US Iran War News: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં કુવૈત ખાતે થયેલા ઈરાની ડ્રોન હુમલામાં જીવ ગુમાવનાર છ અમેરિકી સૈનિકોમાંથી ચારની ઓળખ પેન્ટાગોન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પેન્ટાગોને આ બહાદુર સૈનિકોની તસવીરો પણ જારી કરી છે. રવિવારે કુવૈતના શુઆઈબા પોર્ટ પર આવેલા એક કમાન્ડ સેન્ટરને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલામાં કુલ છ જવાનો શહીદ થયા હતા, જેમાંથી હજુ બે જવાનોની ઓળખ કરવાની પ્રક્રિયા બાકી છે.
આયોવા યુનિટના હતા આ જવાનો
પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ઓળખાયેલા ચાર સૈનિકોમાં કેપ્ટન કોડી ખોર્ક (ઉંમર 35 વર્ષ), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નોઆ ટિટજન્સ (ઉંમર 42 વર્ષ), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર (ઉંમર 39 વર્ષ) અને સાર્જન્ટ ડેક્લાન કોડી (ઉંમર 20 વર્ષ) નો સમાવેશ થાય છે. આ તમામ સૈનિકો આયોવા રાજ્યના રહેવાસી હતા અને આર્મી રિઝર્વની 103 મી સસ્ટેનમેન્ટ કમાન્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા. આ યુનિટનું મુખ્ય કાર્ય સૈન્યને ખોરાક, પાણી, બળતણ અને ગોળા-બારૂદ જેવી આવશ્યક સામગ્રી પહોંચાડવાનું હતું.
સૈન્ય અધિકારીઓ અને ટ્રમ્પની પ્રતિક્રિયા
આ દુખદ ઘટના અંગે બ્રિગેડિયર જનરલ ક્લિન્ટ એ. બાર્ન્સે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે આ સૈનિકો આઝાદીના સાચા દૂત હતા અને તેમની નિઃસ્વાર્થ સેવાને ક્યારેય ભૂલાવી શકાશે નહીં. આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલે પણ તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે યુદ્ધના માહોલમાં હજુ પણ વધુ જાનહાનિ થવાની શક્યતા છે અને જંગમાં આવું થતું જ હોય છે.
ઈરાનનો અમેરિકા પર ગંભીર આરોપ
આ હુમલા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન તરફથી પણ આક્રમક પ્રતિક્રિયા આવી છે. ઈરાનના સુપ્રીમ લીડરના વિશેષ પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ આક્ષેપ કર્યો છે કે અમેરિકા જાણીજોઈને વિશ્વમાં યુદ્ધ ભડકાવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાનો અસલી ટાર્ગેટ માત્ર ઈરાન નથી, પરંતુ તે ભારત, ચીન અને રશિયા જેવી ઉભરતી વૈશ્વિક શક્તિઓને આગળ વધતી રોકવા માંગે છે. ઈરાને એવો પણ સંકેત આપ્યો છે કે જો શરતો સન્માનજનક હોય તો તેઓ વાતચીત માટે તૈયાર છે, પરંતુ અમેરિકા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ભાગીદારને બદલે દુશ્મનાવટ પસંદ કરી રહ્યું છે. હાલમાં આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
