Interview: મળો મૂળ ગુજરાતી ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહને, છેલ્લાં 48 વર્ષથી કેનેડામાં છે સ્થાયી, ટ્રેડ બિઝનેસમાં તેમના નામનો વાગે છે ડંકો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 08 Sep 2023 11:19 AM (IST)Updated: Fri, 08 Sep 2023 11:19 AM (IST)
meet-indo-canadian-gujarati-businessman-hemant-shah-known-as-trade-champion-who-live-in-canada-for-last-48-years

વિશ્વના કોઈપણ ખૂણે જાવ ત્યાં તમને ગુજરાતી ના મળે એવું બને જ નહીં! ખમીરવંતા ગુજરાતીઓનો વિશ્વ આખામાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે મૂળ કચ્છના અને છેલ્લાં કેટલાક દાયકાથી વિનિપેગમાં સ્થાયી થયેલાં હેમંત શાહ વિશે અમે તમને જણાવીએ. મહત્ત્વનું છે કે, હેમંત શાહનું વતન અબડાસા તાલુકાનું વરાડિયા ગામ છે. તેઓ 48 વર્ષ પહેલાં કેનેડામાં સ્થાયી થયા હતા. જ્યાં તેઓ ટ્રેડનો બિઝનેસ કર્યો હતો. થોડાક સમય પહેલાં ગુજરાતી મૂળના ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહને વિનીપેગ સાઉથમાં સમુદાયમાં તેમના યોગદાન માટે કોમ્યુનિટી લિડરશીપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગુજરાતી જાગરણની ટીમે હેમંત શાહ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમાં તેમણે પોતાની જર્ની વાગોળી હતી. જે એમના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

''અમારું મૂળ વતન કચ્છના અબડાસા તાલુકાનું વરાડિયા ગામ છે. મારા દાદા 1905માં મુંબઈ આવ્યા હતા. તેમણે પહેલાં નોકરી કરી હતી અને પછી પોતાનો ગુંદરનો વેપાર શરૂ કર્યો. જેમાં તેઓ ગુંદર એક્સપોર્ટ કરતાં હતા. તેઓ મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં ગુંદર એક્સપોર્ટ કરતા હતા.''

''એમના મોટા પુત્ર એટલે મારા પિતા અને મારા કાકાએ બંન્ને જણાએ ધંધો આગળ વધાર્યો. એ જમાનામાં અમેરિકામાં 300 ટન ગુંદર એક્સપોર્ટ થતો હતો, જ્યારે યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં 100-200 ટન ગુંદર એક્સપોર્ટ થતો. તેમના બાંધેલા બાયરો હતા. મારા દાદા અને પિતા ફ્રિડમ ફાઈટર હતા અને આઝાદીની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. જે બાદ અમે મુંબઈ આવ્યા, જ્યાં અમે ગાંધીજીના ઘર મણીભવનની બાજુમાં રહેતા હતા. જ્યાં મારું બાળપણ વીત્યું અને શાળા તેમજ કોલેજનો અભ્યાસ કર્યો.''

naidunia_image

''મારા પિતા ફ્રીડમ ફાઈટર હોવાથી મને કે. એમ. મુનશીની ભવન્સમાં જ ભણાવ્યો હતો. કન્હૈયાલાલ માણેકલાલ મુન્શીને તેઓ પપ્પા જ કહેતા અને મને કહેતા હતા કે, તારે પપ્પાની કૉલેજમાં જ જવાનું છે. આથી મેં તે જ કોલેજમાં બેચલર ઑફ આર્ટ્સ કર્યું હતું.''

''પિતાનો ધંધો સારો હતો, પરંતુ તેમણે મને ક્યારેય પોતાના ધંધોમાં નહતો નાંખ્યો. જ્યારે હું કૉલેજમાં ભણતો હતો, ત્યારે મૉર્નિંગ કૉલેજ હતી, જે સાડા 9 વાગ્યે પતી જાય. આથી મને કહેવામાં આવ્યું કે, 9 વાગ્યા પછી તને પેઢીમાં નહીં બેસવા દેવાય, તું તારી રીતે બહાર નોકરી શોધી લેજે.''

