Gujarati Jagran Special: વલસાડ વહીવટી તંત્ર આયોજીત સશક્ત નારી મેળામાં (Sashakt Nari Mela) ઓર્ગેનિક પાણીપુરી (Organic Panipuri) સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. વલસાડ તાલુકાના કોચવાડાના રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદાના બિજલ ઠાકોર દ્વારા મહિલાઓની પ્રિય પાણીપુરીને આ અનોખું રૂપ આપવામાં આવ્યું છે.
પ્રાકૃતિક શેરડીના રસમાંથી બનાવેલી આ ચટપટી પાણીપુરી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કોઈપણ પ્રકારના હાનિકારક તત્વો વિના બનેલી પાણીપુરીને લોકો ખૂબ જ ઉત્સાહથી આરોગી રહ્યા છે.
ઈનોવેટિવ પાણીપુરીના સર્જક બિજલ ઠાકોરે જણાવ્યું કે, આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી કરવાની સાથે સાથે પ્રાકૃતિક ઉત્પાદનોનું પણ ઘણા સમયથી વેચાણ કરી રહ્યા છે. સામાન્ય જીવનમાં રાસાયણિક પદાર્થોના ઉપયોગથી થતા નુકશાનને સમજી પ્રાકૃતિક રીતે બનેલી પાણીપુરી બનાવવાનું નક્કી કર્યું હતું.

આથી સશક્ત નારી મેળામાં માત્ર પ્રાકૃતિક શેરડીના સરમાંથી બનેલી પાણીપુરીનું વેચાણ કરી રહ્યા છે. આ પાણીપુરીમાં સાદા પાણીનો ઉપયોગ કર્યો નથી. બટાકા, વટાણા અને ચણા બાફવા માટે પણ શેરડીના રસનો જ ઉપયોગ કર્યો છે. તીખું અને મીઠું પાણી પણ શેરડીના રસનું જ બનાવ્યું છે. મીઠું પાણી બનાવવા ખાંડ કે કોઈપણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો નથી. જેથી કોઈપણ આ પાણીપુરી ખાઈ શકે છે. આ પાણીપુરીથી કોઈ જ નુકશાન થતું નથી.
બિજલ ઠાકોરે સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાની તક આપવા બદલ વલસાડ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો અભાર માન્યો હતો તેમજ વલસાડવાસીઓને પ્રાકૃતિક પાણીપુરીનો સ્વાદ માણવા આમંત્રણ પણ આપ્યું છે.
