Success Story: વડોદરા જ્યારે એક મહિલા પોતાના સ્વપ્નને સાકાર કરે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સહયોગ મળે, ત્યારે પરિણામ અદ્ભુત બની શકે છે. આવી જ ઉદાહરણરૂપ સાફલ્યગાથા વડોદરા શહેરની લઘુ ઉદ્યોગ સાહસિક ચેતનાબેન ચૌહાણની છે.
બીએડ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલી ચેતનાબેને પોતાના પરિવાર અને બાળકોનું ધ્યાન રાખવા ખાનગી નોકરી છોડીને 2022માં ઘાણીનું તેલ ઉત્પાદન શરૂ કર્યું. પરંપરાગત પદ્ધતિથી કાઢેલા તેલની શુદ્ધતાએ ટૂંક સમયમાં જ ગ્રાહકોના દિલ જીત્યા.
આ પણ વાંચો
કોરોનાકાળ બાદ સ્વાસ્થ્ય પ્રત્યે લોકોની જાગૃતતા અને સાર્વજનિક કલ્યાણ માટેના ઉત્સાહથી ચેતનાબેન ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં સાહસ કરવા ઉતરી. પતિ અને પરિવારના સહકારથી શરુઆતમાં એક મશીન ખરીદી અને ઘાણીનું તેલ વેચવાનું શરૂ કર્યું.
વર્ષ 2023માં ભારત સરકારની 'પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ' યોજનાથી રૂ. 10 લાખ સુધીની લોન-લિંક્ડ સબસિડી લઈને ચાર મશીન અને બ્રાન્ડ 'વિશ્વાસ ફૂડ્સ' સાથે બિઝનેસ આગળ વધ્યો.
આ બિઝનેસ હવે મગફળી, તલ, નાળિયેર, અળસી સહિત નવ પ્રકારના તેલ અને મૂલ્યવર્ધિત ખાદ્ય વાનગીઓ જેવી કચરીયું, માવા ચીક્કી, ખજૂરપાક, અડદિયા પાક, ગુંદર પાક વેચાણ સુધી વિસ્તર્યું છે.
વાર્ષિક ટર્નઓવર રૂ. 30–35 લાખ અને નફો રૂ. 7 લાખ સુધી પહોંચ્યો છે. વિસ્તરણથી હવે આ ઉત્પાદન વડોદરા ઉપરાંત આણંદ, નવસારી, વિદ્યાનગર, ભરૂચમાં પણ નિકાસ થાય છે. ગ્રાહકો હવે ઓનલાઇન ઓર્ડર અને સોશિયલ મીડિયા મારફતે પણ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે.
ચેતનાબેન જણાવે છે કે, સરકારની યોજનાઓ અને પરિવારના સહકારથી જ આ સફળતા શક્ય બની. સ્વદેશી પદ્ધતિથી બનાવેલા તેલમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સફેટઝીરો છે, અને ગ્રાહકો યૂનિટ પર આવીને ઉત્પાદન પ્રક્રિયા જોઈ વિશ્વાસ મેળવવા સક્ષમ છે.
ગુજરાતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે 11 થી 23 ડિસેમ્બર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી 'સશક્ત નારી મેળા'નું આયોજન થશે, જેમાં વડોદરા ખાતે 20, 21, 22 ડિસેમ્બર ત્રણ દિવસ માટે અકોટા સ્ટેડિયમમાં 100 સ્ટોલ સાથે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા ઉત્તમ તક મળશે.
ચેતનાબેન ચૌહાણની સફર સાબિત કરે છે કે આત્મનિર્ભરતા, સ્વદેશી ભાવના અને સાહસ સાથે કોઈ પણ મહિલાને મોટી સફળતા મળી શકે છે.
