Surya Grahan 2026 Rashifal: 12 ઓગસ્ટે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો 12 રાશિઓ પર તેની કેવી અસર થશે

Surya Grahan 2026 Rashifal: 2026નું બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટે કર્ક રાશિ અને અશ્લેષા નક્ષત્રમાં થશે, જે ભારતમાં દેખાશે નહીં પરંતુ તમામ રાશિઓ પર અસર કરશે. આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 04:16 PM (IST)Updated: Fri, 07 Aug 2026 04:16 PM (IST)
surya-grahan-2026-total-solar-eclipse-on-august-12-and-its-effects-on-all-zodiac-signs

Surya Grahan (Solar Eclipse) 2026 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં સૂર્યગ્રહણને એક મહત્ત્વપૂર્ણ ખગોળિય ઘટના ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગ્રહણ દરમિયાન ઊભી થતી ગ્રહોની સ્થિતિની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો ઉપરાંત દેશ-દુનિયા પર પડે છે.

વૈદિક પંચાગ પ્રમાણે, 2026ના વર્ષનું બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ આગામી 12 ઓગસ્ટના રોજ રાતે 9:04 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે 13 ઓગસ્ટની સવાર 4:25 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિ અને અશ્લેષા નક્ષત્રમાં થવાનું છે.

ખાસ વાત એ છે કે, આ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, પરંતુ તે પશ્ચિમના દેશો અને આર્કટિક ક્ષેત્રમાં સ્પષ્ટ જોઈ શકાશે, જ્યાં થોડા સમય માટે અંધકાર છવાઈ જશે. આમ છતાં, આ સૂર્યગ્રહણનું રાશિફળ કેટલીક રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે, જ્યારે કેટલાક જાતકોને ખાસ સાવધાન રહેવાની જરૂર પડશે.

મેષ રાશિ (Aries)

વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યું છે. પારિવારિક તેમજ અંગત જવાબદારીઓ પૂરી નિષ્ઠા સાથે પુરી કરી શકશો. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે નવી જવાબદારી મળી શકે છે, જેના પરિણામે કરિયરમાં આગળ વધવાની તક મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કામોને ગતિ મળશે. ધાર્મિક અને આદ્યાત્મિક ગતિવિધિઓમાં સમય વીતાવી શકશો, જેના પરિણામે મન એકંદરે શાંત રહેશે. કોઈને પૈસા ઉધાર ના આપવા, નહીંતર પરત મળવામાં મુશ્કેલી થઈ શકે છે.

વૃષભ રાશિ (Taurus)

તમારા માટે સૂર્ય ગ્રહણ મિશ્રિત ફળ આપનારું નીવડશે. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. ધંધામાં નફો સામાન્ય જળવાઈ રહેશે. બિનજરૂરી ખર્ચો આવી પડશે, પરંતુ આવક વધવાના કારણે વધારે તકલીફ નહીં પડે. ખાવા-પીવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું, નહીંતર બીમાર પડી શકો છો. ઉચ્ચ અધિકારીઓ સાથેની મિટિંગ સફળ રહેશે. કોઈ અંગત સમસ્યાના કારણે મન બેચેની અનુભવી શકે છે.

મિથુન રાશિ (Gemini)

તમારા માટે સૂર્ય ગ્રહણ આર્થિક દ્રષ્ટિએ નવી તકો લઈને આવી રહ્યું છે. આકસ્મિક ધનલાભ અને આવકના નવા માર્ગો મળી શકે છે. નોકરી અને વેપાર બન્ને ક્ષેત્રોમાં શાનદાર સફળતા તમારી રાહા જોઈ રહી છે. પ્રેમસબંધમાં નિકટતા અનુભવાય. કોઈ જગ્યાએ ફસાયેલા નાણાં પરત મળી શકે છે. ક્રોધને કાબુમાં રાખજો, નહીંતર બનેલી બાજુ બગડતા વાર નહીં લાગે.

કર્ક રાશિ (Cancer)

સૂર્ય ગ્રહણના સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. વેપાર-ધંધામાં પ્રતિસ્પર્ધીઓ સાથે હરિફાઈને પોતાના પર હાવી ના થવા દેશો. નવું કામ શરૂ કરવા માટે હાલ કોઈ યોજના ના બનાવશો. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતમાં મતભેદ ઉભા થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે, પરંતુ અહંકારના કારણે ખોટો નિર્ણય લેવાઈ શકે છે.

