Stock Market Crash:ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ભૂચાલ આવ્યો છે. ચોતરફથી નિકળેલી સાર્વત્રિત વેચવાલીના ભારે દબાણ વચ્ચે બેન્ચમાર્ક સેન્સેક્સ 1124 પોઇન્ટ એટલે કે 1.52 ટકાના કડાકા સાથે 72,771.72 રહ્યો છે. નિફ્ટી પણ 360.25 પોઇન્ટ તૂટી 22780.25 રહી છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની ગણાતી 73000 અને 23000ની સપાટી ગુમાવી દીધી છે.
વિશ્વ બજારમાંથી મળેલા મંદીના સંકેત તેમ જ ઘરઆંગણે ચોમાસું નબળુ રહેતા મહારાષ્ટ્રનો ઘણોખરો ભાગ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા બજાર સેન્ટીમેન્ટ નબળુ પડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 106 ડોલરથી ઉપર યથાવત રહેતા, અમેરિકાની ટ્રેઝરી બોન્ડની ઈલ્ડ પણ વિક્રમજનક સ્તરે પહોંચતા તથા ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણામાં પ્રગતિના અભાવ વચ્ચે ભૂ-રાજકિય ચિંતા ઘેરી બનતા ભારતીય શેરબજારમાં ભારે મંદી જોવા મળી છે.
ભારતીય બજારો માટે સૌથી ચિંતાનું કારણ ક્રુડ ઓઈલના વધતા ભાવ છે. અમેરિકી બોન્ડ યીલ્ડ પર રિટર્ન વધવાથી વિદેશી રોકાણકારો ઈમર્જીંગ માર્કેટમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને આ રોકાણ અમેરિકાના વિવિધ રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે.
મેટલ, ઓઈલ-ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, બેન્ક, ઓટો સહિત તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ભારે મંદી જોવા મળી છે. સેન્સેક્સ પેકની 30 પૈકી 29 કંપનીના શેરોમાં ભારે મંદી જોવા મળી હતી. જોકે Infosysના શેર નજીવા સુધાર સાથે રૂપિયા 1,003 પર બંધ રહ્યો હતો.
માર્કેટ બ્રેડથ અત્યંત મંદીમય રહ્યું હતું. BSE સેન્સેક્સની કૂલ 4734 સ્ક્રીપ પૈકી ફક્ત 1,359 સ્ક્રીપમાં તેજી જ્યારે 3,106 સ્ક્રીપમાં મંદી જોવા મળી હતી. 269 સ્ક્રીપમાં ભાવ સ્થિર રહ્યા હતા.
સેન્સક્સમાં સૌથી વધુ મંદી નોંધાવનાર શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો રૂપિયા 109 એટલે કે 2.81 ટકા ઘટી રૂપિયા 3770, પાવર ગ્રિડ રૂપિયા 7.05 અથવા 2.62 ટકા ઘટી રૂપિયા 262.20, અદાણી પોર્ટ્સ રૂપિયા 42.40 અથવા 2.38 ટકા ઘટી રૂપિયા 1741.60, HDFC Bank રૂપિયા 16.95 અથવા 2.30 ટકા ઘટી રૂપિયા 718.85, હિન્દુસ્તાન યુનિલિવર રૂપિયા 44 અથવા 2.27 ટકા ઘટી રૂપિયા 1896, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂપિયા 27.50 અથવા 2.24 ટકા ઘટી રૂપિયા 1198.50, SBI રૂપિયા 20.60 ઘટી 2.10 ટકા ઘટી 961.90, ICICI બેંક રૂપિયા 25.25 અથવા 1.90 ટકા ઘટી રૂપિયા 1301.25 રહ્યા હતા.
