ટ્રમ્પે આપી 'આજ રાત'ના હુમલાની ધમકી, ઈરાન બોલ્યું- 'અમારી આંગળી ટ્રિગર પર છે!'

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ટ્રમ્પે હુમલાના સંકેત આપતા ઈરાને કહ્યું કે તેઓ કોઈપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 08 Jul 2026 11:27 PM (IST)Updated: Wed, 08 Jul 2026 11:27 PM (IST)
trump-threatens-attack-tonight-iran-says-our-finger-is-on-the-trigger

US-Iran Conflict: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંકારામાં નાટો (NATO) સમિટ દરમિયાન ઈરાન સામે ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઈરાની સરકારની નીતિઓની આકરી ટીકા કરતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવાના પોતાના નિર્ણય પર મક્કમ છે. ટ્રમ્પે ચેતવણી આપતા જણાવ્યું હતું કે- અમે કદાચ આજે રાત્રે ફરી તેમના પર હુમલો કરીશું. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાનના IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ બહેરીન અને કુવૈતમાં 85 અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કરવાનો દાવો કર્યો છે, જેની સામે અમેરિકાએ પણ ઈરાનના 80 થી વધુ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

આ ધમકીનો વળતો જવાબ આપતા ઈરાનના નેતા અલી અકબર વેલાયતીએ કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે- આ વિસ્તાર કોઈ રાજકીય જુગારની જગ્યા નથી અને જો અમેરિકા કોઈ પણ ઉશ્કેરણીજનક પગલું ભરશે, તો અમેરિકાને કડક જવાબ આપવામાં આવશે; અમારી આંગળી ટ્રિગર પર છે. વેલાયતીએ વધુમાં ઉમેર્યું હતું કે ટ્રમ્પ દ્વારા કરાર રદ કરવાનો નિર્ણય આ સમગ્ર વિસ્તારને ફરી એકવાર વિનાશક યુદ્ધની આગમાં ધકેલવા સમાન છે.

દરિયાઈ માર્ગે વ્યાપારી જહાજો પર વધતું જોખમ

હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની અવરજવર માટે ગંભીર સુરક્ષા જોખમો ઊભા થયા છે. ઈરાન દ્વારા હોર્મુઝ જળડમરૂમધ્યમાં ઓમાનના કોરિડોરથી જઈ રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કરને બળજબરીથી પરત મોકલી દેવામાં આવ્યું હતું. ઈરાનનું ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ રેડિયો સંદેશાઓ દ્વારા સતત તે જહાજોને ચેતવણી આપી રહ્યું છે જે ઓમાનના કોરિડોરનો ઉપયોગ કરવા માંગે છે અને તેઓ જહાજોને આદેશ આપે છે કે તેઓ ઓમાનના કોરિડોરને બદલે માત્ર ઈરાન દ્વારા નિર્ધારિત કોરિડોરનો જ ઉપયોગ કરે.

UAEએ કરી નિંદા

આ ઉપરાંત, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ હોર્મુઝમાં સાઉદી ટેન્કર 'વાડિયાન' પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. UAEના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, કારણ કે આ પ્રકારના હુમલાઓથી વૈશ્વિક ઉર્જા સુરક્ષા, આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રાદેશિક સ્થિરતા માટે મોટો ખતરો ઊભો થાય છે. આ સમગ્ર પરિસ્થિતિ મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરી રહી છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક તેલ પુરવઠાની વ્યવસ્થા પર પડી રહી છે.