Dharmrajsinh Vaghela: 373 પ્રકારની પરંપરાગત પાઘડી બાંધવાની અદ્દભૂત કળામાં દેશના એકમાત્ર મહારથી ધર્મરાજસિંહ વાઘેલા, જુઓ તસવીરો

પાઘડી પરંપરાને જીવંત રાખવા માટે ધર્મરાજસિંહ 16 પ્રદર્શનો અને 23 ટ્રેનિંગ કેમ્પો યોજી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ શીખેલા લગભગ 40 યુવાનો સાફા બાંધી રોજગારી મેળવી રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Dec 2025 03:54 PM (IST)Updated: Thu, 11 Dec 2025 03:54 PM (IST)
gujarati-jagran-special-news-on-dharmrajsinh-vaghela-expert-in-the-unique-art-of-tying-373-types-of-traditional-turbans

Dharmrajsinh Vaghela: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ પાઘડી બાંધવાની અદ્ભુત અને દુર્લભ કળામાં વિશેષ પ્રાવિણ્ય મેળવ્યું છે.

દેશભરમાં સૌથી વધુ 373 પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધવાની કલા ધરાવતા તેઓ દેશમાં એકમાત્ર કલાકાર ગણાય છે. પોતાની આ પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પદ મળ્યા છતાં સાંસ્કૃતિક વિભાગનો માર્ગ પસંદ કર્યો હતો.

ધર્મરાજસિંહનો પાઘડી પ્રત્યેનો રસ બાળપણથી શરૂ થયો હતો. પાંચ વર્ષની વયે વતન ગાંગડના રાજવી પરિવારના સભ્યને પ્રથમ વખત સાફો બાંધી તેમણે આ કળાની શરૂઆત કરી. પરિવારજનોમાં વિવિધ પ્રદેશોની પાઘડીઓ જોઈ તેમાં રહેલી વૈવિધ્યતા શીખવાની તેમની જિજ્ઞાસા વધતી ગઈ.

naidunia_image

રાજકોટમાં અભ્યાસ દરમિયાન તેઓ એનસીસી સાથે જોડાયા અને અનેક રાજ્યોની મુલાકાત લીધી. આ પ્રવાસોમાં તેમણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબથી લઈને રાજસ્થાન સુધીના પ્રદેશોમાં જઈ તાલીમ મેળવી. દેશ–વિદેશના શિરોભુષણોની માહિતી એકત્ર કરીને પાઘડી બાંધવાની ૩૭૩ પરંપરાગત શૈલીઓ શીખી.

naidunia_image

તેમના જણાવ્યા મુજબ ગુજરાતી અને રાજસ્થાની અર્વાચીન પાઘડી 9 થી 13 મિટરના કાપડથી સરળતાથી બાંધાય છે, જ્યારે કાઠિયાવાડી શૈલી સૌથી વધુ કલાત્મક અને કપરી માનવામાં આવે છે. પહેલા પાઘડી માટે ગુલખાર અથવા ઢાકા મલમલ વપરાતી, પરંતુ આધુનિક સમયમાં આ પ્રથા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પોતાના આઠ વર્ષીય દીકરા ધ્રુવરાજસિંહને પણ તેઓએ સાફો બાંધવાની તાલીમ આપી છે.

naidunia_image

પાઘડી પરંપરાને જીવંત રાખવા માટે વાઘેલા અત્યાર સુધી 16 પ્રદર્શનો અને 23 ટ્રેનિંગ કેમ્પો યોજી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ શીખેલા લગભગ 40 યુવાનો આજે વ્યવસાયિક રીતે સાફા બાંધવાનું કાર્ય કરી જીવનયાપન કરી રહ્યા છે. આર્થિક રીતે નબળા યુવાનોને તેઓ કાપડની સહાય પણ કરે છે.

naidunia_image

શ્રી સોમનાથ મહાદેવને ચઢાવેલી વિશાળ પાઘડી તેમની કળાનો વિશેષ ઉલ્લેખનીય ભાગ છે. 7 મીટરના વ્યાસ ધરાવતા શિવલિંગ માટે તેમણે ખાસ 200 મીટર કાપડ પ્રિન્ટ કરાવ્યું અને પાઘડી અર્પણ કરી.

naidunia_image

આ રીતે ધર્મરાજસિંહ વાઘેલા પરંપરાગત પાઘડી કળાને સંરક્ષિત અને પ્રસારિત કરવા માટે સમર્પિત પ્રયાસ કરી રહ્યા છે અને આવનારી પેઢીને આ વારસો પહોંચાડવાના કાર્યમાં આગેવાની ભજવી રહ્યા છે.

naidunia_image
naidunia_image
naidunia_image