Viksit Gujarat Summit 2026: નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026'માં ગુજરાત વિદેશી રોકાણ મેળવવામાં મોખરે

PM મોદીના વિઝનથી વિકસિત ગુજરાત બન્યું 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર': ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ડેટા સેન્ટર પોલિસી અને GIFT Cityના AI સેન્ટર સાથે ટેકનોલોજી સેક્ટરમાં નવી ક્રાંતિ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 04:33 PM (IST)Updated: Fri, 07 Aug 2026 04:33 PM (IST)
viksit-gujarat-summit-2026-2026
HIGHLIGHTS
  • સમિટમાં AI, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અદ્યતન વિષયો પર મંથન

Viksit Gujarat Summit 2026: ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ'થી વિકાસની રાજનીતિ અને વિકાસની બહુ સરળ સમજ આપી છે. 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' એટલે આર્થિક વિકાસ સહિત સર્વાંગી વિકાસનું એવું વિઝન જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઈટ ફ્યુચર-ઉજ્જવળ ભવિષ્ય મળી રહે.

મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાને નાનામાં નાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવા માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' નો કાર્યમંત્ર આપ્યો છે.

7 ઓગસ્ટ 'નેશનલ હેન્ડલૂમ ડે' અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાને દેશનું શાસન સંભાળ્યાના બીજા વર્ષે એટલે કે વર્ષ 2015 થી આ દિવસની ઉજવણી શરૂ કરાવી છે. 'વોકલ ફોર લોકલ' નો અભિગમ અપનાવીને હાથવણાટના કારીગરો સહિત અંત્યોદયના આર્થિક-સામાજિક વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવીને નાના કારીગરોના ઉત્પાદનોને વિશ્વ બજાર પૂરું પાડ્યું છે અને વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે. ગુજરાતને તેમના વિઝનરી નેતૃત્વનો લાભ છેલ્લા 25 વર્ષથી સતત આપણને મળતો રહ્યો છે તેમજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ દરેક નાગરિકના જીવનની ગુણવત્તામાં દેખાય છે. 'વિકસિત ગુજરાત' આજે દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે, તેની પાછળ વડાપ્રધાનશ્રીનો અવિરત પુરુષાર્થ અને પ્રેરણા છે. દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને રિન્યુએબલ એનર્જી ગ્રીન ગ્રોથનું લીડર ગુજરાત હવે ટેકનોલોજી સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે:

તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને રાજ્ય ગ્લોબલ મેપ પર ટેકનોલોજી ક્ષેત્રના મહત્વના પ્લેયર તરીકે પ્રસ્થાપિત થયું છે. એક નવી ઈન્ડસ્ટ્રી સાથે આખી નવી ઈકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જીસીસી -GCC અને ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે, તેથી આવનારા દિવસોમાં હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સ કાર્યરત થશે. ભારત સરકારે 2047 સુધી ડેટા સેન્ટર માટે જાહેર કરેલા ટેક્સ હોલિડેનો ગુજરાતને મોટો લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થયું છે તે ટેકનોલોજી અને ઉદ્યોગ વચ્ચે મહત્વનો સેતુ છે. ગિફ્ટ સિટીમાં વિકસેલા બેંકિંગ અને ફાઈનાન્શિયલ ઉદ્યોગને પરિણામે અહીં આ સેક્ટરની હાઈ ક્વોલિટી સર્વિસીસ પણ મળે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની સફળતાથી ઔદ્યોગિક વિકાસ દ્વારા ગુજરાત 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' અને નવા ઉદ્યોગો તથા વિદેશી મૂડીરોકાણ માટે 'બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ' બન્યું છે.

તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026 હેઠળ નીતિ આયોગના તાજેતરમાં જાહેર થયેલા ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોપ પર આવ્યું છે. એપ્રિલ 2020 થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2019 થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે.

રાજ્ય સરકાર ઉદ્યોગસાહસિકોને સસ્ટેનેબલ ગવર્નન્સ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે સુદ્રઢ ઈન્ડસ્ટ્રીયલ ઈકોસિસ્ટમ પૂરી પાડે છે, જેનાથી રોજગારીનું સર્જન,ઈનોવેશનને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસના લાભથી છેવાડાનો વ્યક્તિ પણ આર્થિક-સામાજિક રીતે સમૃદ્ધ બને તે જ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ની વિભાવના છે. આ માટે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' ના કોન્સેપ્ટ સાથે ઈકોનોમી અને ઈકોલોજી બંનેનું સંતુલન કર્યું છે. ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ‘એક પેડ મા કે નામ’, પ્રાકૃતિક ખેતી અને અમૃત સરોવર નિર્માણ જેવા અભિયાનોથી ક્લાઈમેટ રેઝિલિયન્ટ ગુજરાત બનાવવાની દિશા લીધી છે.

