રાજેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર, Rivaba Jadeja Interview: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને પાયાની સાક્ષરતા તેમજ સંખ્યાજ્ઞાન (FLN) મજબૂત કરવાના ઉદ્દેશ્યથી 'નિપુણ ગુજરાત' અભિયાન (Nipun Gujarat) અંતર્ગત એક વ્યાપક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ સર્વે દ્વારા રાજ્યના બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના તમામ બાળકોની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.આ અંગે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી.
પારદર્શક અને ટેકનોલોજી આધારિત સર્વે પ્રક્રિયા
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે, આ સર્વેની પ્રાથમિક કામગીરી શાળાઓના શિક્ષકો અને આચાર્યો દ્વારા જ હાથ ધરવામાં આવશે. જેમાં વર્ગખંડમાં બાળકોનું મૂલ્યાંકન થશે. પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ અને એપ/પોર્ટલ માધ્યમથી ડેટા એન્ટ્રી કરવામાં આવશે.
ડેટાની ચોકસાઈ માટે થર્ડ પાર્ટી એસેસમેન્ટ
સર્વેના એક સપ્તાહ બાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી ડેટાની ચોકસાઈ (Data Accuracy) ચકાસવા માટે ત્રીજા પક્ષ દ્વારા મૂલ્યાંકન (Third Party Assessment) કરાશે. આ પ્રક્રિયા શિક્ષકો પર શંકા માટે નથી, પરંતુ રાજ્ય કક્ષાએ ચોક્કસ નીતિવિષયક નિર્ણયો અને રિસોર્સ ફાળવણી માટે ડેટાની વિશ્વસનીયતા ચકાસવાનો એક પ્રયાસ છે.
માત્ર કાગળ પર રિપોર્ટ નહીં, 'માઇક્રો-લેવલ એક્શન પ્લાન બનશે
આ સર્વે માત્ર કાગળ પરનો રિપોર્ટ બનીને નહીં રહે. ડેટા વિશ્લેષણના આધારે જો બાળકોનું સ્તર અપેક્ષિત ધોરણ મુજબ નહીં જણાય, તો રાજ્ય, જિલ્લા, શાળા અને દરેક વિદ્યાર્થીના સ્તરે 'રેમેડિયલ એક્શન પ્લાન' (ઉપચારાત્મક શિક્ષણ) ઘડવામાં આવશે. જેથી દરેક બાળક તેની વયકક્ષા મુજબનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકે.
શિક્ષકોનું મૂલ્યાંકન નહીં, પણ બાળકોના લર્નિંગ આઉટકમ્સનું નિદાન
આ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજ્યના શિક્ષકો યોગ્ય લાયકાત (TET-TAT) ધરાવે છે અને તેમની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. આ સર્વે શિક્ષકોની લાયકાતનો નથી, પરંતુ બાળકોના 'લર્નિંગ આઉટકમ્સ' ઓળખવા માટેનું એક ડાયગ્નોસ્ટિક એસેસમેન્ટ (નિદાનાત્મક કસોટી) છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જરૂરી છે.
સર્વેના મહત્વપૂર્ણ મુદ્દાઓ એક નજરે
100 ટકા બાળકોનું ટ્રેકિંગ: ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) અને U-DISE ડેટાના આધારે દરેક બાળકની નોંધણી કરાશે. ગેરહાજર બાળકો માટે પૂરક (Supplementary) એસેસમેન્ટ યોજાશે.
સામૂહિક જવાબદારીનો અભિગમઃ પરિણામ નબળું આવવા પર દોષારોપણ કરવાને બદલે સરકાર, શિક્ષકો અને વાલીઓ મળીને વ્યવસ્થા સુધારશે.
સકારાત્મક પ્રોત્સાહનઃ સારું પ્રદર્શન કરતી શાળાઓને 'નિપુણ શાળા' તરીકે સન્માનિત કરવામાં આવશે. નબળા પરિણામ ધરાવતા ક્ષેત્રો માટે વિશેષ રોડમેપ બનશે.
શિક્ષકોનો શૈક્ષણિક સમયઃ બિન-શૈક્ષણિક કામગીરી ડિજિટલ કરીને ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી શિક્ષકોનો મહત્તમ સમય ભણાવવામાં જ વપરાય.
'નિપુણ ગુજરાત' અંતર્ગત વર્ષ 2026-27 સુધીમાં તમામ બાળકો પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરે તેવો સ્પષ્ટ લક્ષ્ય છે. આ સર્વેના અમલીકરણથી આગામી એક જ શૈક્ષણિક સત્રમાં શિક્ષણની ગુણવત્તામાં દેખીતો અને સકારાત્મક સુધારો જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
