Surat: બદલાતા સમયમાં જ્યારે દેશ દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’મેક ઈન ઈન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સુરતની અશાઇન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું સ્ટાર્ટઅપ ગ્રુપ, સિન્ક્રોનસ ડ્રાઈવ્સ એન્ડ ઈન્વર્ટર્સ પ્રા.લિ.(SDI) દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
સુરતના 6 યુવાઓ સહિત 10 વ્યક્તિઓની ટીમ દ્વારા ઇલેક્ટ્રોનિક બાઇક માટે સ્વદેશી હાર્ડવેર અને સૉફ્ટવેર વિકસાવાયું છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોત્સાહનથી તેઓ દુનિયાની સૌથી કાર્યક્ષમ ઇલેક્ટ્રિક વાહનો(EV)ની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.
સ્ટાર્ટ અપ વિશે સિન્ક્રોનસ ડ્રાઈવ્સ એન્ડ ઈન્વર્ટર્સ પ્રા.લિના સ્થાપક દર્શનભાઈ પંડિત જણાવે છે કે, બદલતા સમયમાં EVની માંગ વધી રહી છે અને આવનારા સમયમાં પણ વધારો થશે. તેમાં વપરાતી 90 ટકા ટેકનોલોજી આપણે અન્ય દેશો પાસેથી આયાત કરવી પડે છે. દેશનું આ પરાવલંબન ઘટાડવાનાં પ્રયાસના ભાગરૂપે શરૂ કરેલા આ સ્ટાર્ટઅપ થકી અમે ઇ વેહિકલમાં વપરાતા સ્વદેશી હાર્ડવેર અને સોફ્ટવેર બનાવ્યાં છે.

હવે દુનિયાની સૌથી વધુ કાર્યક્ષમ ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ એમ જણાવી આ પ્રોજેક્ટ વિષે વધુ વિગતો આપતા કહ્યું કે, અમે ઈ-વાહનોમાં વપરાતી સેમિકન્ડક્ટર ચિપનું ચોથું જનરેશન(4G) બનાવી રહ્યા છે. હાલ ઈ વાહનોમાં વપરાતી 1st જનરેશનની જગ્યાએ 4th જનરેશન પાવર ઈલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજીથી EV વાહન ઇન્સ્ટોલ્ડ બેટરી ઉપર 10 થી 15 કિમી વધુ ચાલશે.
આ માટે કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ MEITY(ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય)ના માર્ગદર્શનથી DLI(ડિઝાઇન લિંક્ડ ઈન્સેન્ટીવ) યોજનાનો લાભ મળ્યો છે. જેમાં વિવિધ કંપનીઓના સોફ્ટવેર વિનામૂલ્યે મળવાથી અમે સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપનું પણ નિર્માણ પણ કરી શકીશું. તેમજ અમે સ્વદેશી AI સર્ચ એન્જિન ટેલિસ્કોપ સાથે જોડી સંપૂર્ણ AI સંચાલિત EV વાહન બનાવી રહ્યા છીએ.

EV વાહનો માટે બ્રેઈન અને હાર્ટ ગણાતું અમારા દ્વારા વિકસાવાયેલું તેનું સોફ્ટવેર અને હાર્ડવેર દેશની ઇ વાહનો બનાવતી કંપનીઓને પર્યાપ્ત થશે. સ્વદેશી કંપનીઓને સ્વદેશી સપ્લાયર મળવાથી આયાતનું આર્થિક ભારણ ઘટશે. આ સાથે ઓછા નિભાવ ખર્ચમાં વધુ માઈલેજ આપતું ટકાઉ વાહન મળશે અને EV બનાવતી ભારતીય કંપનીઓ વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધા કરવા સક્ષમ બનશે. શ્રેષ્ઠ અને કાર્યક્ષમ સ્વદેશી EV માટેની ટેક્નોલોજીનું સર્જન કરી વૈશ્વિક ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ એમ દર્શનભાઈએ ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, સિન્ક્રોનસ ડ્રાઈવ્સ એન્ડ ઈન્વર્ટર્સ પ્રા.લિ. દેશના 100થી ઓછા અને ગુજરાતના માત્ર 3 સ્ટાર્ટઅપમાંથી એક છે જેને ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ લાભ મળ્યો છે. તેમણે EV ઓપરેટિંગ સિસ્ટમ માટેનું દુનિયાની સૌથી ઝડપી સોફટવેર તેમજ ‘રેર અર્થ ફ્રી’ દુર્લભ મેગ્નેટ વગરની મોટર માટેનું સોફ્ટવેર) પણ વિકસાવ્યું છે. જે વધુ કાર્યક્ષમ EV વાહનોનાં નિર્માણમાં ખૂબ ઉપયોગી છે.

સિન્ક્રોનસ ડ્રાઇવ્સ એન્ડ ઈન્વર્ટર્સ પ્રા.લિના સંશોધનથી તેમને આ વર્ષે સ્ટાર્ટઅપ કોન્કલેવ, ચીપઈન કોન્કલેવ તેમજ સુપર કમ્પ્યુટિંગ ઈન્ડિયા સહિતના એક્ઝિબિશનમાં પ્રદર્શનની તક પ્રાપ્ત થઈ હતી.
