Agriculture News: ધ્રાંગધ્રાના ખેડૂત વનરાજસિંહે 61 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરીને મેળવે છે અઢળક આવક

વાડીમાં પ્રવેશતાની સાથે જ એકસરખી લાઈનમાં સિમેન્ટનાં પોલની ફરતે વીંટળાયેલી લીલી વેલો અને તેની વચ્ચે ઝળકતા લાલ કમલમનું દૃશ્ય મન મોહી લે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 19 Sep 2025 11:47 AM (IST)Updated: Fri 19 Sep 2025 11:50 AM (IST)
agriculture-news-farmer-vanraj-singh-of-dhrangadhra-planted-dragon-fruit-in-61-bighas-of-land-605711

Dragon Fruit Cultivation: પરંપરાગત પાકો છોડીને આધુનિક અને નફાકારક ખેતી અપનાવીને સફળતા પ્રાપ્ત કરનાર ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું 'એક્ઝોટિકા ડ્રેગન ફ્રુટ ફાર્મ' આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. ધ્રાંગધ્રાના રાજ પરિવારની માલિકીનું આ ફાર્મ, ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે.

61 વિઘામાં વાવેતર કર્યું

આ ફાર્મની સૌથી મોટી વિશેષતા તેનું વિશાળ વાવેતર છે. ફાર્મના સંચાલક વનરાજસિંહે વાવેતર વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતીની જેમ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવાને બદલે, અહીં સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. આનાથી ફળોની ગુણવત્તા તો ઉચ્ચ રહે જ છે, સાથે સાથે તે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી બને છે. હાલ કુલ 61 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના 95,600 પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં થોડા પ્લાન્ટ હૈદરાબાદથી લાવ્યા હતા. પરંતુ હવે જાતે કલમ કરી નવા પ્લાન્ટ બનાવી વાવેતર કરી રહ્યા છીએ.  

20થી 25 વર્ષ સુધી ઉત્પાદન આપે છે

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, એક્ઝોટિકા ફાર્મનો ઉદ્દેશ્ય માત્ર વ્યાપારી લાભ કમાવવાનો નથી, પરંતુ અન્ય ખેડૂતોને પણ આ નવી અને નફાકારક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર પ્રારંભિક રોકાણ કર્યા બાદ, જાળવણીનો ખર્ચ નહીવત રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે, જે તેને ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે. ડ્રેગન ફ્રૂટ, જે તેના ફાઈબર, વિટામિન A, B, C અને અન્ય પોષકતત્વો માટે જાણીતું છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર વાવેતર કર્યા પછી આ પાક 20 થી 25 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. જે ખેડૂતો માટે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રથમ વર્ષથી જ ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે અને બીજા-ત્રીજા વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.

ઉત્પાદન અને વેચાણ વિશે જણાવ્યું હતું કે, પ્લાન્ટ દીઠ અંદાજે 15 કિલો જેવું ઉત્પાદન મળે છે. બજારમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 200 થી રૂપિયા 300 સુધી રહે છે. ગત વર્ષે રૂપિયા 90 લાખથી વધારેનાં ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. આ વર્ષે ઉત્પાદન વધવાની સાથે વેચાણમાં પણ વધારો થશે. આ ફાર્મમાં ઉત્પાદિત ફળોનું વેચાણ મુખ્યત્વે રાજકોટ, અમદાવાદ અને સ્થાનિક બજારમાં કરવામાં આવે છે, જ્યાં તેની ગુણવત્તા અને ઓર્ગેનિક ઉત્પાદન પદ્ધતિને કારણે તેની માંગ સતત વધી રહી છે. જેના કારણે ખેડૂતોને લાખોની આવક થઈ રહી છે.

આ સિઝનમાં વધુ પાક થાય

ઉનાળાની કાળઝાળ ગરમીથી પાકને રક્ષણ આપવા માટે અહીં નેટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે. ભવિષ્યમાં, ફાર્મનું વિસ્તરણ કરવાની અને વધુને વધુ ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જોડીને સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા પ્રયાસો કરવામાં આવનાર છે. ફાર્મના સંચાલકો ખેડૂતોને ટેલીઝિંગ પદ્ધતિ, પાકની માવજત અને ફળના યોગ્ય વેચાણ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડે છે. સમગ્ર ખેતરમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવામાં આવી છે, જે પાણીની બચત કરે છે અને મજૂરી ખર્ચ ઘટાડે છે.

ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ઉજ્જવળ ભવિષ્ય છે તેમ કહેતા નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલાવાડિયાએ જણાવ્યું કે, આ પાકને ઓછા પાણીની જરૂર પડે છે અને તે રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારો માટે આદર્શ છે. ગુજરાત સરકાર દ્વારા આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ સબસિડી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ સબસિડી ખેડૂતોને પ્રારંભિક આર્થિક બોજમાંથી રાહત આપે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી થઈ રહી છે, જેનું કદ સતત વધી રહ્યું છે. ડ્રેગન ફ્રૂટ, જેને સરકારે "કમલમ" નામ આપ્યું છે, તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે તેને એક 'સુપર ફૂડ' બનાવે છે. પરંપરાગત પાકો કરતા ડ્રેગન ફ્રુટની ખેતીમાં વધુ નફો મળી શકે છે. જે રાજ્યના કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવે છે.

આમ, એક્ઝોટિકા ડ્રેગન ફ્રુટ ફાર્મ કૃષિ ક્ષેત્રે પરિવર્તનનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. જે દર્શાવે છે કે, આયોજનબદ્ધ રીતે અને નવીનતા અપનાવીને ખેડૂતો પણ સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે છે.