલ વિભાગ વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે, જેમાંથી અંદાજિત દોઢ લાખ ડાકઘરો ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે.

naidunia_image


કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન મંત્રાલય હેઠળ આવતા ટપાલ વિભાગે સમય સાથે આધુનિકતા અપનાવી છે. આજે ટપાલ અને લોજિસ્ટિક્સ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી ઘરે બેઠા નાણાકીય સેવાઓ, આધાર નોંધણી તથા પાસપોર્ટ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વિભાગે ટેકનોલોજી ક્ષેત્રે 'APT 2.0' જેવું ઇન-હાઉસ યુઝર-ફ્રેન્ડલી સોફ્ટવેર પણ વિકસાવ્યું છે. સુરત ડિવિઝન વર્ષ 1969થી સક્રિય છે, અને અહીં ડચના સમયની હેરિટેજ બિલ્ડિંગ સાથે SVNIT ખાતે આધુનિક 'NxtGen' પોસ્ટ ઓફિસ પણ કાર્યરત છે.


સુરતનો ઇતિહાસ હંમેશાંથી વેપાર અને વાણિજ્ય સાથે વણાયેલો રહ્યો છે. ભૂતકાળમાં ડચ, પોર્ટુગીઝ અને બ્રિટિશરો જેવા વિદેશી વેપારીઓ માટે સુરત ભારતનું મુખ્ય પ્રવેશદ્વાર અને વેપારનું કેન્દ્ર હતું. આજે પણ સુરત પોસ્ટલ ડિવિઝન તે જ ઐતિહાસિક પરંપરાને જાળવી રાખીને દેશ અને દુનિયા સાથે સુરતના ઉદ્યોગકારોને જોડતી મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યું છે.

naidunia_image

દેશના ટોપ-10 પોસ્ટલ ટ્રેડ પોઇન્ટ્સમાં સ્થાન ધરાવતું સુરત ડિવિઝન સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓ માટે માલસામાનના પરિવહનનું સૌથી વિશ્વાસપાત્ર માધ્યમ બની રહ્યું છે એમશ્રી યશકુમારે કહ્યું હતું.

સુરત પોસ્ટલ ડિવિઝન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 240 ડાકઘરો દ્વારા નાગરિકોને ટપાલ તેમજ નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં 302 પોસ્ટમેન શહેરમાં અને 340 ગ્રામીણ ડાક સેવકો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ટપાલીઓ ટપાલ, ATM કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા અગત્યના દસ્તાવેજો ઘરઆંગણે પહોંચાડવા સાથે ગ્રામસભાઓમાં ભાગ લઈને લોકોને સુરક્ષિત બચત અને વીમા યોજનાઓ અંગે માર્ગદર્શન આપીને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સુરક્ષા લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરી રહ્યા છે.

આમ સમય સાથે વિજ્ઞાન અને ડિજિટલ ક્રાંતિ આવતા ટપાલ વિભાગે પણ પોતાની કાયાપલટ કરી છે. આજે સુરત જેવા સ્માર્ટ સિટીમાં ડાક વિભાગ ચિઠ્ઠી પહોંચાડવા સાથે સાથે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી ઘરબેઠા 'ડોરસ્ટેપ બેંકિંગ' અને આધાર લિંક્ડ પેમેન્ટ સેવાઓ આપી રહ્યું છે. સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને શ્રમિક વર્ગ માટે ડાક સેવકો માઇક્રો-એટીએમ લઈને દ્વારે-દ્વારે પહોંચી છે.

સુરતના વિરાટ ઔદ્યોગિક વિસ્તારમાં વસતા લાખો શ્રમિકો અને નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, આધાર કાર્ડ અપડેશન અને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ જેવી યોજનાઓ આશીર્વાદરૂપ બની છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી નીતિઓ અને ભારતીય ડાક વિભાગના નેટવર્કથી આજે ગુજરાત 'સેવાથી સમૃદ્ધિ' તરફ મજબૂત કદમ ભરી રહ્યું છે.

સુરત પોસ્ટલ ડિવિઝન હેઠળ કાર્યરત યોજનાઓ:

સુરત જિલ્લામાં પોસ્ટલ વિભાગની યોજનાઓમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસપત્ર, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને બચત ખાતાઓ કાર્યરત છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના, મંથલી ઈન્કમ સ્કીમ, PPF, સિનિયર સિટીઝન યોજના તેમજ મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ યોજના અમલી છે. આ સિવાય અટલ પેન્શન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સહિતની યોજનાઓ પણ સુરત પોસ્ટલ વિભાગ હેઠળ અમલી છે.