Agriculture News: સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય… આ કહેવતને સાર્થક કરતાં અને કંઈક નવું કરવાના વિચાર સાથે સાત વર્ષથી 100 ટકા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી સ્વસ્થ સમાજની પહેલ કરતાં કચ્છના ભુજ તાલુકાના કોડકી ગામના રહેવાસી ખેડૂત માવજીભાઈ ખેતાણી સૌ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

બાગાયતી પાકોનું વાવેતર કર્યું
ખેડૂત માવજીભાઈએ જણાવ્યું કે, શરૂઆતમાં તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી ખેતી કરતાં હતાં. જેમાં પાકનું ઉત્પાદન ઓછું થતું હતું તથા ખેતરમાં દવાનો ખર્ચ વધારે થતાં ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. માવજીભાઈ એ ખેતરમાં કંઈક નવું કરવાના વિચાર સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતાં. પોતાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે, સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. કુલ જમીન પર પ્રાકૃતિક ખેતીથી આંતર પાકમાં ટામેટા, મરચા, રીંગણ અને બાગાયતી પાકોમાં કેરી, પપૈયા, સીતાફળ, જામફળ, ચીકુ તથા નેપીયર ઘાસ સહિતનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેના માર્ગદર્શન પુરૂ પાડતા આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ જગ્યાએ તાલીમ લીધી હતી.

ખેતીમાં નવતર પ્રયોગો કર્યા
વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં છીદ્રોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે. જમીનની ફળદ્રુપતા તથા નિતારશક્તિમાં પણ વધારો થયો છે. ખેતી માટે જરૂરી તત્વો જેવા કે ખાતર, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, વર્મીવોશ સહિત બધું જાતે જ વાડીમાં બનાવી શકાય છે જેથી ઓછા ખર્ચમાં વધુ લાભ થાય છે. જમીનમાં સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકો, અળસિયાનું પ્રમાણ પણ વધ્યું છે. આચ્છાદાન પદ્ધતિનો ઉપયોગ કરતા હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતા ઓછા પિયતથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.

વધુમાં જણાવ્યું કે, તેઓ પોતાની ખેતીમાં જાતે જ દેશી ગોટલીના છોડ તૈયાર કરી તેના પર કેસર કેરીની કલમ કરીને ખારી જમીન પર કેસર કેરીની મીઠાશ મેળવી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે, દેશી કેરીના ગોટલા સાથે કલમ કરવાથી વૃક્ષના મૂળ જમીન સાથે જોડાઈ રહે છે. તેની મજબૂતીમાં વધારો થતાં વાવાઝોડામાં આ આંબા પડી જતા નથી. આ સાથે બુસ્ટર ડોઝ એટલે શું તેના વિશે જણાવતાં ખેડૂત કહે છે કે, ગાયના ઝરમાં ગોબર, ગૌમુત્ર, ગોળ, ગૌકૃપા અમૃતને એક સાથે ભેળવીને 3 થી 4 મહિના સુધી સંગ્રહિત કરીને આ ખાતર તૈયાર કરવામાં આવે છે. બુસ્ટર ડોઝ ખાતર ખેતીમાં પાકનું પોષણ વધારે છે તથા પાકના રક્ષણ સાથે મૂળની મજબૂતી પણ વધારે છે.

ખેડૂતોને સંદેશ આપ્યો
ખેડૂત માવજીભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકારશ્રી પ્રયત્નો કરી રહી છે. ત્યારે તેમાં સહભાગી બનીએ તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે જ ઉમેર્યું હતુ કે જમીન જીવશે તો આપણે જીવીશું એ સંદેશ સાથે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને ઝેર મુક્ત પ્રાકૃતિક ખેત પેદાશો અપનાવી સ્વાસ્થ્યની જાળવણી કરે તે આજની જરૂરિયાત છે તેથી દરેક ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.