''1971માં મેં નોકરી શોધી હતી. મેં લાલચંદ હીરાચંદ ગ્રુપ પ્રીમિયર ઑટો મોબાઈલમાં નોકરી કરી હતી. જ્યાં લાલચંદ હીરાચંદના બીજા નંબરના દીકરાનો હું પર્સનલ આસિસ્ટન્ટ હતો. આ સમયે મારી કોલેજ પણ ચાલું જ હતી. શશાંક લાલચંદ એટલે વ્હી શાંતારામનો જમાઈ.''

naidunia_image

''અહીંથી જ મારું નેટવર્ક વિસ્તર્યું અને ઓળખાણો વધી હતી. અહીં મને જે બહોળો અનુભવ મળ્યો, તે ઘરની પેઢીમાં ના મળ્યો હોત. મારા પિતા મારા મિત્ર હતા. મેં 1974માં હું બિઝનેશ માટે અમેરિકા ગયો હતો, કારણ કે પિતાની અમેરિકામાં આવેલી ઑફિસમાં કોઈ સમસ્યા થઈ હતી, જે સોલ્વ કરવા જવું પડે તેમ હતું. આથી હું અમેરિકા ગયો એ સમયે અમેરિકા અને કેનેડાના વિઝા ઓનઅરાઈવલ હતા. આથી હું અમેરિકા બાદ કેનેડામાં રહેતા ભાઈને મળવા માટે ત્યાં ગયો હતો. જ્યાં ભાઈએ અહીં રોકાઈ જવા જણાવ્યું હતું અને મારું કેનેડામાં PR પણ થઈ ગયું હતું. જો કે, કેનેડાની લાઈફ ખૂબ જ ડિસિપ્લિન વાળી હતી. આથી મારા જેવા મુંબઈમાં ઉછરેલા માણસને ત્યાંની લાઈફ માફક ના આવી અને હું દેશમાં પરત ફર્યો.''

''1977માં ભારતમાં ઈમરજન્સી લાગુ થઈ હતી. જે બાદ બાપુજીએ મને જણાવ્યું કે, હવે તારી પાસે બધુ જ છે. એ સમયે ઈન્ડિયામાં ઈમ્પોર્ટ લાઈસન્સ રાજ હતું. અહીં તું કેવી રીતે આગળ વધીશ. આથી હું કાયમી વસવાટ માટે કેનેડા આવી ગયો. અહીં આવ્યો, ત્યારે મનમાં એક ગાંઠ વાળી હતી કે, આ દેશે આપણને આવકાર આપ્યો છે, તો આ દેશ માટે કંઈક એવું કરવું જોઈએ કે, અહીંના જે સ્થાનિક ગોરાઓ છો અને અહીંની સરકાર છે, તે તમારું નામ ગર્વથી લે. આ ગુજરાતી ભારતીય આવ્યો. જેણે કંઈક કામ કર્યું.''

naidunia_image

''સૌ પ્રથમ મેં પાર્કિંગ પ્લોટમાં કામ કર્યું, જ્યાં તમામ કેનેડાની ગવર્મેન્ટની ઑફિસો આવેલી હતી. ત્યાં ભારતમાં IAS અધિકારીઓ જેવા અધિકારીઓ મને દરરોજ મળતા. અહીંથી મારી વાત શરૂ થઈ કેનેડા-ઈન્ડિયા ટ્રેડની. આ સમયે મારા મગજમાં આવ્યું કે, મારી માતૃભૂમિ અને કેનેડાના વિનિપેગને મારી કર્મભૂમિનું જોડાણ ટ્રેડથી કરવાનું નક્કી કર્યું. એ સમયે ઈન્ડિયામાં ઈમ્પોર્ટ લાઈસન્સ રાજ હતુ, જ્યારે કેનેડા ગવર્મેન્ટમાં ગોરાઓ મારી આંગળી પકડીને મને ત્યાંના મેન્યુફેક્ચરર્સ પાસે લઈ જતા. બસ ત્યારથી મેં તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.''

