Dahod: નાનીકુણી ગામે કાળમુખા ટ્રકે સર્જ્યો અકસ્માત, ઘર આંગણે રમી રહેલી બાળકીને કચડી નાંખી

અકસ્માત સર્જ્યા બાદ રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો ડ્રાઈવર સત્યેન્દ્રસિંહ જાટ ટ્રક લઈને ભાગી છૂટ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Dec 2025 08:05 AM (IST)Updated: Thu, 11 Dec 2025 08:05 AM (IST)
dahod-news-over-speed-truck-crush-6-years-old-girl-played-near-home
HIGHLIGHTS
  • નિશાળ ફળિયા નજીક નંબર પ્લેટ વિનાની ટ્રક કાળ બનીને ત્રાટકી

Dahod: દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના નાનીકુણી ગામે નિશાળફળિયા નજીક અકસ્માતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘર આંગણે રમતી 6 વર્ષની માસૂમ બાળકી નંબર પ્લેટ વગરની ટ્રકની અડફેટે ચડી જતાં સ્થળ પર જ મોતને ભેટી હતી.

નાનીકુણી ગામે નિશાળફળિયામાં રહેતા વાલુસિંહભાઈ ચુનિયાભાઈ નીનામાના ઘરે મહેમાન તરીકે આવેલ સંજેલી તાલુકાના હિરોલા ગામના કોચર ફળિયાની શ્વેતાબેન સુરમલભાઈ લાલસિંહ સંગાડા બપોરના બે વાગ્યાની આસપાસ ઘર આંગણે તેમજ રોડ તરફ રમતી હતી.

આ સમયે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના તુમર તાલુકાના શાંતરોક ધુવાપટ્ટી ગામનો ટ્રક ડ્રાઈવર સત્યેન્દ્રસિંહ મોહકમસિંહ જાટ તેની કબજાની નંબર વગરની ટ્રક ખૂબ જ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો.

ટ્રકે અચાનક નિયંત્રણ ગુમાવી નાના રોડ પરથી રમતી બાળકીને અડફેટે લીધી હતી. જેમાં બાળકીને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર સત્યેન્દ્રસિંહ જાટ ટ્રક સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ મામલે બાળકીના સગા વાલસીંગભાઈ ચુનિયાભાઈ નીનામાએ લીમડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે લીમડી પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાની ટ્રકના ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ટીમ ટ્રક તથા ફરાર ડ્રાઈવરનું લોકેશન ટ્રેસ કરવા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનો સહારો લઈ રહી છે.