Crude Oil Price Hike: ક્રૂડ ઓઈલમાં પ્રતિ બેરલ 1 ડોલરનો વધારો ભારતની તિજોરી અને મોંઘવારી પર કેટલી અસર કરે છે?

ક્રૂડમાં પ્રતિ બેરલ 1 ડોલર વધારાથી ભારતનું વાર્ષિક ક્રુડ ઈમ્પોર્ટ બિલ (Crude Import Bill) અંદાજે રૂપિયા 10,000 કરોડ થી રૂપિયા 13,000 કરોડ વધી જાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 04:33 PM (IST)Updated: Sun, 04 Oct 2026 04:48 PM (IST)
1-dollar-crude-oil-price-rise-impact-on-indian-economy-and-common-man

Crude Oil Price Hike One Dollar:ભારત પોતાની ક્રુડ ઓઈલ(Crude Oil)ની જરૂરિયાતના આશરે 85% થી 88% હિસ્સાની આયાત કરે છે. તેથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતો નાનો ફેરફાર પણ ભારતીય અર્થતંત્ર પર વ્યાપક અસર કરે છે.

નિષ્ણાતોના અંદાજો મુજબ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો વધારો થાય ત્યારે ભારતીય અર્થતંત્રના વિવિધ સેક્ટરો પર અનેક રીતે ઘેરી અસર એટલે કે માઠી અસર થાય છે.

1. આયાત બિલ અને વિદેશી મુદ્રા ભંડાર પર અસર

આયાત ખર્ચમાં વધારો: ક્રૂડમાં પ્રતિ બેરલ 1 ડોલર વધારાથી ભારતનું વાર્ષિક ક્રુડ ઈમ્પોર્ટ બિલ (Crude Import Bill) અંદાજે રૂપિયા 10,000 કરોડ થી રૂપિયા 13,000 કરોડ (1.3 થી 1.5 બિલિયન ડોલર) વધી જાય છે.

વિદેશી હૂંડિયામણ: વધારાના આયાત બિલની ચૂકવણી માટે વધુ ડોલર ચૂકવવા પડતા દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) પર દબાણ આવે છે.

2. ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit - CAD)

જ્યારે આયાત ખર્ચ વધી જાય અને નિકાસ તેની સરખામણીએ ઓછી રહે ત્યારે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) વધે છે.1 ડોલરના વધારાથી ભારતના GDPના આશરે 0.03% થી 0.05% જેટલી CAD માં વૃદ્ધિ થાય છે (જો ક્રૂડમાં 10 ડોલર નો વધારો થાય તો CAD આશરે 0.4% થી 0.5% સુધી વધી શકે છે).

3. મોંઘવારી (Inflation) પર અસર

સીધી અસર: જો ક્રૂડના ભાવ વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ વધારવામાં આવે તો સામાન્ય ગ્રાહકની દૈનિક ખરીદી પર સીધી અસર પડે છે.

અપ્રત્યક્ષ અસર: ડીઝલ મોંઘું થવાથી માલસામાનના વહન (Freight & Transportation)નો ખર્ચ વધે છે. તેના કારણે શાકભાજી, અનાજ અને રોજિંદી ચીજવસ્તુ મોંઘી થાય છે.

જથ્થાબંધ અને છૂટક ફુગાવો: પ્રતિ બેરલ 1 ડોલરનો સતત વધારો થાય તો દેશના મોંઘવારી દર (Retail Inflation - CPI)માં આશરે 0.05% થી 0.08% (5 થી 8 બેસિસ પોઈન્ટ)નો વધારો જોવા મળે છે.

4. ભારતીય રૂપિયા(Rupee)ના મૂલ્ય પર દબાણ

ઓઈલની આયાત માટે વધુ ડોલરની માંગ ઊભી થવાથી ફોરેક્સ માર્કેટમાં ડોલર મજબૂત થાય છે અને રૂપિયો નબળો પડે છે.

રૂપિયો નબળો પડવાથી માત્ર તેલ જ નહીં, પરંતુ અન્ય આયાતી વસ્તુઓ (જેમ કે ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, રસાયણો) પણ મોંઘી થાય છે.

5. રાજકોષીય ખાધ(Fiscal Deficit) અને ઓઈલ કંપની


સબસિડી બિલ: સરકારી ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) જો વૈશ્વિક ભાવ વધારા છતાં ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલ કે એલપીજીના ભાવ ના વધારે, તો તેલ કંપનીઓની ખોટ (Under-recoveries) વધે છે.

રાજકોષીય બોજ: આ ખોટ ભરપાઈ કરવા અથવા સબસિડી આપવા માટે સરકાર પર રાજકોષીય દબાણ વધે છે, જેથી સરકારનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ખોરવાઈ શકે છે.

6. કોર્પોરેટ નફો અને શેરબજાર (Stock Market)


ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો: ઉદ્યોગો જેવા કે પેઇન્ટ્સ, ટાયર, કેમિકલ્સ, પ્લાસ્ટિક, એવિએશન (વિમાની સર્વિસ) અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રૂડ ઓઈલ કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય કાચો માલ હોવાથી તેમનું માર્જિન ઘટે છે.

શેરબજાર પર નકારાત્મક અસર: કોર્પોરેટ પ્રોફિટબિલિટી ઘટવાની અને મોંઘવારી વધવાની શક્યતાને પગલે શેરબજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટ ઊભું થાય છે.

7. વ્યાજદરો અને નાણાકીય નીતિ (Monetary Policy)

મોંઘવારી વધવાના જોખમને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માટે વ્યાજદરો (Repo Rate) ઘટાડવું મુશ્કેલ બને છે.

જો ફુગાવો નિયંત્રણ બહાર જાય તો RBI એ વ્યાજદરો ઊંચા રાખવા પડે છે જેનાથી હોમ લોન, ઓટો લોન અને બિઝનેસ લોન મોંઘી રહે છે અને આર્થિક વૃદ્ધિ દર (GDP Growth) ધીમો પડી શકે છે.

આમ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 1 ડોલર મોંઘું થવાથી ભારતનું વાર્ષિક આયાત બિલ રૂપિયા 10,000 કરોડ વધી જાય છે, જે દેશમાં મોંઘવારી, રૂપિયા પર દબાણ, ચાલુ ખાતાની ખાધ અને રાજકોષીય બોજ વધારવાનું કામ કરે છે.