Natural Farming News: આજના ડિજિટલ યુગમાં જ્યાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીનની ઉપજ શક્તિ ઘટી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના ખેડુતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધતો જોવા મળે છે. આ પરિવર્તન પાછળ મુખ્ય પ્રેરણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની છે, તેમના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતના અનેક ખેડૂત મિત્રો 'નેચરલ ફાર્મીંગ' તરફ પ્રયાણ કરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ વલવીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાનો માર્ગ અપનાવ્યો છે. વર્ષ 2019 થી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તાલીમો મેળવીને આજે તેઓ માત્ર પોતાના ખેતરમાં જ નહીં પરંતુ જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં જ યોજાયેલા કૃષિ પરિસંવાદ 2025-26 દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને પ્રગતિશીલ ખેડૂત એવોર્ડ મળ્યો હતો.

પ્રાકૃતિક ખેતી તરફનું પ્રયાણ
હિતેશ વલવીએ શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આવકનું કોઈ વિશ્વસનીય સાધન ન હોવાથી રોજગાર માટે 4-5 મહિના સુધી ઘર છોડીને બહાર જવું પડતું હતું. પરંતુ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રદાન થયેલ તાલીમ, પ્રેરણા પ્રવાસો અને સરકારની સહાયથી તેમણે પોતાના ખેતરમાં જ રોજગારીનું માધ્યમ ઊભું કર્યું. આજે તેઓ મિશ્ર પાક પદ્ધતિ અપનાવી રીંગણા, મરચાં, હળદર તથા ગલગોટાના ફૂલોની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

પરંપરાગત જ્ઞાન સાથે નવીનતા
પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અંતર્ગત તેઓ ખેતરમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત જાતે તૈયાર કરે છે. કીટનાશક માટે દશપર્ણીઅર્કનો ઉપયોગ કરીને પાકનું સંરક્ષણ કરે છે. આ પ્રયત્નોથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થયો છે.

જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતીનો વિકાસ
નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કુલ 1,35,599 ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી છે, જેમાંથી અંદાજે 11,077 ખેડુતોએ તેને વ્યવહારિક રૂપે અપનાવી લીધું છે. આ પ્રયત્નોને વેગ આપવા માટે જિલ્લા પંચાયત સ્તરે 22 મિશન ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મીંગ અંતર્ગત હાલમાં 8000 જેટલા ખેડૂતો તાલીમ લઈ ચૂક્યા છે.

પ્રેરણા અને પ્રોત્સાહન
સરકાર દ્વારા ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે કૃષિમેળા, પ્રેરણા પ્રવાસ તથા મોડર્ન ખેતીની મુલાકાત જેવા અનેક કાર્યક્રમો યોજાય છે. તાજેતરમાં જ એકતાનગર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કૃષિ પરિસંવાદ 2025-26માં નર્મદા જિલ્લાના ખેડુતોની ઉપસ્થિતિ પ્રાકૃતિક ખેતીના મહત્ત્વને દર્શાવે છે.


આત્મનિર્ભર ખેડૂતનું ઉદાહરણ
હિતેશ વલવીનું જીવન અનેક ખેડુતો માટે પ્રેરણાસ્ત્રોત છે. બહારગામ તથા અન્ય શહેરોમાં રોજગારી શોધવા જવા માંથી મુક્ત થઈ હવે તેઓ પોતાના ગામમાં જ આર્થિક સમૃદ્ધિ મેળવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, 'પ્રાકૃતિક ખેતી ખર્ચાળ ખેતી કરતાં સરળ છે અને ઓછા ખર્ચે સારી આવક મેળવવામાં મદદરૂપ બને છે.'