તેમણે ઈકોનોમિક ટાઈમ્સ પણ ઈકોલોજી બેલેન્સ માટે જાગૃતિનું માધ્યમ બનવાની અપેક્ષા વ્યક્ત કરીને વિકસિત ભારત 2047નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાથે મળીને પાર પાડવામાં 'વિકસિત ગુજરાત' થી સૌ સાથે મળીને લીડ લેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા આયોજિત 'વિકસિત ગુજરાત સમિટ'ને રાજ્યના આર્થિક વિકાસના રોડમેપને ઇવેલ્યુએટ અને પ્રોજેક્ટનાં ઉત્કૃષ્ટ મંચ ગણાવતા સમગ્ર ઈકોનોમિક ટાઈમ્સ ટીમને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા .

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, PM મોદીએ ગુજરાત અને દેશને વિકાસની નવી દિશા આપી છે. એક સમય હતો જ્યારે સ્પેસ ક્ષેત્રે માત્ર ઈસરો- ISRO જ કામ કરતું હતું. જ્યારે હવે લગભગ 50 જેટલા સ્ટાર્ટઅપ્સે પોતાના પ્રોટોટાઈપ રજૂ કર્યા છે.આપણા માટે આનંદની વાત છે કે તેમાંથી મોટાભાગના સ્ટાર્ટઅપ્સે વેંચર ફંડ્સ સાથે ટાઈ-અપ કરી લીધું છે અને પેટન્ટ પણ મેળવી લીધી છે.

તેમણે કહ્યું કે, જેમ આકાશની કોઈ સીમા નથી, તેમ આજે ગુજરાતમાં સ્પેસ ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, બાયોટેકનોલોજી અને AI જેવા સનરાઈઝ સેક્ટરમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. ગુજરાત હંમેશા ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ અને કેમિકલ્સમાં આગળ રહ્યું છે, પરંતુ હવે ટેકનોલોજી સહિત નવા ક્ષેત્રોમાં પણ આપણી સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.

મંત્રીએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાત સનરાઈઝ સેક્ટરમાં નંબર-1 બનશે. ગુજરાતના વિકાસ માટે આપણે જે પણ પ્રોજેક્ટ લાવ્યા છીએ, તેમાં મુખ્યમંત્રીએ ક્યારેય નાણાને કારણે ના નથી પાડી. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે આજે વિઝન,નાણાકીય ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ ઉપલબ્ધ છે .

આ પ્રસંગે ડેનમાર્કના રાજદૂત એચ.ઈ. રાસ્મસ અબિલ્ડગાર્ડ ક્રિસ્ટનસેનએ ગુજરાતની મુલાકાતથી આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને બેટરી સ્ટોરેજના એકીકૃત ઉપયોગ તથા તેની વિશાળ ક્ષમતા ખૂબ અદ્ભુત છે. આ પ્રોજેક્ટ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સ્વચ્છ ઊર્જાના ભવિષ્યને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ડેનમાર્ક અને ભારત વચ્ચે ‘ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના માધ્યમથી આર્થિક વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું એકસાથે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત અગ્રણી ડેનિશ કંપનીઓ પીપાવાવ પોર્ટ સહિત ગુજરાતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરીને અને નવી રોજગારીની તકો ઊભી કરીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાતની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે.

શિક્ષણ અને સંશોધન ક્ષેત્રોમાં પણ ભારત અને ડેનમાર્ક વચ્ચેનો સહયોગ સતત મજબૂત બની રહ્યો છે. બંને દેશો ગુજરાતમાં ઑફશોર વિન્ડ એનર્જીની ક્ષમતાના વિકાસ અને ગ્રીન શિપિંગ કોરિડોરની સ્થાપના સહિત વૈશ્વિક હબના નિર્માણ માટે સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. આ સહયોગનો વ્યાપ ટકાઉ ડેરી ઉત્પાદનથી લઈને શિક્ષણ અને અદ્યતન સંશોધન સુધી વિસ્તરેલો છે. ભારત અને ડેનમાર્ક વચ્ચેનો સહયોગ નવીનતા, હરિત ટેકનોલોજી, રોકાણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં ભવિષ્ય માટે એક મજબૂત અને પ્રેરણાદાયી ભાગીદારીનું નિર્માણ કરી રહ્યો છે.

ET Government પશ્ચિમના તંત્રી કાર્તિક શર્માએ ધ ઈકોનોમિક ટાઈમ્સની બીજી સમિટ-આવૃત્તિમાં સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત એ દેશનું રોલ મોડેલ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે ગુજરાત સતત કાર્યરત છે.ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા ગુડ ગવર્નન્સ, ઉદ્યોગો તેમજ રોકાણની નવી નવી તકો શોધવામાં અગ્રેસર હોય છે.