હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર હુમલાઓ સાંખી નહીં લેવાય, ટ્રમ્પની ઈરાનને આકરી ચેતવણી, વાતચીત પહેલાં જ તહેરાન પર લગાવ્યા આ આરોપ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર થયેલા ડ્રોન હુમલાને લઈને ઈરાનને કડક ચેતવણી આપી છે. જાણો શું કહ્યું ટ્રમ્પે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 12 Jun 2026 08:52 PM (IST)Updated: Fri, 12 Jun 2026 08:52 PM (IST)
trump-lashes-out-at-iran-over-attacks-on-indian-ships-says-this-will-not-be-tolerated

Indian Ship Attack: અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા સંભવિત મહત્વપૂર્ણ કરારના ગણતરીના દિવસો પહેલાં જ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર થયેલા ડ્રોન હુમલાને લઈને ઈરાન પર આકરા પ્રહાર કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે ભારતીય જહાજો પરના આવા હુમલા હવે કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

શું છે સમગ્ર મામલો?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ગત રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજોને નિશાન બનાવીને ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, આ હુમલાને સમયસર નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે- ઈરાને તેની હરકતોમાં ખૂબ જ ઝડપથી સુધારો કરવાની જરૂર છે. ભારતીય જહાજો પરનો હુમલો હવે બિલકુલ બરદાસ્ત કરવામાં આવશે નહીં.

કરાર પહેલાં ઈરાનની દગાબાજીનો આરોપ

માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ઈરાન સાથેની વાટાઘાટો અંગે પણ ટ્રમ્પે આકરા વલણ અપનાવ્યું છે. ઈરાની મીડિયામાં કરારની જે શરતો લીક કરવામાં આવી હતી, તેને ટ્રમ્પે સદંતર નકારી કાઢી છે. તેમણે આ અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવતા કહ્યું કે, જે શરતો લીક કરવામાં આવી છે, તેનો લેખિત કરાર સાથે કોઈ લેવાદેવા નથી.

ઈરાનની કૂટનીતિ પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન ખૂબ જ દગાબાજ દેશ છે અને તેમની સાથેની વાતચીતમાં ઈમાનદારીની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ઈરાનના વર્તનને તેમણે અત્યંત શરમજનક ગણાવ્યું હતું.

કેમ વધી રહ્યો છે વિવાદ?

નિષ્ણાતોના મતે, આ આક્રમક નિવેદન એ વાતની સાબિતી છે કે રવિવારે થનારા સંભવિત કરાર પહેલાં બંને દેશો વચ્ચેની કૂટનીતિક જંગ વધુ તીવ્ર બની છે. અગાઉ, ઈરાની સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે તેઓ કરાર હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે. આ દાવા બાદ ટ્રમ્પનું આ પ્રત્યાઘાતી નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધતા તણાવને સ્પષ્ટ કરે છે.

યુરોપમાં કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલા કહ્યું હતું કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટેનો કરાર લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો છે અને આ અઠવાડિયાના અંત સુધીમાં યુરોપમાં તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ટ્રમ્પે ગુરુવારે (11 જૂન, 2026) ઓવલ ઓફિસમાં કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ આ સપ્તાહના અંતે યુરોપમાં યોજાનાર હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપી શકે છે.