SIM card security: હવે તમારું સિમ કાર્ડ કોણ વાપરે છે? સેકન્ડોમાં મળશે માહિતી, અજાણ્યા કનેક્શન્સને બ્લોક કરો માત્ર એક ક્લિકમાં!

'સંચારસાથી એપ્લિકેશન' ડિજિટલ યુગમાં નાગરિકોની સુરક્ષા અને સશક્તિકરણ માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Sep 2025 07:07 PM (IST)Updated: Thu 04 Sep 2025 07:09 PM (IST)
who-is-using-your-sim-card-secure-your-mobile-with-dots-sanchar-saathi-app-597461

Sanchar Saathi App: ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન માત્ર એક ઉપકરણ નથી, પરંતુ આપણા જીવનનું કેન્દ્ર બની ગયું છે. તેમાં બેંક ખાતાની વિગતો, ખાનગી ફોટા, વ્યક્તિગત સંદેશાઓ અને સંવેદનશીલ દસ્તાવેજો જેવી મહત્વપૂર્ણ માહિતી સંગ્રહિત હોય છે. તેથી, મોબાઈલની સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. જો ફોન સુરક્ષિત ન હોય તો સાયબર ગુનેગારો તમારી ઓળખ ચોરી કરી બેંક ખાતું ખાલી કરી શકે છે અથવા ખાનગી માહિતીનો દુરુપયોગ કરી શકે છે. મજબૂત પાસવર્ડ, ઓથેન્ટિકેશન અને સૉફ્ટવેર અપડેટ જેવા સરળ પગલાં અપનાવીને આપણે આવી છેતરપિંડીથી બચી શકીએ છીએ. ટૂંકમાં, મોબાઈલ સુરક્ષા એ આજનાં ડિજિટલ યુગમાં આપણી નાણાકીય અને વ્યક્તિગત સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

નાગરિકોને મોબાઈલ સંબંધિત છેતરપિંડીઓ અને ગુનાઓથી રક્ષણ આપી શકાય તે હેતુસર ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ (DoT) દ્વારા શરૂ કરવામાં આવેલી 'સંચારસાથી એપ્લિકેશન' નાગરિક કેન્દ્રિત સેવામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી પહેલ છે. આ એપ્લિકેશન ડિજિટલ યુગમાં નાગરિકોની સુરક્ષા અને સશક્તિકરણ માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે.

તો ચાલો જાણીએ, આ એપ્લિકેશનના વિવિધ પાસાઓ, ફીચર્સ અને કાર્યપદ્ધતિ વિશે…

સંચારસાથી એપ્લિકેશનનો ઉદ્દેશ્ય અને જરૂરિયાત

આજના ઝડપી ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી, ઓળખની ચોરી, અને શંકાસ્પદ કૉલ્સ જેવી સમસ્યાઓ વધી રહી છે. આવા સંજોગોમાં, સંચારસાથી એપ્લિકેશન નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની સાથે, ડિજિટલ ફ્રોડ સામે જાગૃત અને સતર્ક કરી રહી છે. સંચારસાથી એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ડિજિટલ સુરક્ષા પૂરી પાડવાનો છે. આ એપ્લિકેશન ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા, બ્લોક કરવા, સિમ કાર્ડ સંબંધિત ફ્રોડને અટકાવવા, અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવવા માટે બનાવવામાં આવી છે. આનાથી શંકાસ્પદ કૉલ્સ અને સંદેશાઓ પર નિયંત્રણ રાખી શકાય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતા ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને અટકાવી શકાય છે. ટૂંકમાં, સંચારસાથી એ ડિજિટલ ફ્રોડ સામે લડવા માટેનું એક અસરકારક શસ્ત્ર છે.

સંચારસાથીનાં મુખ્ય ફીચર્સ અને તેની કાર્યપદ્ધતિ

  1. ચક્ષુ-શંકાસ્પદ છેતરપિંડી સંદેશાવ્યવહારની જાણ કરો (Chakshu - Report Suspected Fraud Communication) - આ ફીચરનો મુખ્ય હેતુ છેતરપિંડીવાળા કોલ, મેસેજ અને અન્ય સંપર્કોની જાણ કરીને તેને રોકવાનો છે. આ પ્રક્રિયામાં તમારે કોઈ લોગિનની જરૂર નથી.

અનુસરવાના થતાં પગલાઓ

  • સંચારસાથી પોર્ટલ પર 'Report Suspected Fraud Communication' વિકલ્પ પર જાઓ.
  • જે નંબર પરથી શંકાસ્પદ કોલ કે મેસેજ આવ્યો હોય, તે ફ્રોડ નંબર દાખલ કરો.
  • તમારો પોતાનો મોબાઈલ નંબર અને છેતરપિંડીનો પ્રકાર (દા.ત., KYC ફ્રોડ, લોન, નોકરીની ઓફર) પસંદ કરો.
  • જો શક્ય હોય તો, મેસેજનો સ્ક્રીનશોટ અથવા વધારાની વિગતો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.

