Aditya Sharma Indian sailor killed: મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર હવે નિર્દોષ ભારતીય નાવિકો પર પડી રહી છે. ઓમાનની ખાડીમાં 'MT Settebello' નામના જહાજ પર થયેલા અમેરિકી હુમલામાં ભારતના 23 વર્ષીય ડેક કેડેટ આદિત્ય શર્માનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે આદિત્યના પરિવારે આ ઘટનાને યુદ્ધ અપરાધ ગણાવી ભારત સરકાર પાસે ન્યાયની માંગ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમેરિકી સેનાએ આરોપ લગાવ્યો હતો કે પલાઉ-ધ્વજ ધરાવતું જહાજ 'MT Settebello' ઈરાનથી ઓઇલની હેરફેર કરીને અમેરિકી નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. આ શંકાના આધારે અમેરિકી દળોએ જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જહાજ પર સવાર ત્રણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં આદિત્ય શર્માનો પણ સમાવેશ થાય છે. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા ત્રણેય ભારતીય નાવિકોના મૃતદેહ મળી આવ્યા હોવાની અને તેમની ઓળખ થઈ ગઈ હોવાની પુષ્ટિ કરી છે.
પરિવારનું હૃદયદ્રાવક નિવેદન
આદિત્યના પિતાએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને જણાવ્યું કે- મારી આદિત્ય સાથે છેલ્લી વાતચીત રવિવારે થઈ હતી. તેણે જણાવ્યું હતું કે તે સુરક્ષિત છે અને જહાજ હાલ જોખમથી દૂર છે. સોમવારે તેણે મને WhatsApp પર મેસેજ કરીને પોતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેના એક કલાક બાદ જ તેમના જહાજ પર હુમલો થયો અને તે અમારી વચ્ચે રહ્યો નહીં.
આદિત્યના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે- કોમર્શિયલ જહાજ પર મિસાઈલ છોડવી એ યુદ્ધ અપરાધ છે. જો અમેરિકાને શંકા હતી, તો તેઓ ક્રૂને પકડી શક્યા હોત અથવા અન્ય રસ્તાઓ અપનાવી શક્યા હોત, પરંતુ આ પ્રકારનો ઘાતક હુમલો સ્વીકાર્ય નથી.
સતત વધી રહ્યો છે ખતરો
ઓમાનની ખાડીમાં હાલમાં દરિયાઈ સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર છે. ગત 8 જૂનના રોજ 'MT Marivex' પર થયેલા હુમલા બાદ 24 ભારતીય નાવિકોને ઓમાનની નેવી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં 'MT Jalveer' નામના અન્ય એક કોમર્શિયલ જહાજ પર પણ હુમલો થવાના અહેવાલ છે, જ્યાંથી ભારતીય નાવિકોને બચાવવા માટે મસ્કટ સ્થિત ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલ છે.
