અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ $107ને પાર: ઈરાનનો જોર્ડનમાં અમેરિકી બેઝ પર હુમલો, F-15 ફાઈટર જેટ્સને નુકસાન

રોઇટર્સના અહેવાલ મુજબ, ઓગસ્ટથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવ 30 ટકા સુધી વધ્યા છે, જે ભારત જેવા આયાતકાર દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 11 Sep 2026 07:59 AM (IST)Updated: Fri, 11 Sep 2026 07:59 AM (IST)
us-iran-conflict-crude-oil-prices-soar-107-jordan-airbase-attack
ક્રૂડ ઓઈલ

Crude Oil Price Surge 107 Dollars: અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા લશ્કરી તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 7 ટકા સુધીનો મોટો ઉછાળો નોંધાયો હતો અને ભાવ પ્રતિ બેરલ $107ની સપાટી વટાવી ગયા છે. 21 મે પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઓગસ્ટથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવ 30 ટકા સુધી વધ્યા છે, જે ભારત જેવા આયાતકાર દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે.

અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો, 8 F-15 વિમાનોને નુકસાન

CBS ના અહેવાલ અનુસાર, ઈરાને જોર્ડન સ્થિત મુવાફક સાલ્તી અમેરિકી એરબેઝ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. આ હુમલામાં A-10 થંડરબોલ્ટ વિમાનની પાંખ તૂટી ગઈ હતી, જ્યારે આશરે 8 F-15 ફાઈટર જેટ્સને નુકસાન પહોંચ્યું હતું, જેમને પાછળથી સમારકામ કરીને સેવામાં કાર્યરત કરાયા છે. વળતા પ્રહારમાં અમેરિકી સેનાએ ૩૦થી વધુ પેટ્રિયોટ મિસાઈલો છોડી હતી.

IAEA ના ઠરાવ બાદ ભડક્યો વિવાદ

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના બોર્ડ ઓફ ગવર્નર્સે ઈરાન દ્વારા પરમાણુ નિયમોના ઉલ્લંઘનનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને સોંપવા માટે 23-3 થી ઠરાવ પસાર કર્યો છે, જેનો રશિયા, ચીન અને નાઈજરે વિરોધ કર્યો હતો. ઈરાને આ પગલાને અમેરિકાના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવી ફગાવી દીધો છે અને ચેતવણી આપી છે કે આવા પગલાં દેશોને 'પરમાણુ અપ્રસાર સંધિ' (NPT) માંથી બહાર નીકળવા મજબૂર કરશે.

ટ્રમ્પનો દાવો અને IRGC ની ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનો આ સંઘર્ષ નવેમ્બરમાં યોજાનારી મધ્ય-ગાળાની ચૂંટણીઓ (મિડટર્મ ઈલેક્શન્સ) સુધીમાં પૂરો થઈ જશે. તેમણે ઈરાનની નતાન્ઝ પરમાણુ સુવિધા નજીક પર્વતો પર હુમલાનો સંકેત પણ આપ્યો હતો. બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકાના કોઈપણ વધારાના હુમલાનો કોઈ મર્યાદા વગર સખત વળતો જવાબ આપવામાં આવશે.