Sarangpur Hanuman Mandir History: સાળંગપુરનું નામ આવે એટેલ શ્રીકષ્ટભંજન દેવનું નામ પહેલા આવે. આજે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે. ત્યારે ગુજરાતી જાગરણ આજે તમને સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઈતિહાસની કેટલીક રસપ્રદ માહિતી જણાવી રહ્યું છે. જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા? મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે? અને કોણે દાદાની મૂર્તિ બનાવી? અને સ્થાપના સમયે કઈ-કઈ ઘટના બની હતી? મહત્ત્વનું છે કે, આ તમામ રસપ્રદ વાત ખુદ હરિપ્રકાશ સ્વામીએ જણવેલી છે. જેમના શબ્દશઃ અહીં અમે રજૂ કરીએ છીએ.
''હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે. ઈતિહાસ એવો છે કે, સ્વામીનારાયણ ભગવાન આ ગામમાં બહુ રહેતા હતા. એ સમયે ગામ ધણી જીવા ખાચર હતા. એમને બે દિકરા હતા વાધા ખાચર અને અમરા ખાચર. આ સમાજના નિયમ પ્રમાણે જેણે જન્મવું પડે છે તેણે મરવું પડે છે એ રીતે જીવા ખાચર ધામમાં જતા રહ્યા, અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા. વાઘા ખાચર નાના હતા. ત્રણ વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો. એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ આ સાળંગપુરવાળા બધા ભુખડીના છે. એટલે આ ગામમાં ભુખમરો આવ્યો. ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો. સંતો બહુ દયાળું હોય. ગામમાં ભક્તો તો બહુ બધા હતા. અઠારેય વરણના લોકો અહીં સ્વામીનારાયણ ભગવાનને માનતા હતા.''
''પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા. વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા. વાઘા ખાચર ગામના પાંચ-દસ આગેવાનોને લઈને બોટાદ ગયા હતા. બોટાદ જઈ સ્વામીના ચરણમાં માથું મૂકી ખુબ રડ્યા. સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે? ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ બે-બે દુષ્કાળ પડ્યા. વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી. રડતા-રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ. અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતું સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ. અમારા ગામમાં કૃપા કરી તમે પઘારો. ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ આવતું નથી. અમે બહુ દુ:ખી છીએ.''
''ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું કે, જા વાઘા હું તારી પાછળ પાછળ આવું છું. એ સમયે બોટાદમાં કાનો કડીયો હતો. આ કડીયો નાના-નાના મકાનો બનાવનાર હતો. એ કડીયા અને પાંચ સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા. વિક્રમ સંવત 1904માં સ્વામી અહીં આવ્યા. આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણાકરી.''
''ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું કે વાઘા આ કોણ છે? વાઘા ખાચરે કહ્યું કે, સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા તે અદાબાપાનો પાળિયો છે. ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કોઈ વાંધો છે? વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી કહ્યું કે કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે.''
''પછી અહીં રહેલા દરબાર ગઢમાં એ પથ્થર લાવ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કડીયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ. કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું, શિલ્પી નથી. મને મૂર્તિ બનાવતા ન આવડે. સ્વામીએ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થશે. સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે.''
''પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવીશું. સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું. પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા. એ જમાનામાં સ્વામી 200 સાધુ અને વિદ્વાન 25 બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી આ 1905માં આસો વદી પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી.''
''એ સમયે કેશવદાસજી સ્વામી હતા, એમને સમાધી કરાવી અક્ષરધામમાં મોકલ્યા. કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામીનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદસ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે. ત્યારે સ્વામીનારાયણ ભગવાને ત્યાં બેઠા-બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે. તે જીવ-પ્રાણી માત્રના કષ્ટોનો નાશ કરશે. એટલે એનું નામ કષ્ટભંજન દેવ પડ્યું. બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેળ કે તેલ ચડાવશે, થાળ ધરાવશે એમને તમામના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે. પછી કેશવદાસજી સ્વામી સમાઘીમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી.''
''પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું, સ્વામીએ અષ્ટાંગયોગ સિદ્ધ કરેલો હતો. આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા. એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા. ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી. ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા. એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી. એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. સ્વામીએ કહ્યું કે થોડીવાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા. પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે. પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ-પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્રને માત્ર તેના દુ:ખ દૂર કરવાના છે. પછી વાઘા ખાચરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીને ભોગ શેનો ધરાવીએ ? સ્વામીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભુખડીના કહ્યા હતા હવે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ ધરાવજો.''
આ મંદિર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે. જે સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી છે. ત્યાંથી વહિવટી સમિતી મુજબ સંતોને અહીં મુકવામાં આવે છે.
હનુમાનજી મહારાજ પાસે જવા માટે પુજારીએ નિયમમાં રહેવું પડે છે. સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે અને બીજા કપડાં પહેરવા પડે. વર્ષની અંદર 20વારથી વધુ અન્નકૂટ ધરાવાય છે.
તમામ તસવીરો સાળંગપુર હનુમાનજીની ઓફિસિયલ વેબસાઈટ પરથી લીધેલા છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
