દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા, પ્રતિભા અને રુચિ અનુસાર પોતાનું ભવિષ્ય નક્કી કરે છે, તેઓ કોઈપણ કામ કરવામાં કેટલા સક્ષમ છે અને કેટલું સારું કરી શકે છે. દરેક વ્યક્તિના જીવનમાં અમુક લક્ષ્યો હોય છે. આપણે બધા કોઈનાથી પ્રેરિત થઈને કંઈક કરવાનું નક્કી કરીએ છીએ અને પછી આપણે તેના માટે 100 ટકા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમે તમને એવી જ એક સફળતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ SDM મણિ અરોરાની.
મુરાદાબાદમાં બજાવી રહ્યા છે ફરજ
મણિ અરોરા જેમને તાજેતરમાં જ મુરાદાબાદમાં એડિશનલ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ મુરાદાબાદમાં SDM તરીકે ફરજ બજાવી રહ્યા હતા. મણિ અરોરા ખૂબ જ લોકપ્રિય ઓફિસર છે, સાથે જ સોશિયલ મીડિયામાં પણ તેમની ખૂબ ફેન ફોલોઈંગ છે.
પિતા ચલાવે છે કપડાની દુકાન
મણિ અરોરા હરિયાણાના યમુનાનગર જિલ્લામાંથી આવે છે. તેમના પિતા કપડાની દુકાન ચલાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેમણે UPSC 2011ના ટોપર શાઇના અગ્રવાલનો ફોટો ન્યૂઝ પેપરમાં જોયો હતો, ત્યારે તેમણે નિર્ણય લઈ લીધો હતો કે તેઓ પણ UPSC ક્લિયર કરીને ઓફિસર બનશે.
તૈયારી કરાવવા પિતાએ લીધી હતી લોન
તેઓ અભ્યાસમાં નાનપણથી જ હોશિયાર હતા. તેમણે તેમની યુનિવર્સિટીમાં MSCમાં બીજું સ્થાન મેળવ્યું હતું. તેમના માતા-પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના રિઝલ્ટ જોયા પછી તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેઓનું આટલું શાનદાર રિઝલ્ટ આવશે. તેમના પિતાએ તેમને સિવિલ સર્વિસની તૈયારી કરાવવા માટે પર્સનલ લોન પણ લીધી હતી.
ત્રણ વખત આપી UPSCની પરીક્ષા
મણિ અરોરાએ ત્રણ વખત UPSCની પરીક્ષા આપી હતી. પ્રથમ બે વખત તેઓ તેમના રેન્કથી સંતુષ્ટ ન હતા. ત્રીજી વખત વર્ષ 2017માં તેમણે ઓલ ઈન્ડિયા રેન્ક 360 મેળવ્યો હતો. ત્યારબાદ તેમની પસંદગી IRAS ઓફિસર તરીકે થઈ હતી.
ડેપ્યુટી કલેક્ટર બનવાનો લીધો નિર્ણય
આ વચ્ચે તેમણે UP PSCની પરીક્ષા પણ આપી હતી. IRAS ટ્રેનિંગ દરમિયાન UP PCSનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે 24મો રેન્ક મેળવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. જ્યાર બાદ તેમણે IRASની નોકરી છોડીને ડેપ્યુટી કલેક્ટર બનવાનો નિર્ણય લીધો.
સોશિયલ મીડિયા પર છે એક્ટિવ
પોતાની તૈયારીને લઈને મીડિયા ઈન્ટરવ્યુમાં મણિ અરોરાએ જણાવ્યું હતું કે તૈયારી દરમિયાન અભ્યાસ પર ફોક્સ કરવા માટે તેમણે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. જોકે, હવે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઓફિશિયલ કામો સિવાય તેમના અંગત જીવનની તસવીરો અને અનુભવો પણ તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરતા રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 21.5k ફોલોઅર્સ છે, જ્યારે X (અગાઉ ટ્વિટર) પર તેમના 10.2k ફોલોઅર્સ છે.