''1979માં મને સફળતા મળી. નેશનલ સીટ કોર્પોરેશનનું ટેન્ડર હતું. કેનેડાના વિનિપેગની એગ્રીકલ્ચર ઈક્વિપમેન્ટનું ટેન્ડર હતું, જે મને મળ્યું હતું. આ સફળતા મળ્યા બાદ મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી. મને જે સાથ અને સહકાર મળ્યો, તે ગોરી પ્રજાનો, તે લોકોના બિઝનેસમેન, એ લોકોના ગવર્મેન્ટ બ્યુરોકેટ અને પછી રાજકારણીઓનો પણ સાથ મળ્યો. જે બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો.''

''છેલ્લે માઈનિંગ ઈક્વિપમેન્ટ પ્રોડક્શન ડ્રીલિંગ કંપની ક્યૂબેક્સમાં હું પાર્ટનર થયો પછી અમે હૈદરાબાદમાં તેનો પ્રોજેક્ટ નાંખ્યો. 1990માં એવિએશનમાં આવ્યો અને કોર્પોરેટ જેટ વેચવાનું શરૂ કર્યું હતું. સૌ પ્રથમ પ્લેન પૂનામાં વેચ્યું હતું. જે બાદ સરકારને પ્લેન અને હેલિકોપ્ટરો વેચ્યા.''

naidunia_image

''1990માં ભારતની ઈકોનોમી ઑપન થઈ ગઈ હતી. 2001માં અહીં એક એવિએશન સ્કૂલ હતી, જે બેન્કરપ્ટ થઈ ગઈ, જેમાં પાર્ટનરશિપ કરી હતી. જે બાદ ગુજરાત આવીને અહીંથી 10 છોકરાઓને પાયલોટ બનાવવા માટે અહીં લઈને આવ્યા. જે બાદ 170 જેટલા છોકરાઓને ટ્રેનિંગ આપીને પાયલોટ બનાવ્યા હતા. આજે આવા છોકરાઓ ચીફ પાયલોટ છે, ઈન્ડિગો, સ્પાઈસ સહિત અનેક એરલાઈન્સમાં છે.''

''એગ્રીકલ્ચરથી શરૂ કરીને એવિએશનમાં બંધ કર્યું. અહીંની સરકાર અને કોમ્યુનિટીના મને અનેક એવોર્ડ મળ્યા. આજે હું જે કંઈ છું, તે કેનેડિયન ગવર્મેન્ટના ઑફિસરોના કારણે છું. એ લોકો ઉપરાંત કેનેડાની એમ્બેસીએ મને જે સાથ આપ્યો. જ્યારે પણ મારે જરૂર હોય, ત્યારે તેઓ ઉભા રહ્યા.''

''ભારતીયોની છાપ કેનેડામાં શું? તેનો ખ્યાલ તેમાંથી આવી જશે. એ લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે, જો હું એક્સપોર્ટ કરીશ, તો ત્યાંની ઈકોનોમીમાં પૈસા આવશે અને જૉબ વધશે. મેં એ જોયું અને તેમણે મને સાથ આપ્યો. જે બાદ કેનેડા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલમાં ડિરેક્ટર થયો હતો. ઈન્ડો-કેનેડિયન બિઝનેસ કાઉન્સમાં થયો. હમણા ઓવરસિઝ ફ્રેન્ડ ઑફ ટ્રેન્ડ્સમાં ડિરેક્ટર છું. ઈન્ડો કનેડિયન ચેમ્પરમાં પણ છું.''

ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં કેવી રીતે આવી શકે?
હેમંતભાઈ શાહે જણાવ્યું કે, ''આ પ્રશ્નનો સૌથી સરળ જવાબ છે કે, તમારે અંગ્રેજીની IELTSની એક્ઝામ આપવાની અને પછી તમારે અહીંની યુનિવર્સિટીમાં તમારે લગતા કોર્સ માટે એપ્લાય કરવાનું રહે છે. જેમાં તમને એડમિશન મળી જાય પછી તમને સ્ટૂડન્ટ વિઝા મળી જાય છે.''

''અહીં જે છોકરાઓ આવે છે 12 ધોરણ પાસ તેમના માટે 3 મુદ્દા અગત્યના છે. વિદ્યાર્થીઓના વાલીઓને મારી ખાસ વિનંતી છે કે, જો તમે તમારા બાળકને કેનેડા મોકલતા હોવ, તો જરૂર મોકલો. તેમને સૌ પ્રથમ ઈંગ્લિશનું જ્ઞાન આપો. અહીં જે વિદ્યાર્થીઓ આવે છે, તેમને ઈંગ્લિશના અનેક પ્રોબ્લેમ થાય છે, તે કબૂલ કરતા નથી . મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે, જેઓ ઈ-મેઈલમાં પણ મોકલી નથી શકતા. તેમને લખવામાં ગ્રામેટીકલી પ્રોબ્લેમ થાય છે. આટલા જ માટે, વાલીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. આથી છોકરાઓને મોકલતા પહેલા તેમને ઈંગ્લિશમાં બ્રશઅપ કરાવો.''

''આપણે જે કૌભાંડો જોયા કે, IELTSમાં આટલા બેન્ડ લાવો અને આટલા પૈસા ખર્ચો. જો વિદ્યાર્થીઓ IELTSની પરીક્ષા આપશે, તો તે તેમના માટે જ ફાયદારૂપ થવાની છે. કારણ કે તમે અહીં આવીને જ્યાં કામ કરશો, ત્યાં બધા ઈંગ્લિશમાં જ બોલવાના છે. જે તમને જોબમાં ફાયદો પહોંચાડશે. આથી તમે શોર્ટ કટ ના અપનાવશે.''

''જે વાલીઓ પોતાના બાળકોને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા મોકલાવે છે, તેમને પણ એવું જ હોય છે કે, મારો છોકરો અહીં આવીને જોબ કરશે. અહીં વિદ્યાર્થીઓને અઠવાડિયાના 40 કલાક કામ કરવાની છૂટ હોય છે, પરંતુ શું તમારા બાળકો ઈન્ડિયામાં 12 ધોરણ ભણવા સુધી ક્યારેય જોબ કરી છે. ભારતમાં ચાનો કપ પણ તેને માતા કે બહેન આપે છે. આજે તમે તેને કેનેડા કમાવવા માટે મોકલો છો, પરંતુ જો તેને ટ્રેનિંગ જ ના આપો તો તે કેનેડામાં શું કરશે? આવા છોકરા અહીં આવીને મુંઝાય છે અને ત્રાસીને કંઈક અજુગતુ પગલુ ભરી બેસે છે. કારણ કે બાપાએ લોન લઈને અહીંયો મોકલ્યો હોય.''

''આથી મારી વાલીઓને એક જ સલાહ છે કે, તમારા સંતાનોને કેનેડા મોકલતા હોવ, તો તૈયાર કરીને મોકલો. દેખાદેખીમાં ના પડો. દેખાદેખીમાં તમે તમારા બાળકનું ભવિષ્ય નથી જોતા.''

''ભારતમાં તો બાળકને માતા-પિતા અને કુટુંબની હૂંફ હોય છે. અહીં એકલો હશે, તો તે શું કરશે. અમારા જેવાને કોન્ટેક્ટ કરો એટલે અમે ફોન પર વાત કરીએ એક વખત મળી આવીએ. ખાસ વાલીઓએ આ માટે સાવચેતી વાપરવી જોઈએ. બીજી અગત્યની વાત દરેકને ટોરેન્ટો આવવું છે. કેનેડામાં ટોરેન્ટો એકમાત્ર શહેર નથી. અહીં અનેક શહેરો છે, ત્યાં પણ તેમણે ઓપર્ટ્યૂનિટી શોધવી જોઈએ.''

