US New Tariffs: અમેરિકાએ ભારત સહિત 60 દેશોની નિકાસ પર વધાર્યો ટેક્સ, જાણો ભારત પર શું થશે અસર?

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના કાર્યાલયે કયા દેશોને કઈ શ્રેણીમાં રાખવામાં આવશે તેની વિગતો સ્પષ્ટ કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 03 Jun 2026 12:05 PM (IST)Updated: Wed, 03 Jun 2026 12:05 PM (IST)
us-proposes-fresh-tariffs-on-60-countries-including-india-and-china

US New Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વૈશ્વિક વેપાર જગતમાં મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યા છે. યુએસ સુપ્રીમ કોર્ટમાં કાનૂની મોરચે કારમી હારનો સામનો કર્યા બાદ, ટ્રમ્પ વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય આયાત પર અંકુશ લગાવવા માટે એક સંપૂર્ણપણે નવો ટેરિફ પ્લાન તૈયાર કર્યો છે. આ નવી ટેરિફ વ્યૂહરચના હેઠળ, અમેરિકા તેના મુખ્ય વેપારી ભાગીદાર દેશોમાંથી આવતી આયાત પર ઓછામાં ઓછો 10 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યું છે. ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશો માટે આ દરો વધુ આકરા હોઈ શકે છે અને તે 12 ટકાથી પણ વધુ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે.

કયા દેશ પર કેટલો ટેરિફ લાગશે?

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના કાર્યાલયે કયા દેશોને કઈ શ્રેણીમાં રાખવામાં આવશે તેની વિગતો સ્પષ્ટ કરી છે.

  • 12.5 ટકા ટેરિફ: આ ઊંચા ટેરિફ દરનો સામનો ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા અર્થતંત્રોએ કરવો પડશે. આ દેશોમાંથી યુએસમાં આયાત થતી વસ્તુઓ પર 12.5 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવી શકે છે.
  • 10 ટકા ટેરિફ: બીજી તરફ, કેનેડા, મેક્સિકો, યુરોપિયન યુનિયન (EU), તાઇવાન અને યુનાઇટેડ કિંગડમ (UK) જેવા દેશો માટે 10 ટકા ટેરિફ દર નક્કી કરવામાં આવ્યો છે.

ટ્રમ્પની નવી યોજનાનું મૂળ કારણ

અમેરિકા તરફથી આ આકરા પ્રસ્તાવ પાછળ ફરજિયાત અને બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી (Forced Labor) ની પ્રથાઓની તપાસ જવાબદાર છે. USTR દ્વારા યુએસ ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ હાથ ધરાયેલી 60 અલગ-અલગ તપાસના તારણો જાહેર કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં ભારત સહિત વિશ્વના 54 એવા દેશો કે અર્થતંત્રોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓ બળજબરીથી મજૂરી કરીને ઉત્પાદિત થતા માલની આયાત પર પ્રતિબંધ લાદવામાં કાં તો નિષ્ફળ રહ્યા છે અથવા તો આવા કાયદાઓનો કડક અમલ કરાવી શક્યા નથી.

USTR ની નોટિસ મુજબ, જે દેશોમાં આવા ઉત્પાદનો પર પહેલેથી પ્રતિબંધ છે અથવા જેમણે પારસ્પરિક વેપાર કરારો કર્યા છે, તેમને માત્ર 10% વધારાનો ટેરિફ લાગશે. પરંતુ ભારત સહિતના અન્ય દેશોએ 12.5% નો ઊંચો ટેરિફ ચૂકવવો પડશે. આ ઉપરાંત, કાપડની આયાત માટે કલમ 301 હેઠળ ચોક્કસ માત્રામાં ઓછા ટેરિફની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

એક તરફ વેપાર કરારની વાટાઘાટો, બીજી તરફ ટેરિફનું સંકટ

અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા "પારસ્પરિક ટેરિફ" (Reciprocal Tariffs) ને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધા હતા, જેને ટ્રમ્પ વહીવટીતંત્ર હવે નવા બહાને ફરીથી લાગુ કરવા મથી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ ભારત માટે અત્યંત ચિંતાજનક અને વક્રતાપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. ટ્રમ્પની આ ટેરિફ યોજના બરાબર એવા સમયે સપાટી પર આવી છે, જ્યારે અમેરિકાના મુખ્ય વેપાર વાટાઘાટકારો દ્વિપક્ષીય વેપાર કરાર (ભારત-યુએસ BTA) ને આખરી ઓપ આપવા માટે નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠકો યોજી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની ડબલ ગેમ ભારતના નિકાસકારો અને અર્થતંત્ર માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.