Windfall Tax Fuel Export: કેન્દ્ર સરકારે ઇંધણની નિકાસ અંગે મહત્વનો નિર્ણય લેતાં પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF - જેટ ફ્યુઅલ) પરના વિન્ડફોલ ટેક્સમાં (Special Additional Excise Duty) વધારો કરવાની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર, આ નવા સુધારેલા દરો 3 ઓગસ્ટ, 2026થી તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે.
કયા ફ્યુઅલ પર કેટલો ટેક્સ વધ્યો?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત વિમાનમાં વપરાતા ઇંધણ પર નિકાસ ચાર્જ વધારવામાં આવ્યો છે:
- પેટ્રોલ: પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ₹2.5 પ્રતિ લિટરથી વધારીને ₹3.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે (₹1 નો વધારો).
- ડીઝલ: ડીઝલની નિકાસ પર ટેક્સ ₹15.5 પ્રતિ લિટરથી વધીને ₹24 પ્રતિ લિટર (કુલ લેવી ₹25.5 પ્રતિ લિટર) કરાયો છે (₹8.5 નો સીધો વધારો).
- ATF: જેટ ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સ ₹14.5 પ્રતિ લિટરથી વધારીને ₹22 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે (₹7.5 નો વધારો).
સરકારે વિન્ડફોલ ટેક્સ કેમ વધારવો પડ્યો?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળતી સતત અસ્થિરતા વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સરકારે 27 માર્ચ, 2026થી ઇંધણ નિકાસ પર આ વસૂલાત દાખલ કરી હતી. આ વધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશની ઓઇલ રિફાઇનરી કંપનીઓ વધુ નફાની લાલચમાં વિદેશોમાં ઇંધણ ન વેચે, જેથી ભારતીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત ન સર્જાય. ઉલ્લેખનીય છે કે, સરકારી સમિતિ દર 15 દિવસે વૈશ્વિક ભાવોના આધારે આ દરોની સમીક્ષા કરે છે.

દરમિયાન, સોમવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો, કારણ કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે નવી વાટાઘાટોની તૈયારી હોવાના સંકેતો આપવામાં આવ્યા હતા. જોકે તેહરાને આવી વાટાઘાટોનો ઇનકાર કર્યો હતો, તેમ છતાં મધ્ય પૂર્વની ઘટનાઓની અસર ભારતીય ઉર્જા નીતિ પર જોવા મળી રહી છે.
સામાન્ય જનતા પર શું અસર પડશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકો કે વાહનચાલકોએ ગભરાવાની જરૂર નથી. આ નવો ટેક્સ માત્ર વિદેશમાં નિકાસ કરાતા ઇંધણ પર લાદવામાં આવ્યો છે. દેશની અંદર વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે.
