Trump Controversy: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ટ્રમ્પે એક ભારતીય પત્રકારના બોલવાના લહેજા (accent) અને તેમના અવાજ પર કટાક્ષ કરતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પ્રમુખ ટ્રમ્પની ટીકા કરવાનું શરૂ કર્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વ્હાઇટ હાઉસમાં જ્યારે એક ભારતીય પત્રકાર પ્રમુખ ટ્રમ્પને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતી (Trade Deal) અંગે સવાલ પૂછી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે વચ્ચે જ તેમની ટોકતા તેમના લહેજાની નકલ કરી હતી. ટ્રમ્પે પત્રકારને પૂછ્યું- તમે ભારતથી છો? મને તો લાગ્યું તમે જર્મનીથી છો. જોકે, બાદમાં ટ્રમ્પે પોતાનો બચાવ કરતા કહ્યું કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા અને ભારત સાથેના સંબંધો વિશે ખુશી વ્યક્ત કરી હતી.
ટ્રમ્પનું નિવેદન અને વેપાર સમજૂતી
મજાક કર્યા બાદ ટ્રમ્પે ગંભીરતા દાખવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખૂબ સારા મિત્ર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર સમજૂતી થઈ જશે. તેમણે ઉમેર્યું કે, અમેરિકા ભારત સાથેના આર્થિક સંબંધોથી ઘણો લાભ મેળવી રહ્યું છે અને બંને દેશો હવે સમજૂતીના અંતિમ તબક્કા પર છે. મહત્વનું છે કે, અમેરિકા દ્વારા આયાત પર નવા ટેરિફ લગાવવાના પ્રસ્તાવ બાદ આ નિવેદન મહત્વનું માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા
ટ્રમ્પના આ વ્યવહારને લઈને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક યુઝરે આને નસ્લવાદનું વરવું ઉદાહરણ ગણાવ્યું, તો અન્ય એક યુઝરે લખ્યું કે, કોઈ પણ વ્યક્તિનો લહેજો અલગ હોઈ શકે છે, પરંતુ એક જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિએ આવી મજાક ન કરવી જોઈએ. વિરોધ કરનારાઓએ ટ્રમ્પના આ વર્તનને અભદ્ર અને અપમાનજનક ગણાવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રે઼ડ ડિલ અંતિમ તબક્કામાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ ટિપ્પણી તેમના વહીવટીતંત્ર દ્વારા ભારત સહિત 60 અર્થતંત્રોમાંથી આયાત પર 12.5 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યાના એક દિવસ પછી આવી છે. તાજેતરના દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટોને વેગ મળ્યો છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, જેમાં ફક્ત થોડા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે પણ સંકેત આપ્યો હતો કે કરારના મોટાભાગના પાસાઓ પર સંમતિ સધાઈ ગઈ છે અને હવે બાકીની વિગતોને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
