US H-1B Visa New Rules 2026: અમેરિકાની સંસદમાં H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારની માંગ કરતું એક બિલ રજૂ થયું છે. જો આ અંગે કાયદો બનશે તો ભારતીય IT અને ટેકનિકલ પ્રોફેશનલ્સ પર તેની મોટી નકારાત્મક અસર પડી શકે છે. અમેરિકામાં નોકરી કરવાનું સ્વપ્ન જોતા અને હાલ ત્યાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ બિલ ચિંતાનો વિષય બની ગયું છે.
ટેક્સાસના સાંસદ ચિપ રોયે રજૂ કર્યું નવું બિલ
ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદમાં ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ, 2026’ (American White-Collar Worker Jobs Act of 2026) નામનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. એરિઝોનાના અન્ય એક રિપબ્લિકન સાંસદ એલી ક્રેન પણ આ બિલના સહ-પ્રાયોજક છે.
40 વર્ષથી H-1B વિઝાનો દુરુપયોગ થયો: ચિપ રોય
આ બિલમાં વિદેશી નાગરિકોને નોકરી આપવાના નિયમોને અત્યંત કડક કરવા અને તેમના લઘુત્તમ વેતનની મર્યાદા વધારવા સહિતની આકરી દરખાસ્તો સામેલ કરવામાં આવી છે. આ બિલ રજૂ કરતી વખતે સાંસદ ચિપ રોયે આક્ષેપ કર્યો કે, છેલ્લા 40 વર્ષમાં H-1B વિઝાનો માત્ર દુરુપયોગ જ થયો છે.
સાંસદ ચિપ રોયે જણાવ્યું કે, મોટી કંપનીઓ અમેરિકન STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) પ્રોફેશનલ્સની જગ્યાએ અન્ય દેશોના સસ્તા વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખી રહી છે. નોંધનીય છે કે, આ બિલ એવા સમયે આવ્યું જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું પ્રશાસન ઇમિગ્રેશન મામલે કડક વલણ અપનાવી રહ્યું છે.
ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નવા નિયમથી H-1B વિઝા હેઠળ લાંબા સમયથી ચાલી આવતી 'ડ્યુઅલ ઈન્ટેન્ટ' (Dual Intent) વ્યવસ્થા કાયમ માટે ખતમ થઈ જશે. અત્યાર સુધી એવો નિયમ હતો કે H1B વિઝા ધારકો અમેરિકામાં કામ કરતી વખતે જ ગ્રીન કાર્ડ (સ્થાયી નિવાસ) માટે પણ સમાંતર અરજી કરી શકતા હતા.
વિઝાની મહત્તમ મુદતમાં ઘટાડો થશે
પરંતુ, આ પ્રસ્તાવિત બિલની સૌથી વિવાદાસ્પદ શરત એ છે કે હવે H-1B વિઝા લેનાર વ્યક્તિએ સાબિત કરવું પડશે કે તેનું કાયમી રહેઠાણ અમેરિકાની બહાર છે, અને તે પોતાના મૂળ રહેઠાણને ક્યારેય છોડશે નહીં.
આ ઉપરાંત, તે જોગવાઈને પણ ખતમ કરી દેશે જે હાલમાં ગ્રીન કાર્ડની પ્રક્રિયા પેન્ડિંગ હોવા દરમિયાન H-1B વિઝા ધારકોને વિઝાની મુદત વધારવા મંજૂરી આપે છે. આ બિલમાં વધુ એક મોટો ફેરફાર એ સૂચવવામાં આવ્યો છે કે H1B વિઝાની મહત્તમ મુદત જે હાલમાં 6 વર્ષની છે, તેને ઘટાડીને માત્ર 2 વર્ષ કરી દેવામાં આવશે.
વિદેશી નાગરિકોની નોકરી પર ખતરો
કોઈપણ H-1B વિદેશી કર્મચારીને નોકરીએ રાખતા પહેલા અમેરિકન કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેમને નોકરી માટે કોઈ લાયક અમેરિકન પ્રોફેશનલ મળ્યો નથી. વધુમાં, ફરજિયાતપણે સરકારી પોર્ટલ પર નોકરી વિશે જાહેરાત આપવી પડશે. જો કોઈ અમેરિકન નાગરિક પાસે વિદેશી પ્રોફેશનલ જેટલી સમાન અથવા તેનાથી વધુ લાયકાત હશે, તો કાયદા મુજબ પહેલા નોકરીની ઓફર તે અમેરિકન નાગરિકને જ કરવી પડશે.
ભારતીયો અંગે અમેરિકાની સ્પષ્ટતા
આ બિલના કારણે અમેરિકામાં H-1B વિઝા પર રહેતા લાખો ભારતીયોમાં સ્વાભાવિક રીતે જ ચિંતા વધી ગઈ છે. જોકે, અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે સ્પષ્ટતા સાથે કહ્યું છે કે, સરકાર તમામ દેશો અને કેસોમાં વિઝા કાયદા એકસમાન રીતે લાગુ કરી રહી છે. આ કડક નિયમો દ્વારા ખાસ ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું નથી.
