અમેરિકાની સુરક્ષામાં મોટી ચૂક, ચીનના હાથમાં પહોંચી F-35 ફાઈટર જેટની સિક્રેટ ટેકનોલોજી

F-35 ફાઈટર જેટના કોકપીટ કેનોપી અને હથિયાર રાખવાના કમ્પાર્ટમેન્ટ જેવા કેટલાક પાર્ટ્સ ભૂલથી હાંગકાંગ મોકલી દેવામાં આવ્યા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 03:08 PM (IST)Updated: Thu, 08 Oct 2026 03:08 PM (IST)
us-security-breach-ups-worker-missed-f35-fighter-jet-technology-email-to-hong-kong-china
F-35 Fighter Jet

F-35 Fighter Jet Technology: અમેરિકામાં યુનાઈટેડ પાર્સલ સર્વિસ (UPS) ના કર્મચારીએ કરેલી બેદરકારીના કારણે F-35ફાઈટરજેટના અત્યંત ગોપનીય પાર્ટ્સ ભૂલથી હાંગકાંગ પહોંચી ગયા છે. પેન્ટાગોન અને અમેરિકી સંસદમાં હડકંપ મચી ગયો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

F-35 જેટના સિક્રેટ પાર્ટ્સ હાંગકાંગ પહોંચ્યા

અમેરિકામાં યુનાઈટેડ પાર્સલ સર્વિસ (UPS) ના એક કર્મચારીની નાની બેદરકારીના કારણે સમગ્ર દેશની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખરેખર, F-35 ફાઈટર જેટના કોકપીટ કેનોપી અને હથિયાર રાખવાના કમ્પાર્ટમેન્ટના દરવાજા જેવા કેટલાક અત્યંત ગોપનીય પાર્ટ્સ ભૂલથી હાંગકાંગ મોકલી દેવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ અમેરિકી સુરક્ષા વ્યવસ્થા પર સવાલઉભા થયા અને પેન્ટાગોનમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમેરિકાને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી કે જે શિપમેન્ટમાં F-35 કોકપીટ કેનોપી (Cockpit Canopy) અને હથિયાર રાખવાના કમ્પાર્ટમેન્ટનો દરવાજો સામેલ છે, તેમજ જેનેરડારથી બચાવવા માટે મટીરીયલ લગાવવામાં આવ્યું છે, તેને હાંગકાંગ અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર રાખવામાં આવે.

ITAR નિયમો અને ચેતવણી ઈમેલની ઉપેક્ષા

આ ચેતવણીનો ઈમેલ ફ્રેટ ફોરવર્ડર કંપની DSV A/S દ્વારા મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, યુએસ ઈન્ટરનેશનલ ટ્રાફિક ઈન આર્મ્સ રેગ્યુલેશન્સ (ITAR) ના નિયમોનું કડક પાલન કરવા માટે F-35 જેટના પાર્ટ્સને ચોક્કસ દેશોમાંથી પસાર ન કરવા જોઈએ. આ નિયમો બનાવવાનો મુખ્ય હેતુ અમેરિકાની સંવેદનશીલ હથિયાર ટેકનોલોજીને તેના વિરોધી કે દુશ્મન દેશો સુધી પહોંચતી અટકાવવાનો છે.

F-35 ફાઈટર જેટ બનાવતી પ્રખ્યાત કંપની લોકહીડ માર્ટિન કોર્પ (Lockheed Martin Corp) વતી કામ કરી રહેલી DSV એ શિપિંગ પ્રોવાઈડર UPS ને ITAR નિયમો યાદ અપાવવા માટે આ ઈમેલ મોકલ્યો હતો. જોકે, શિપિંગ સર્વિસ પ્રોવાઈડરે આ મહત્વપૂર્ણ ઈમેલ અને સૂચના પર કોઈ ધ્યાન આપ્યું નહોતું.

કઈ સિસ્ટમની ભૂલના કારણે સર્જાઈ ઘટના?

