US Attack Venezuela: અમેરિકાએ 90 ટકાથી વધુ ગરીબી ધરાવતા વેનેઝુએલા પર કેમ હુમલો કર્યો? રાષ્ટ્રપતિ ટ્રમ્પ કયો ખેલ કરવા માંગે છે

હવે ઘણાબધા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ ગરીબ દેશ પર અમેરિકાએ શા માટે હુમલો કર્યો? અમેરિકા જેવો શક્તિશાળી દેશ આ નાના અને ગરીબ દેશ પાછળ કેમ પડી ગયો છે?

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 07:01 PM (IST)Updated: Sat 03 Jan 2026 07:12 PM (IST)
why-america-attack-on-venezuela-what-president-donald-trump-gain-from-this-war-667481
HIGHLIGHTS
  • વેનેઝુએલામાં પાણી કરતાં પણ પેટ્રોલ સસ્તુ વેચાય છે
  • અમેરિકા વેનેઝુએલાના ક્રુડ ઓઈલના ભંડાર પર નિયંત્રણ કબજે કરવા માંગે છે

US Attack Venezuela: કેલિફોર્નિયાથી કદમાં આશરે બે ગણો અને ક્રુડ-ઓઈલનો વિશાળ ભંડાર ધરાવતા વેનેઝુએલા પર અમેરિકાએ ભીષણ હુમલો કર્યો છે. આ દેશમાં પાણી કરતાં પણ પેટ્રોલ સસ્તુ વેચાય છે. જોકે અહીં આ દેશમાં આશરે 92 ટકા વસ્તી ભીષણ ગરીબીમાં જીવન વિતાવે છે.

શનિવારે રાત્રે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં મોટામિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. હવે ઘણાબધા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ ગરીબ દેશ પર અમેરિકાએ છેવટે શા માટે હુમલો કર્યો? અમેરિકા જેવો શક્તિશાળી દેશ આ નાના અને ગરીબ દેશ પાછળ કેમ પડી ગયો છે?

નિકોલસ માદુરોને સત્તા પરથી દૂર કરવા માટે કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ટ્રમ્પ આ તણાવનું કારણ ડ્રગ્સને ગણાવે છે ત્યારે વેનેઝુએલાનો આરોપ છે કે અમેરિકા તેના ક્રુડ ઓઈલના ભંડાર પર નિયંત્રણ કબજે કરવા માંગે છે.નિકોલસ માદુરોનો આરોપ છે કે તેમને સત્તા પરથી દૂર કરીને અમેરિકા વેનેઝુએલાના વિશાળ ક્રુડ ઓઈલ ભંડાર અને ખનિજ સંસાધનો પર નિયંત્રણ મેળવવા માંગે છે.

વેનેઝુએલાનો છુપાયેલ ખજાનો

વેનેઝુએલા વિશ્વનો સૌથી મોટો ક્રુડ-ઓઈલ ભંડાર ધરાવે છે. વર્લ્ડમીટરના ડેટા પ્રમાણે વેનેઝુએલા વિશ્વનો સૌથી મોટો ક્રુડ ઓઈલ ભંડાર ધરાવે છે, જેમાં 303,008 મિલિયન બેરલ તેલ છે. ક્રુડ ઓઈલની આવક તેના અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે દેશના 90 ટકા આવકનો હિસ્સો ધરાવે છે. વધુમાં તે કુદરતી ગેસ, સોનું, બોક્સાઈટ અને કોલસાથી સમૃદ્ધ છે.

અમેરિકા ક્રુડ ઓઈલનો ખેલ કરવા માંગે છે

અમેરિકા પાસે 47,730 મિલયન બેરલ ઓઈલ ભંડાર છે, પરંતુ તેને હજુ પણ ઓઈલ ખાસ કરીને વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની આયાત કરવી પડે છે. અમેરિકાને વેનેઝુએલાના ભારે અને ગાઢ ક્રૂડ ઓઈલની જરૂર છે, જેનો ઉપયોગ ડીઝલ, ડામર અને ભારે મશીનરી માટે બળતણ બનાવવા માટે થાય છે.

વેનેઝુએલા અમેરિકાની નજીક છે અને તેનું ઓઈલ પ્રમાણમાં સસ્તું છે. વેનેઝુએલાના ગાઢ ઓઈલને US રિફાઇનરીઓમાં રિફાઇન કરવામાં આવે છે. અમેરિકા આ ​​નિર્ભરતાને સમાપ્ત કરવા અને ક્રુડ-ઓઈલના માર્કેટમાં દબદબો બનવા માંગે છે.

વેનેઝુએલા પર હુમલો કરીને અમેરિકાને શું ફાયદો થશે?

જો અમેરિકા વેનેઝુએલા પર નિયંત્રણ મેળવે તો તે તેના તેલ ભંડાર પર નિયંત્રણ મેળવી લેશે. વેનેઝુએલાનો તેલ ભંડાર અમેરિકા અને તેના સાથી દેશો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અમેરિકાના નિયંત્રણ સાથે, પ્રતિબંધો હટાવી લેવામાં આવશે, અને વેનેઝુએલા એક મુખ્ય સપ્લાયર બની શકે છે.વેનેઝુએલા માં કાયદેસર સરકાર વૈશ્વિક તેલ પુરવઠો વધારશે. જો ટ્રમ્પ ની મંજૂરી સાથે સરકાર રચાય તો અમેરિકા દેશના તેલ અને ગેસ પર નિયંત્રણ મેળવી લેશે.