નર્મદાના જંગલમાં ખીલતો કેસૂડો મહિલાઓ માટે બન્યો રોજગારીનો આધાર, કેસૂડાના ફૂલોથી હર્બલ સાબુ બનાવી આત્મનિર્ભર બનતી બહેનો

કેસૂડાના ફૂલોથી બનતા સાબુની ખૂબ જ માંગ, દર મહિને રૂ. 40થી 50 હજારની સ્થિર આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Feb 2026 09:43 PM (IST)Updated: Sat, 28 Feb 2026 09:43 PM (IST)
kesudo-flowers-bloom-in-narmada-forests-empowering-women-with-herbal-soap-business
HIGHLIGHTS
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે કેસૂડાના ફૂલો બન્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર
  • ઉનાળાની આકરી ગરમી અને લૂના રક્ષણ માટે પ્રકૃતિનો અનમોલ ઉપહાર એટલે કેસૂડાના ફૂલ

Narmada: ઉનાળા ઋતુની શરૂઆત થતાં જ વનોની લીલોતરી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. પાનખરના સમયમાં વૃક્ષોના પાંદડા અને ફૂલો ખરી પડતા હોય છે, પરંતુ એ જ સમયે વન વિસ્તારમાં પોતાની અનોખી સુંદરતાથી સૌનું મન મોહી લેતું કેસૂડાનું વૃક્ષ ખીલી (Palash Flower) ઊઠે છે. કેસરિયા રંગના મનમોહક ફૂલો સમગ્ર વનરાજીને અદભૂત આભા અર્પે છે.

naidunia_image

નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાખરાના વૃક્ષો કેસરી ફૂલોથી (Kesudo Flower) લથબથ દેખાય છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of Unity) વિસ્તારમાં આ દૃશ્ય અદભૂત સૌંદર્ય સર્જે છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. સાથે-સાથે આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન પણ બની રહ્યું છે.

કોઠી ગામના 'રાધે કૃષ્ણ મિશન મંડળ'ના પ્રમુખ નીરૂબેન તડવીએ જણાવ્યું કે, વર્ષ 2022માં 10 બહેનો સાથે મંડળની શરૂઆત કરવામાં આવી. સરકારની દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા સ્ટાર્ટઅપ ફંડ રૂ. 2500, રિવોલ્વિંગ ફંડ રૂ. 15,000, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. 1,50,000 તથા કેશ ક્રેડિટ લોન રૂ. 2,50,000ની સહાય મળેલ છે.

naidunia_image

વધુમાં નીરૂબેન તડવીએ જણાવ્યું કે, વર્ષ 2024માં કેસુડાના ફૂલો તથા અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની તાલીમ મેળવી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવવામાં આવે છે, જેને મેળાઓમાં, ગામોમાં અને હોમ ડિલિવરી દ્વારા વેચાણ કરવામાં આવે છે.

naidunia_image

આ પ્રવૃત્તિથી વર્ષે અંદાજે રૂ. 2 થી 2.50 લાખની આવક પ્રાપ્ત થાય છે. સરકારશ્રીના સહયોગથી મંડળની બહેનો આત્મનિર્ભર બનીને અન્ય મહિલાઓને પણ રોજગારી માટે પ્રોત્સાહિત કરી રહી છે.

naidunia_image

એકતાનગર ખાતે આવેલ એકતા નર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત ગોરા ગામના સુમિત્રાબેન તડવીએ જણાવ્યું હતું કે, કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ એકતાનર્સરી ખાતે કરવામાં આવે છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળે છે.

કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે રૂ. 40 થી 50 હજાર જેટલી આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

naidunia_image

કેસૂડાના ઔષધીય ગુણો
આયુર્વેદમાં કેસૂડાના ફૂલોને ઔષધીય ગુણોથી સમૃદ્ધ ગણાવવામાં આવ્યા છે. તે ત્વચા રોગોમાં રાહત, શરીરને ઠંડક અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી માનવામાં આવે છે. ઉનાળાની આકરી ગરમી અને લૂથી બચવા માટે કેસુડાના ફૂલનો ઉપયોગ લાભદાયક ગણાય છે. ઘણા વિસ્તારોમાં નાના બાળકોને પણ આ ફૂલના પાણીથી સ્નાન કરાવવાની પરંપરા જીવંત છે.

naidunia_image

ગુજરાતી સંસ્કૃતિમાં હોળી-ધુળેટીનો પર્વ કેસૂડા વગર અધૂરો માનવામાં આવે છે. અગાઉ કેમિકલયુક્ત રંગો ઉપલબ્ધ નહોતા ત્યારે કુદરતી રીતે કેસુડાના ફૂલોથી બનાવેલા રંગોનો જ ઉપયોગ થતો. આજે પણ ઘણા લોકો પર્યાવરણ અને ત્વચાની સુરક્ષા માટે કેમિકલયુક્ત રંગોને તિલાંજલી આપીને ધુળેટીપર્વમાં હર્બલ રંગોને જ પસંદ કરે છે. આ પરંપરા પાછળ માત્ર આનંદ જ નહીં, પણ આરોગ્યની દ્રષ્ટિએ ત્વચાની રક્ષા કરવાનો અભિગમ પણ છુપાયેલો છે.