એક સૂત્રના જણાવ્યા અનુસાર, શક્ય છે કે DSV દ્વારા જે IT સિસ્ટમથી ઈમેલ મોકલવામાં આવ્યો, UPS એજન્ટ તેનાથી તદ્દન અલગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લડાકુ વિમાનના પાર્ટ્સનું શિપમેન્ટ મૂળ રૂપે દક્ષિણ કોરિયા અને તાઈવાનના રસ્તે થઈને સેન ફ્રાન્સિસ્કો મોકલવાનું આયોજન હતું. જોકે, શિપમેન્ટ મોકલવામાં વિલંબ થતાં અને ડિલિવરી ઝડપી કરવાની ઉતાવળમાં તેને ભૂલથી હાંગકાંગના રસ્તે રવાના કરી દેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકહીડ માર્ટિનનું F-35 લાઈટનિંગ II (F-35 Lightning II) વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ્સમાંનું એક છે અને તે અમેરિકાના ઈતિહાસના સૌથી મોંઘા વેપન પ્રોગ્રામ પૈકી એક હિસ્સો છે. ચીન અને બેજિંગના જાસૂસો છેલ્લા ઘણા વર્ષોથી આ ફાઈટર જેટની ટેકનોલોજી મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.

ચાઈના દ્વારા રિવર્સ-એન્જિનિયરિંગનો ભય

અહેવાલો અનુસાર, હાંગકાંગ પહોંચેલા પ્લેનના બંને ભાગો પર રડાર એબ્ઝોર્બિંગ મટીરિયલ (Radar Absorbing Material) નું કોટિંગ કરવામાં આવ્યું હતું. આ મટીરીયલ એરક્રાફ્ટની સ્ટેલ્થ (Stealth) ક્ષમતામાં મોટો વધારો કરે છે. આ કોટિંગ વિમાનની ડિઝાઇનનો અતિ મહત્વનો ભાગ છે, જે તેને દુશ્મન દેશોના રડાર સિસ્ટમની પકડમાં આવ્યા વિના ઓપરેટ કરવાની શક્તિ આપે છે.

નોન-પાર્ટિશન 'ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસ' (GAO) માં F-35 સપોર્ટ રિવ્યૂની દેખરેખ રાખતા ડાયના મોરરે (Diana Maurer) એક રિપોર્ટમાં આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ચીન પાસે હવે F-35 ની કેનોપી પહોંચી ગઈ છે તે બિલકુલ સારી વાત નથી અને આ એક ખૂબ જ મોટી ભૂલ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે આ સમાચાર મળતાં જ ચીને જશ્ન મનાવ્યો હશે અને હવે તેઓ આ પાર્ટ્સનું રિવર્સ-એન્જિનિયરિંગ (Reverse-Engineering) કરીને પોતાની ટેકનિકલ ક્ષમતાઓ વધારવા અને આ ટેકનોલોજીનો સામનો કરવાનો તોડ શોધવામાં લાગી ગયા હશે."

US સંસદ-પેન્ટાગોનમાં હડકંપ, માર્ટિનનું સ્પષ્ટીકરણ

આ ગંભીર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમેરિકી સંરક્ષણ મંત્રાલય (Pentagon) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાના વિરોધમાં અમેરિકી સાંસદોએ વૈશ્વિક હથિયાર પુરવઠા પ્રણાલી (Global Arms Supply Chain) ની પુનઃસમીક્ષા કરવાની જોરદાર માંગ કરી છે.

બીજી તરફ, લોકહીડ માર્ટિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની લોજિસ્ટિક્સ મોનિટરિંગ સિસ્ટમને વધુ કડક બનાવવા માટે ટ્રાન્સપોર્ટ પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ માનવીય કે ટેકનિકલ ભૂલનું પુનરાવર્તન ન થાય.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "જોકે અમે આ મામલામાં કયો લોજિસ્ટિક્સ પાર્ટનર સામેલ હતો તેની વિગતો જાહેર કરી શકતા નથી, પરંતુ અમે તેમની સાથે મળીને એવા સુરક્ષાત્મક પગલાં વિકસાવવા અને લાગુ કરવા પર કામ કરી રહ્યા છીએ જેનાથી અમારી સામૂહિક દેખરેખ મજબૂત બને અને આવી ઘટના ફરી ક્યારેય ન ઘટે."