Iran US Conflict: ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે છેડેલા યુદ્ધને આજે એક મહિના કરતાં ઉપરનો સમય થઈ ચૂક્યો છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ શરૂઆતથી જ ભેદી રહ્યું છે. ઈરાને વળતો જડબાતોડ પ્રહાર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ પુરુ કરવા માટે આતુર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે, વાતચીત ચાલી રહી છે અને ડીલ ફાઈનલ થવા જઈ રહી છે. બીજી તરફ ઈરાન સ્પષ્ટતા કરી રહ્યું ચે કે, અમેરિકા સાથે કોઈ વાત નથી ચાલી રહી. છેલ્લા ઘણાં સમયથી આ વિચિત્ર ખેલ ચાલી રહ્યો છે. એવામાં ભારતના પૂર્વ વરિષ્ઠ રાજદ્વારા અશોક સજ્જનહારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં મોટો દાવો કર્યો છે.
સજ્જનહારે જણાવ્યું કે, અત્યારે સ્થિતિ વણસી ચૂકી છે અને હાલત અનિશ્ચિત છે. ટ્રમ્પ વારંવાર રટણ કરી રહ્યા છે કે, તેઓ યોગ્ય લોકો સાથે વાત કરી રહ્યા છે અને ઈરાને તેમને 10 ટેન્કર ક્રૂડની ભેટ આપી છે. જો કે ઈરાન ટ્રમ્પની વાતને રદિયો આપી રહ્યું છે. ઈરાનની વાતો પરથી લાગે છે કે, તેને વાતચીતમાં સહેજ પણ રસ નથી.
પાકિસ્તાન પર ઈરાનને કેમ વિશ્વાસ નથી?
પાકિસ્તાનની મધ્યસ્થતા પર વાત કરતાં સજ્જનહારે જણાવ્યું કે, ઈરાને પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે, તે પોતાની શરતોને આધિન જ યુદ્ધ સમાપ્ત કરશે. તેને પાકિસ્તાન ઉપર સહેજ પણ વિશ્વાસ નથી.
ઈરાનને ખ્યાલ છે કે, અનેક કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પ જલ્દી યુદ્ધ પતે તેવું ઈચ્છે છે. વિશ્વભરમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. અમેરિકામાં પણ પેટ્રોલની કિંમત આસમાને પહોંચી ચૂકી છે. દુનિયા સહિત અમેરિકામાં પણ આ યુદ્ધના વિરુદ્ધમાં અવાજ ઉઠવા લાગ્યા છે. આ સિવાય સૌથી મોટી વાત એ છે કે, અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો જનાધાર સતત ઘટી રહ્યો છે. આજ કારણોસર ઈરાન ટસનું મસ થવા તૈયાર નથી. જેથી આ યુદ્ધનો જલ્દી અંત આવે તેવું લાગતુ નથી.
'ઑપરેશન એપિક ફ્યૂરી પ્લાન પ્રમાણે જ આગળ વધી રહ્યું છે'
બીજી તરફ વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, અમેરિકન સેનાનું 'ઑપરેશન એપિક ફ્યૂરી' યોજના પ્રમાણે જ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં દુશ્મનના 11 હજારથી વધુ ઠેકાણા પર હુમલા કરવામાં આવી ચૂક્યા છે. દરેક હુમલા સાથે ઈરાન નબળું પડી રહ્યું છે અને અમેરિકાની પકડ મજબૂત થઈ રહી છે.
જો કે વ્હાઈટ હાઉસથી વિપરિત સજ્જનહારે જણાવ્યું કે, વાસ્તવિક સ્થિત તદ્દન અલગ છે. એક તરફ અમેરિકા સફળતાના દાવા કરી રહ્યું છે, બીજી તરફ ઈરાન પોતાની શરતો પર મક્કમ છે અને વાતચીતમાં સહેજ પણ રસ નથી દાખવી રહ્યું. જેના કારણે યુદ્ધ લાંબું ખેંચાઈ રહ્યું છે. જેનો ભોગ માત્ર ઈરાન કે અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વએ બનવું પડી રહ્યું છે.