''આજે કેનેડાના અન્ય સ્ટેટમાં પણ જૉબ અને સ્ટૂડન્ટની આવશ્યક્તા છે. આજે ટોરેન્ટો ફાઈનાન્સિયલ કેપિટલ ઑફ કેનેડા છે. દરેકને ટોરેન્ટો જ આવવું છે, પરંતુ અહીં રહેવું ખર્ચાળ છે, તે પણ જોવું જોઈએ. અહીં એક જૉબ માટે 100 જણા એપ્લાય કરશે, જ્યારે અન્ય શહેરોમાં હરિફાઈ ઓછી હશે. આ પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.''

''એવું ના વિચારશો કે, મારા મામા-ફોઈનો દીકરો ટોરેન્ટોમાં છે, તો હું પણ ત્યાં જ જઈશ. ટોરેન્ટોમાં સેટલ થવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે, જ્યારે અન્ય રાજ્યમાં આવી તકલીફ ઓછી પડશે. જ્યાં તમને ઈઝી જૉબ મળી જશે.''

''હું વિનિપેગમાં રહું છુ, જે પૂના જેટલું જ છે. આજે વિનિપેગમાં જ મારી આગવી ઓળખ ઉભી કરી છે. અહીં કેલગરી, વાનકુંવર, એડમન્ટન, સેનજોન્સ જેવા અનેક સ્ટેટ છે, જ્યાં તેમણે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. હોનેસ્ટી, ડેડીકેશન અને કમિન્ટમેન્ટ હોય તો કેનેડામાં તમને કોઈ તકલીફ નથી. જો તમે મારા ત્યાં નોકરી કરતા હોવ અને આવીને કહો કે મારાથી આ ભૂલ થઈ છે, તો અમે વઢવાના નથી. અમે એની ભૂલ સુધારવાની કોશિશ કરીશું.''

ટ્રૂડો સરકારે જ વિદ્યાર્થીઓના વિઝા ઑપન કર્યાં. કેનેડામાં પ્રોફેશનલ વર્કર હતા, તે નિવૃત થાય છે. સરકારી ઓફિસ નિવૃત થઈ રહ્યાં છે. જેના કારણે કેનેડામાં મેનપાવર ઓછો થઈ રહ્યો છે. આ ટ્રૂડો સરકાર જ પૉલિસી લાવી હતી કે, તમે 3 વર્ષના સ્ટૂડન્ટ વિઝા લો, તો તમે બે વર્ષ બાદ PR એપ્લાય કરી શકો છો. આ સરકારે જ 40 કલાકની વર્ક પરમિટની પણ છૂટ આપી છે. ટ્રૂડોનું વલણ ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે સારુ છે.''

''ઈન્ડિયન સ્ટૂડન્ટથી જ કેનેડાની યુનિવર્સિટીઓ ચાલે છે. ભારતીય વિદ્યાર્થીઓ 880 મિલિયન ડોલર ફી કેનેડાની યુનિવર્સિટીને આપી રહ્યાં છે. કેનેડામાં હાઉસિંગનો મોટો પ્રોબ્લેમ છે, જેમાં ભારતીય એકમાત્ર નથી, પાકિસ્તાની, અરેબિક, ફિલિપાઈન્સ વગેરે.''

''જો તમે ટોરેન્ટોમાં જશે, તો તમને ત્યાં વધારે તકલીફ થશે. આથી તમે નાના શહેરોમાં જાવ. કેનેડાને ઈન્ડિયાની જરૂર છે. કેનેડાની પાર્લામેન્ટમાં 15-16 સાંસદ સરદારજી છે, આપણો ગુજરાતી એક પણ નથી. આપણો ગુજરાતી વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે, પરંતુ કેનેડાની સંસદમાં એક પણ ગુજરાતી નથી. આ વસ્તુ નોંધ કરવા જેવી છે.''

