Iran-US Tensions: ઈરાન સાથે યુદ્ધની સંભાવનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. શનિવારે યોજાયેલી "નો કિંગ્સ" રેલીઓમાં લાખો લોકો એકઠા થયા અને ટ્ર્મ્પ દ્વારા લેવાયેલા પગલાનો વિરોધ કર્યો હતો.
મિનેસોટા આ પ્રદર્શનોનું કેન્દ્ર બન્યું હતું. સેન્ટ પોલમાં હજારો લોકો મિનેસોટા કેપિટોલના લૉન અને આસપાસની શેરીઓમાં ખભાથી ખભા મિલાવીને ઉભા હતા. કેટલાક વિરોધીઓએ અમેરિકન ધ્વજ ઊંધો રાખ્યો હતો જે ઐતિહાસિક રીતે સંકટનું સંકેત ગણવામાં આવે છે.
90 લાખ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા
અમેરિકન આયોજકોનો અંદાજ છે કે, 'નો કિંગ્સ' રેલીના પહેલા બે રાઉન્ડમાં જૂનમાં 50 લાખથી વધુ અને ઓક્ટોબરમાં 7 લાખથી વધુ લોકો ભાગ લેશે. આ અઠવાડિયે, તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ આ વખતે 90 લાખ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા રાખે છે. જોકે અત્યારે એ કહેવું ઉતાવળભર્યું રહેશે કે, તેમની અપેક્ષાઓ પૂર્ણ થઈ છે કે નહી.
આયોજકોએ જણાવ્યું હતું કે, તમામ 50 રાજ્યોમાં 3,100થી વધારે કાર્યક્રમ નોંધાયા હતા. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને આ માટે ડાબેરી ભંડોળ નેટવર્કને જવાબદાર ગણાવ્યું હતું. એક નિવેદનમાં, જેક્સને કહ્યું હતું કે, "આની ચિંતા ફક્ત તે જ પત્રકારો કરે છે, જેમને તેને કવર કરવા માટે પૈસા મળે છે."
નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ પણ આકરી ટીકા કરી હતી. NRCC ના પ્રવક્તા મૌરીન ઓ'ટૂલે જણાવ્યું હતું કે, "આ અમેરિકા વિરોધી રેલીઓ એ પ્લેટફોર્મ છે. જ્યાં ડાબેરીઓની સૌથી વધારે હિંસક અને વિકૃત કલ્પનાઓને અવાજ મળે છે.
યુરોપથી ઓસ્ટ્રેલિયા સુધી રેલીઓનું આયોજન
આ કાર્યક્રમોનું નેતૃત્વ કરી રહેલા જૂથના સહ-કાર્યકારી નિર્દેશક એઝરા લેવિને એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, યુરોપથી લઈને લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધીના એક ડઝનથી વધુ દેશોમાં પણ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, બંધારણીય રાજાશાહી ધરાવતા દેશોમાં, આ વિરોધ પ્રદર્શનોને "કોઈ જુલમી નહીં" કહેવામાં આવ્યા છે.
રોમમાં, વિરોધીઓએ ઈરાન પર ઇઝરાયલી અને યુ.એસ.ના હુમલાઓનો વિરોધ કરતા બેનરો લહેરાવ્યા હતા અને યુદ્ધ મુક્ત વિશ્વની માંગ કરી હતી. લંડનમાં, ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષનો વિરોધ કરી રહેલા વ્યક્તિઓએ એવા બેનરો પકડી રાખ્યા હતા જેમાં લખ્યું હતું કે, "અત્યંત જમણેરીઓને રોકો" અને "જાતિવાદ સામે ઉભા થાઓ."
