Hormuz Strait: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પાયમાલ કરવાની સીધી ચેતવણી આપીને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે ઈરાનને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને સંપૂર્ણપણે ખોલી દેવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ઈરાન આ આદેશનું પાલન નહીં કરે, તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દેશે.
ટ્રમ્પની 'ટ્રુથ સોશિયલ' પોસ્ટથી ખળભળાટ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 5:14 વાગ્યે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ મૂકી હતી. તેમણે લખ્યું કે, "જો તેહરાન નિર્ધારિત સમયમર્યાદામાં હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ ખતરો પેદા કર્યા વિના ખોલવામાં નિષ્ફળ જશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ મંગળવારે સવારે 5:14 વાગ્યે ઈરાનના વિવિધ પાવર પ્લાન્ટ્સ અને સૌથી મોટી ઉર્જા સુવિધાઓ પર હુમલો કરીને તેનો નાશ કરશે." ટ્રમ્પનું આ વલણ તેમના અગાઉના "યુદ્ધોનો અંત લાવવાના" વચનથી તદ્દન વિપરીત છે, જે દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે.
ઈરાનનો વળતો પ્રહાર
ટ્રમ્પના અલ્ટીમેટમના જવાબમાં ઈરાની લશ્કરી કમાન્ડ (ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર) એ પણ આક્રમક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેના ઉર્જા માળખા પર કોઈ હુમલો થશે, તો આ પ્રદેશમાં આવેલા અમેરિકા અને તેના સાથી દેશોના તમામ IT નેટવર્ક, ઉર્જા કેન્દ્રો અને પાણી શુદ્ધિકરણ (Desalination) પ્લાન્ટ્સને પણ નિશાન બનાવવામાં આવશે. ઈરાની લશ્કરે જણાવ્યું છે કે તેઓ હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
હોર્મુઝ સ્ટ્રેટ કેમ આટલી મહત્વની છે?
28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને મોટાભાગના જહાજો માટે બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે, વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો પાંચમો ભાગ (20%) આ માર્ગેથી પસાર થાય છે. આ નાકાબંધીને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી વિશ્વભરમાં મોંઘવારી વધવાનું જોખમ ઉભું થયું છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઈરાનના આ પગલાની આકરી ટીકા કરી છે.
વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ
તેલ પર નિર્ભર દેશો હવે વૈકલ્પિક માર્ગો અને પોતાના અનામત ભંડારનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. જો મંગળવાર સવાર સુધીમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સીધો મુકાબલો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે તેવી ભીતિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