કેવી રીતે કામ કરે છે?

તમે આપેલી માહિતીની સિસ્ટમ દ્વારા ચકાસણી થાય છે. જો તે નંબરનો ઉપયોગ અન્ય ઘણા નાગરિકોને છેતરવા માટે થયો હોય, તો તેને બ્લોક કરવા માટે ટેલિકોમ ઓપરેટર્સને જાણ કરવામાં આવે છે. આનાથી તે નંબર પરથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકી જાય છે અને અન્ય લોકો છેતરાતા બચી શકે છે.

અત્રે નોંધનીય છે કે, ચક્ષુ એ નાણાકીય છેતરપિંડી અથવા સાયબર-ગુનાના કેસો વિશે જાણ કરવાની સુવિધા નથી. જો કોઈ વ્યક્તિએ નાણાકીય છેતરપિંડીને કારણે પહેલેથી જ નાણાં ગુમાવ્યા હોય અથવા સાયબર-ગુનાનો ભોગ બન્યો હોય, તો સાયબર-ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 અથવા https://www.cybercrime.gov.in. પર જાણ કરવી જોઈએ.

  1. તમારું ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરો (Block Your Lost/Stolen Mobile Handset) - આ ફીચર CEIR (Central Equipment Identity Register) પોર્ટલ દ્વારા સંચાલિત થાય છે.

અનુસરવાના થતાં પગલાઓ

  • સૌ પ્રથમ, ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં FIR (First Information Report) દાખલ કરાવો અને તેનો નંબર મેળવો.
  • સંચારસાથી પોર્ટલ પર 'Block Your Lost/Stolen Mobile' વિકલ્પ પર જાઓ.
  • ફોર્મમાં ખોવાયેલા ફોનનો IMEI નંબર (આ નંબર ફોનના બિલ પર કે બોક્સ પર હોય છે), ફોનનું મોડેલ, બિલ, અને FIRની વિગતો દાખલ કરો.
  • તમારું નામ, સરનામું અને સંપર્ક માટેનો અન્ય નંબર દાખલ કરો.
  • ફોર્મ સબમિટ કરો. તમને એક રિક્વેસ્ટ ID મળશે, જેનો ઉપયોગ ફોન મળી જાય તો અનબ્લોક કરવા માટે થઈ શકે છે.

કેવી રીતે કામ કરે છે?

એકવાર તમારી વિગતો ચકાસાઈ જાય, એટલે સિસ્ટમ તે ફોનના IMEI નંબરને બ્લેકલિસ્ટ કરી દે છે. આ પછી, તે ફોનમાં કોઈપણ સિમ કાર્ડ કામ કરશે નહીં. આનાથી ચોરાયેલા ફોનનો દુરુપયોગ થતો અટકી જાય છે.

  1. તમારા નામે મોબાઈલ જોડાણ જાણો (Know Mobile Connections in Your Name)

આ સેવા TAF-COP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) દ્વારા પૂરી પાડવામાં આવે છે.

અનુસરવાના થતાં પગલાઓ

  • સંચારસાથી પોર્ટલ પર 'Know Mobile Connections in Your Name' વિકલ્પ પર જાઓ.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા નંબર પર આવતો OTP (One-Time Password) દાખલ કરીને લોગિન કરો.
  • સિસ્ટમ તમારા આધાર કાર્ડ કે અન્ય ID પર રજિસ્ટર્ડ થયેલા બધા મોબાઈલ નંબરોની યાદી બતાવશે.
  • જો તમને કોઈ અજાણ્યો નંબર દેખાય, તો તેને 'This is not my number' તરીકે માર્ક કરીને રિપોર્ટ કરો.

કેવી રીતે કામ કરે છે?

આ પોર્ટલ ટેલિકોમ ઓપરેટર્સના ડેટાબેઝ સાથે જોડાણ કરીને તમારા ID પરના તમામ સિમ કાર્ડની યાદી પ્રદર્શિત કરે છે. જો તમે કોઈ નંબરને અજાણ્યો માર્ક કરો, તો તે ટેલિકોમ ઓપરેટરને બ્લોક કરવા માટેની રિક્વેસ્ટ જાય છે. આનાથી તમારી જાણ બહાર લેવાયેલા સિમનો દુરુપયોગ અટકી શકે છે.

  1. તમારા મોબાઈલ હેન્ડસેટની ઓથેન્ટિસિટી જાણો (Know genuineness of Your Mobile Handset) - આ ફીચરનો ઉપયોગ કરીને તમે કોઈપણ મોબાઈલની વાસ્તવિક સ્થિતિ જાણી શકો છો.