''જો કોઈ ગુજરાતી સાંસદ હોય, તો તે ગુજરાતીઓનો અવાજ પાર્લિયામેન્ટમાં બુલંદ કરી શકે છે. લંડનમાં જેમ હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર જેમ આપણા પ્રિતી પટેલ થયા, તેમ આજે કેનેડામાં કેમ કોઈ ગુજરાતી સાંસદ નથી? ભારત સરકાર કેનેડાના રાજકારણમાં માથાકૂટ ના કરી શકે, પરંતુ આપણા ગુજરાતીઓ અને હિન્દુએ સમજવા જેવું છે.''

''વાલીઓએ છોકરાઓને તૈયારી કરીને મોકલવા જોઈએ. પ્રોસ્ટીટ્યૂશનમાં છોકરીઓ આવે છે. મને અઠવાડિયામાં આવા બે વખત ફોન આવે છે અને કહે છે કે, મારા પિતાએ 30 લાખ રૂપિયા ખર્ચીને મને અહીં મોકલ્યા. હું જૉબ કરીશ, તો 30 લાખ કેવી રીતે ઉભા કરીશે. વાલીઓએ સમજવા જેવું છે કે, 20-22 વર્ષની વયે બાળકોને દુનિયાદારીની શું સમજ હોય? જેમનો ફાયદો પછી સરદારજીઓ ઉઠાવતા હોય છે. ટોરેન્ટોમાં મારા જર્નાલિસ્ટ મિત્રએ એક આખો રિપોર્ટ આના પર તૈયાર કર્યો હતો.''

''જેની જેની જોડે અમે વાત કરી છે કે, તેમનું કહેવું છે કે, આમા તો અમને સરળતાથી 200-300 ડોલર મળી જાય છે દિવસના. જો કે દલાલો તેમનો ફાયદો ઉઠાવે છે. ટોરેન્ટો જેવા મોટા શહેરોમાં આનું મોટું નેટવર્ક છે. વાલીઓ અને વાલીઓએ પણ આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ.''

''જો હું સાચી વાત કહું તો, જેટલા ગુજરાતીઓ ઈલિગલ આવે છે, તે કેનેડામાં રહેવા માટે નથી આવતા, તે અમેરિકા જવા માટે જ આવે છે. તેઓએ કેનેડાને અમેરિકાનો ગેટવે પોઈન્ટ બનાવ્યો છે. આજે દુનિયામાં એકમાત્ર એવો દેશ છે, જે વિઝા માટે પર્સનલ ઈન્ટર્વ્યૂ માટે બોલાવે છે. કેનેડાના વિઝા માટે જો તેણે પ્રોપર ડોક્યુમેન્ટ નાંખ્યા હોય, તો તેને અહીંના વિઝા મળી જ જાય. જે બાદ વિઝીટર વિઝા મેળવીને કેનેડાને ગેટવે પૉઈન્ટ તરીકે યુઝ કરીને ગેરકાયદેસર અમેરિકા જાય છે.''

''કેનેડામાં જે માણસ આવે છે, તે કોઈ ગેરકાયદેસર નથી આવતુ, કારણ કે અહીંની સરકારે હમણા જે નિયમોમાં છૂટ આપી છે, તેના કારણે 80 ટકા વિદ્યાર્થીઓ અહીં આવે છે અને તેમને અહીં વર્ક પરમિટ મળી જાય છે. જો તેમને વર્ક પરમિટ પર આવવું હોય, તો તેઓ પૈસા ખર્ચીને વર્ક પરમિટ મેળવીને પણ આવે છે. કેનેડાના વિઝા મળવા ઈઝી છે. કેનેડામાં ઈલિગલ ઓછા છે.''