Iran Vs US: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો યુદ્ધનો સંઘર્ષ દિવસેને દિવસે વધુ આક્રમક બની રહ્યો છે. વધતા જતાં તણાવ વચ્ચે હવે ઈરાને એક અત્યંત વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNAના રિપોર્ટ મુજબ, દેશના સેના પ્રમુખ અમીર હાતમીએ ખુલ્લેઆમ એવો દાવો કર્યો છે કે, જે પણ વ્યક્તિ અમેરિકી સૈનિકોને મારશે અથવા તેમને જીવતા પકડીને સોંપશે તેને 30 હજાર અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે.
મહિલાઓ માટે ઈનામની રકમ બમણી
ઈરાની સેના પ્રમુખની આ જાહેરાતમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જો કોઈ ઈરાની મહિલા આ કામગીરીને અંજામ આપશે તો તેને આ રકમ બમણી એટલે કે 60 હજાર ડોલર ચૂકવવામાં આવશે. સેના વડાના જણાવ્યા અનુસાર, દેશની જનતા તરફથી મળી રહેલા ભારે વિરોધ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને આ યોજના તૈયાર કરવામાં આવી છે.
સંઘર્ષનું મુખ્ય કારણ અને વર્તમાન સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેહરાન સહિત ઈરાનના વિવિધ વિસ્તારો પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામોનેઈનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ આક્રમક બનેલા ઈરાને પણ ઈઝરાયેલ તથા ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.
વૈશ્વિક તેલના ભાવમાં ભડકો
યુદ્ધની શરૂઆત સાથે જ ઈરાને વિશ્વના કુલ તેલ અને ગેસના 20 ટકા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગને લગભગ બંધ કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. એપ્રિલ માસમાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી અલ્પકાલીન વિરામ બાદ જૂનમાં શાંતિ વાટાઘાટોની યોજના ઘડાઈ હતી, જે પાછળથી નિષ્ફળ જતાં હાલ બંને દેશો વચ્ચે સામસામે છૂટાછવાયા હુમલાઓ ચાલુ રહ્યા છે.