સિંહ રાશિ (Leo)

તમારા માટે પણ આ સમય પડકારજનક રહી શકે છે. બિનજરૂરી વિવાદોમાં પડવાનું ટાળજો. આકસ્મિક ખર્ચા આવી પડતા બજેટ ડામાડોળ થઈ શકે છે. જવાબદારીઓના કારણે ભાગદોડ વધારે રહેશે, પરંતુ સફળતા મળવાથી થાક દૂર થશે. ગુસ્સો અને જિદ તમારા બનેલા કામ બગાડી શકે છે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર જણાય. 

કન્યા રાશિ (Virgo)

આ સમય તમારી ધીરજની કસોટી કરી શકે છે. મૂડી રોકાણના કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાથી બચો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે. નોકરિયાત વર્ગને ગુપ્ત શત્રુ તેમજ વિરોધીઓ કામમાં અડચણો ઉભી કરી શકે છે. વાતચીત કરવામાં ખાસ તકેદારી રાખવી, નહીંતર વાતનું વતેસર થતાં વાર નહીં લાગે.બજેટને નજર સમક્ષ રાખીને જ ખર્ચા કરશો, તો કોઈ વાંધો નહીં આવે.

તુલા રાશિ (Libra)

સૂર્યગ્રહણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાના યોગ બનશે.નસીબ તમારા કદમથી કદમ મિલાવીને ચાલશે. નવી શરૂઆત ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરી આપશે. નોકરી શોધી રહેલા જાતકોને મિત્રોની મદદથી શુભ સમાચાર મળી શકે છે. પરિવારના કોઈ લગ્નવાંચ્છુક માટે સારા માંગા આવી શકે છે.

વૃશ્વિક રાશિ (Scorpio)

તમારા માટે આવનારો સમય ફળદાયી નીવડી શકે છે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા કરનારાઓને શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમારી મહેનત રંગ લાવતી જણાય. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી બનવાથી તમે માનસિક શાંતિ અનુભવશો. કોર્ટમાં કામકાજમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.કોઈ ખાસ વ્યક્તિ સાથે વીતાવેલો સમય તમારા મનને પ્રસન્ન કરશે.

ધન રાશિ (Sagittarius)

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ તમને કેટલીક બાબતોમાં સતર્ક રહેવાના સંકેત આપી રહ્યું છે. કોઈ સરકારી કામકાજ અટક્યું હશે, તો તેને પુરા થવાની હાલ કોઈ આશા જણાતી નથી. પૈસાની બાબતમાં કોઈના પર વધારે પડતો ભરોસો ના કરશો, વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી વર્ગ આળસના કારણે અભ્યાસમાં પાછળ રહી શકે છે. બિનજરૂરી વિવાદોના કારણે ઘરની શાંતિ હણાઈ શકે છે.

મકર રાશિ (Capricorn)

તમારા માટે સૂર્ય ગ્રહણનો સમયગાળો અગ્નિપરીક્ષા સમાન રહી શકે છે. લાગણીઓને કાબુમાં રાખજો, નહીંતર ખોટા નિર્ણય લેવાઈ શકે છે. રોકાણ સબંધિત નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી હિતાવહ રહે. ધંધામાં કોઈ ડીલ સંદર્ભે ગમે તેની સલાહ પર આંખો બંધ કરીને ભરોસો મૂકવાની ભારે કિંમત ચૂકવવી પડશે. બીજા પાસે મદદની આશા રાખવા કરતાં તમારા કામ જાતે જ કરવાનું રાખવું હિતકારી રહેશે.

કુંભ રાશિ (Aquarius)

તમારા માટે સૂર્ય ગ્રહણનો સમય પ્રગતિના દ્વાર ખોલનારો નીવડી શકે છે. નવી તકો મળી શકે છે. વેપાર-ધંધામાં સમજી વિચારીને કરવામાં આવેલો નિર્ણય મોટો આર્થિક લાભ કરાવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાના સંકેત છે. પરિવારનો સહયોગ મળવાથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. તમારો આત્મવિશ્વાસ તમારી તાકાત બનશે. જૂની કોઈ ઈચ્છા ફળીભૂત થઈ શકે છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.

મીન રાશિ (Pisces)

આ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન ધીરજ સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. નોકરિયાત વર્ગને કામકાજની જવાબદારી વધી શકે છે. કામકાજ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું હિતાવહ રહેશે. કપરા સંજોગોમાં તમારો આત્મવિશ્વાસ સહેજ પણ ડગવા ના દેતા. ઉતાવળે કોઈ નિર્ણય લેવાના બદલે યોગ્ય સમયની રાહ જુઓ. દામ્પત્યજીવનમાં જીવનસાથી સાથે ખટરાગ થઈ શકે છે. આથી શાંત ચિત્તે સમાધાન નીકાળશો.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.