Surendranagar Young Farmer Innovation: ખેતીમાં નિંદામણ દરેક ખેડૂત માટે શિરદર્દ સમાન છે. જો તેમાં માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવે તો મજૂર અને મજૂરીનો પ્રશ્ન થાય છે, જો કેમિકલયુક્ત દવાઓ છાંટવામાં આવે તો જમીનની ફળદ્રુપતાને અસર થાય છે.
આ સમસ્યાના ઉકેલરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના યુવા ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી એક અનોખો પ્રયોગ કર્યો છે. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી નિંદામણનાશક તૈયાર કર્યું, જેના તેમને દવા જેટલા જ અસરકારક પરિણામ પ્રાપ્ત થયા છે.
પરેશભાઈએ 15 લીટર ગૌમૂત્રના સ્પ્રે પંપમાં 1 કિલો મીઠું મેળવીને શેઢા-પાળે ઉગેલા નિંદામણ પર છંટકાવ કર્યો. આ પ્રયોગથી માત્ર પાંચ જ દિવસમાં મોટાભાગનું નિંદામણ સૂકાઈ ગયું. જ્યાં પહેલા રાસાયણિક દવાનો ખર્ચ પંપ દીઠ રૂ. 400 થતો હતો.
ગૌમૂત્ર ઘરમાંથી જ હતું, ત્યારે તેમને માત્ર રૂ.10ની મીઠાનો જ ખર્ચ થયો. જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર કરાયેલા આ અખતરાથી પ્રભાવિત થઈને સુરેન્દ્રનગર 'આત્મા' પ્રોજેક્ટના ડિરેક્ટર ભરત પટેલે તેમના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે રાજ્યના અન્ય ખેડૂતોને આ પ્રયોગ સૂચવ્યો છે.
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ
પરેશભાઈના પિતાજી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળતા હતા. પરેશભાઈએ ખેતી સંભાળ્યા પછી ગીર ગાયો રાખી, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને 2016થી પ્રાકૃતિક કૃષિ તરફ પગરણ માંડ્યા. 2018-19થી તેમણે જમીનમાં કોઈ પણ કેમિકલ નાખવાનું બંધ કરી દીધું. તેમની પાસે રહેલી કુલ 13 એકર જમીનમાંથી હાલ 4.5 એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાંથી 2 એકરમાં ખાસ 'મોડેલ ફાર્મ' તૈયાર કર્યું છે. આગામી 3 થી 4 વર્ષમાં પોતાની તમામ 13 એકર જમીનને પ્રાકૃતિક કૃષિમાં ફેરવવાનો તેમનો સંકલ્પ છે.
પાક પરિવર્તન અને સારી આવક આપતું સચોટ આયોજન
પરેશભાઈ ચોમાસામાં કપાસ અને તલ સાથે મગ તથા શિયાળામાં ચણા, જીરું, ધાણા, મેથી તેમજ ગલગોટા અને પ્રખ્યાત 'વઢવાણી મરચાં'નું ઉત્પાદન કરે છે. કપાસમાં વીઘે માંડ 30 થી 35 મણના ઉત્પાદન સામે તેમણે માત્ર 10 ગુંઠા જમીનમાં ગલગોટાનું વાવેતર કરી 100 મણથી વધુ ઉત્પાદન મેળવ્યું. સ્થાનિક માર્કેટમાં રોજ સવારે તાજા ફૂલો પહોંચાડીને રૂ. 60/કિલોના ભાવે તેઓ રૂ. 1 થી 1.25 લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે.
આ ઉપરાંત, તેમણે દોઢ એકરમાં ગૌમૂત્ર અને છાણથી 'રેસિડ્યુ ફ્રી' જીરું પકવ્યું હતું. જીરાનો સામાન્ય બજાર ભાવ જ્યારે રૂ. 5,000 પ્રતિ મણ હતો ત્યારે આણંદ લેબોરેટરીથી સર્ટિફાઇડ પરેશભાઈના ખેતરનું જીરું સુરતમાં રૂ. 8,500 અને નાસિક, ઔરંગાબાદ તથા પુણેમાં રૂ. 10,000 પ્રતિ મણના અસાધારણ ભાવે વેચાણ થયું હતું.
સંસ્કાર, પ્રકૃતિપ્રેમ અને આદર્શ જીવનસાથીનો સહયોગ
34 વર્ષીય પરેશભાઈએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યા બાદ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત મુંબઈ જ્ઞાનપીઠ ખાતેથી ૭ વર્ષ સુધી તપોવન પદ્ધતિમાં શિક્ષણ મેળવ્યું, જ્યાંથી તેમને ગૌમાતા, પ્રકૃતિ અને જમીન પ્રત્યે ઊંડો પ્રેમ જાગ્યો. લગ્ન સમયે પણ તેમણે એવી જ શરત મૂકી હતી કે તેમને ખેતીમાં સાથ આપે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાથે ઉભી રહે તેવી યુવતી સાથે જ લગ્ન કરશે. આજે તેમનાં ધર્મપત્ની ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈને બીજામૃત અને જીવામૃત જેવા પ્રાકૃતિક ઘટકો જાતે બનાવીને તેમની સફળતાના સાચા સાથી બન્યા છે.
સરકારી પ્રોત્સાહન અને સન્માન
પાકમાં રોગ-જીવાત સામે રક્ષણ માટે તેઓ ગૌમૂત્ર, દૂધ, ગોળ અને આંકડાના બોળાનો ઉપયોગ કરે છે, જ્યારે અળસિયા અને હ્યુમસ વધારવા જીવામૃત-ઘન જીવામૃત વાપરે છે. તેમની આ કોઠાસૂઝ બદલ 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા 'બેસ્ટ તાલુકા ફાર્મર એવોર્ડ' અને રૂ. 10,000નો પુરસ્કાર મળ્યો છે. મોડેલ ફાર્મ વિકસાવવા બદલ રાજ્ય સરકાર તરફથી રૂ. 13,500ની સહાય તથા જીવામૃત બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી અને પાકા તળિયાના બાંધકામ માટે પણ સરકારી મદદ પ્રાપ્ત થઈ છે.
"જો આપણે જમીનને બચાવશું, તો જમીન આપણને સામો સપોર્ટ આપશે" એવા દ્રઢ વિશ્વાસ સાથે પરેશભાઈ આજે અન્ય ખેડૂતોને પણ તાલીમ આપી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણની રક્ષા માટે જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ માર્ગ છે તે પરેશભાઈ ડુમાણીયાએ સાબિત કરી બતાવ્યું છે.
