Desi Chickpeas Farming: પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલા ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય કરે છે અને છોડને કુદરતી પોષણ પૂરું પાડે છે.
ચણાની વાવણી ક્યારે કરવી
સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં ચણાની વાવણી કરવામાં આવે છે, જ્યારે હવામાન ઠંડુ અને ભેજવાળું હોય છે, જેથી અંકુરણ વધુ સારું થઈ શકે. બીજને રોપતા પહેલાં બીજામૃતમાં બીજને ડૂબાડવા જરૂરી છે, જેથી બીજને રોગો અને જીવાતોથી બચાવી શકાય.
આ પણ વાંચો: ભુજના ખેડૂત માવજીભાઈ ખેતાણીએ દેશી આંબાની ગોટલી સાથે કેસર કેરીની કલમ કરી નવતર પ્રયોગ કર્યો
ચણાની વાવણી પછી શું ધ્યાન રાખવું
વાવણી બાદ ખેતરમાં ભેજ જળવાઈ રહે તે માટે પ્રારંભિક સિંચાઈ આપવામાં આવે છે, પરંતુ ત્યાં સ્થિર પાણી ન હોવું જોઈએ, કારણ કે ચણાનો પાક પાણી ભરાવાને કારણે ઊગી શકતો નથી. નીંદણ નિયંત્રણ માટે રાસાયણિક છંટકાવને બદલે હાથથી નીંદણ કરવામાં આવે છે, જેનાથી જમીનમાં હવા પણ જળવાઈ રહે છે અને પાકને સ્વસ્થ રાખે છે.
ચણામાં કેવા ખાતરનો છંટકાવ કરવો
રોગ કે જીવાતના કિસ્સામાં લીમડાનું દ્રાવણ, દશપર્ણીનો અર્ક કે છાશનો છંટકાવ કરવામાં આવે છે, જે જીવાતને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. પાક પાકી જાય એટલે કે જ્યારે પાન પીળા પડવા લાગે અને અનાજ કઠણ થઈ જાય ત્યારે કાપણી કરવામાં આવે છે.
જમીનની ફળદ્રુપતા જળવાઇ રહેશે
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે એટલું જ નહિ પરંતુ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને આગામી પાક માટે ખેતરની જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. આનાથી ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન લાંબા સમય સુધી ટકાઉ રીતે મળી રહે છે.
