પરાળીના પ્રદૂષણનો 'ગુજરાતી' ઇલાજ: ભાવનગરના યુવાને ખેતીના કચરામાંથી બનાવ્યું ઑર્ગેનિક ખાતર; 70 પેટન્ટ સાથે ઊભું કર્યું કરોડોનું ટર્નઓવર

ભાવનગરમાં કાર્યરત પ્લાન્ટ દરરોજ 100 ટન કૃષિ અવશેષો પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં 5 લાખ ટનથી વધુ ખેતીકચરાને ઉચ્ચ ગુણવત્તાવાળા સજીવ ખાતરમાં ફેરવવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 04 Jan 2026 12:08 PM (IST)Updated: Sun 04 Jan 2026 12:08 PM (IST)
a-youth-from-bhavnagar-made-organic-fertilizer-from-agricultural-waste-generated-a-turnover-of-crores-with-70-patents-667822

Success Story: જ્યારે ઉત્તર ભારતમાં પરાળી સળગાવવાના કારણે દિલ્હી-NCRમાં પ્રદૂષણનો હાહાકાર મચે છે, ત્યારે ભાવનગરના સિહોરના કિરણભાઈ મકવાણાએ આ સમસ્યાનો જડમૂળથી ઉકેલ શોધ્યો છે. 12 સાયન્સ પછી આર્થિક તંગીને કારણે અભ્યાસ છોડનાર આ યુવાને આજે ‘એગ્રી નાઇટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા ખેતીના કચરામાંથી 26 પ્રકારના પેટન્ટેડ ઑર્ગેનિક ખાતર બનાવવાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે.

સંઘર્ષથી સફળતા સુધી

કિરણભાઈ જણાવે છે કે પિતાની 2 એકર જમીનમાં ખેતી કરતી વખતે પાક લણ્યા બાદ વધતા 12-15 ટન કચરાને સળગાવવો પડતો હતો, જે જમીન અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક હતો. તેમણે જાતે આર એન્ડ ડી (R&D) શરૂ કરી અને આજે તેમના નામે 26 ફર્ટિલાઇઝર પેટન્ટ સહિત કુલ 70થી વધુ પેટન્ટ્સ નોંધાયેલી છે. ગુજરાત સરકારના આઈ-હબ (i-Hub) અને MSME વિભાગ દ્વારા મળેલી ₹42 લાખની આર્થિક સહાયથી આ સ્ટાર્ટઅપ આજે ₹4 થી 5 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે.

‘ઝીરો એગ્રિકલ્ચરલ વેસ્ટ’ મોડલ

ભાવનગરમાં કાર્યરત પ્લાન્ટ દરરોજ 100 ટન કૃષિ અવશેષો પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં 5 લાખ ટનથી વધુ ખેતીકચરાને ઉચ્ચ ગુણવત્તાવાળા સજીવ ખાતરમાં ફેરવવામાં આવ્યો છે. આ મોડલથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે:

  • વધારાની આવક: ખેડૂતોને તેમના કચરા પેટે પ્રતિ કિલો ₹3 થી 4 સુધીની આવક થાય છે.
  • ખર્ચમાં બચત: રાસાયણિક ખાતરનો વપરાશ 95% સુધી ઘટતા ખેડૂત દીઠ વર્ષે ₹80 થી 90 હજારનો ફાયદો થાય છે.

મહિલા સશક્તીકરણ અને રોજગાર

કિરણભાઈના આ પ્રોજેક્ટ સાથે 450થી વધુ ગ્રામજનો જોડાયેલા છે, જેમાં અડધોઅડધ મહિલાઓ છે. સખી મંડળો મારફતે ખાતરના વેચાણથી ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહી છે. આ ખાતરના ઉપયોગથી ત્રીજા વર્ષથી જમીનની ઉપજમાં 10% સુધીનો વધારો અને જમીનની જળ ધારણ ક્ષમતામાં સુધારો જોવા મળ્યો છે.

રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડલનો ડંકો

હવે આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. ‘પુસા કૃષિ’ સંસ્થાના સહયોગથી પંજાબ, હરિયાણા, નોઈડા અને ઉત્તર પ્રદેશના 51 તાલુકાઓમાં પરાળીમાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. આ યોજનાથી દર વર્ષે 78 લાખ ટન ખેતીકચરાનું રિસાયક્લિંગ થશે. 1.77 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન અટકશે. તેમજ અંદાજે 1 લાખ લોકોને નવી રોજગારી મળશે.

વડાપ્રધાનના ‘નેટ ઝીરો કાર્બન ફૂટ પ્રિન્ટ’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં કિરણભાઈ મકવાણાનું આ સ્ટાર્ટઅપ સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે. ‘કચરામાંથી કંચન’ બનાવતું આ સ્વદેશી મોડલ આગામી સમયમાં ભારતને પ્રદૂષણમુક્ત અને ઓર્ગેનિક ખેતી પ્રધાન દેશ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.