અનુસરવાના થતાં પગલાઓ

સંચારસાથી પોર્ટલ પર 'Know Authenticity of Your Mobile Handset' વિકલ્પ પર જાઓ.
તમારે જે ફોનની વિગતો જાણવી હોય, તેનો IMEI નંબર દાખલ કરો. જે મોબાઈલ બિલ/ઇન્વોઇસ પર મળી શકે છે. તમારા મોબાઈલ થી તમે * #06 #ડાયલ કરીને IMEI નંબર ચકાસી શકો છો, IMEI નંબર મોબાઈલ સ્ક્રીન પર દેખાશે.
માહિતી સબમિટ કરો.

કેવી રીતે કામ કરે છે?

સિસ્ટમ IMEI નંબરની ચકાસણી CEIR ડેટાબેઝમાં કરે છે. જો તે ફોન ચોરી થયેલ કે ખોવાયેલ હોય, તો તે 'Blacklisted' સ્ટેટસ બતાવશે. જો ફોન સાચો હશે, તો 'Valid' સ્ટેટસ દેખાડશે. આ ખાસ કરીને સેકન્ડ-હેન્ડ ફોન ખરીદતી વખતે ખૂબ જ ઉપયોગી છે.

  1. ભારતીય નંબર સાથે આવતા આંતરરાષ્ટ્રીય કોલનો અહેવાલ આપો (Report Incoming International Calls with Indian Numbers) - આ ફીચરનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલિંગને રોકવાનો છે.

અનુસરવાના થતાં પગલાઓ

સંચારસાથી પોર્ટલ પર 'Report International Calls with Indian Numbers' વિકલ્પ પર જાઓ.
જે ભારતીય નંબર પરથી કોલ આવ્યો હોય, તે નંબર, કોલની તારીખ અને સમય દાખલ કરો.
તમારો પોતાનો મોબાઈલ નંબર પણ આપો.

કેવી રીતે કામ કરે છે?

આ માહિતી DOT (Department of Telecommunications) અને સુરક્ષા એજન્સીઓને આપવામાં આવે છે. આનાથી તેઓ આવા ગેરકાયદેસર કોલ રૂટ (જેને SIM Box Fraud કહેવાય છે) ને ઓળખી શકે છે અને તેના પર અંકુશ મૂકી શકે છે. આ રાષ્ટ્રીય સુરક્ષા અને ટેલિકોમ નેટવર્કની અખંડિતતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

સંચારસાથી એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી?

સંચારસાથી એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે, તમે તમારા સ્માર્ટફોનના એપ સ્ટોરનો ઉપયોગ કરી શકો છો. એપ્લિકેશન Android અને iOS બંને મુખ્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

અનુસરવાના થતાં પગલાઓ

  • તમારા સ્માર્ટફોન પર Google Play Store (Android માટે) અથવા Apple App Store (iOS માટે) ખોલો.
  • એપ સ્ટોરમાં ઉપરના ભાગમાં આપેલા સર્ચ બારમાં 'Sanchar Saathi' લખો.
  • સર્ચ પરિણામોમાં, ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ (DoT) ના લોગો અને નામ સાથેની અધિકૃત એપ્લિકેશન શોધો.
  • એપ્લિકેશન પર ટેપ કરો અને પછી 'Install' અથવા 'Get' બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ, તે તમારા ફોન પર ઇન્સ્ટોલ થઈ જશે.
  • એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય, પછી તમે તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર કરીને તેની વિવિધ સેવાઓનો લાભ લઈ શકો છો.

સંચારસાથી એપ્લિકેશન અને તેનું પોર્ટલ હિન્દી અને ૨૧ પ્રાદેશિક ભાષાઓ સહિત કુલ ૨૨ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના વિવિધ પ્રાદેશિક અને ભાષાકીય સમુદાયો સુધી પહોંચવાનો છે, જેથી વધુમાં વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ શકે અને ડિજિટલ ફ્રોડથી પોતાનું રક્ષણ કરી શકે. આનાથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો વધુ સરળ બનશે.

આમ, સંચારસાથી એપ્લિકેશનએ મોબાઈલ ગ્રાહકોને સશક્ત બનાવવા, તેમની સુરક્ષા મજબૂત કરવા અને ભારત સરકારની નાગરિક કેન્દ્રિત પહેલો વિશે જાગૃતિ વધારવા માટે છે. આથી આ એપ્લિકેશન દરેક ભારતીય નાગરિક માટે એક અનિવાર્ય બની રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો 'સંચારસાથી એપ્લિકેશન' અને મેળવો ડિજિટલ યુગમાં સુરક્ષાનું કવચ.