OpenAI Office Spying Case: વિશ્વની અગ્રણી AI કંપની OpenAI ની સેન ફ્રાન્સિસ્કો સ્થિત ઓફિસમાં સુરક્ષામાં મોટી ચૂક અને જાસૂસીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) અને ફેડરલ પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, 19 ઓક્ટોબરે ફેડરલ કોર્ટમાં રજૂ થનારા 35 વર્ષીય સાઉદી એન્જિનિયર અબ્દુલ રહેમાન અલફોજાન પર કંપનીના કોન્ફરન્સ રૂમમાં ગુપ્ત રેકોર્ડિંગ સાધન ગોઠવવાનો આરોપ છે.
TV પાછળ સિક્રેટ રેકોર્ડિંગ ડિવાઇસ મળ્યું
ગયા મહિનાના અંતમાં કંપનીની સુરક્ષા ટીમની નજરે આ એડવાન્સ્ડ રેકોર્ડિંગ ડિવાઇસ ચડ્યું હતું, જે બાદ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો. તપાસ સીધી FBI ને સુપ્રત કરવામાં આવી હતી. સરકારી નિવેદન મુજબ, અબ્દુલ અલફોજાન જુલાઈ 2025 થી OpenAI માં કામ કરી રહ્યો હતો. તેણે USB રેકોર્ડિંગ ડિવાઈસને ટોયલેટ પેપરમાં લપેટીને કંપનીના 'એક્ઝિક્યુટિવ કોન્ફરન્સ રૂમ' ના ટીવી પાછળ છુપાવી દીધું હતું.
સંવેદનશીલ માહિતી અને લોકેશન ટ્રેકિંગ
સુરક્ષા કેમેરામાં અલફોજાન કોન્ફરન્સ રૂમની આસપાસ શંકાસ્પદ રીતે આંટા મારતો દેખાયો હતો. જ્યારે તેને ત્યાં યોજાતી ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર રહેવાની મંજૂરી નહોતી. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે OpenAI ની ઈમારતો, મીટિંગ રૂમ, કેલેન્ડર, મીટિંગ શિડ્યુલ અને વરિષ્ઠ અધિકારીઓની લોકેશન ટ્રેકિંગ જેવી સંવેદનશીલ વિગતો મેળવવા માટે એક વિશેષ 'પ્રોડક્ટિવિટી ટૂલ' નો ઉપયોગ કર્યો હતો. જોકે, આ રેકોર્ડિંગ ડિવાઇસ કોઈ માહિતી રેકોર્ડ કરી શક્યું હતું કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ચેટબૉટ સર્ચ હિસ્ટ્રી, OpenAI નું નિવેદન
તપાસ દરમિયાન અલફોજાનના જીવનસાથી સાથે જોડાયેલા એક ચેટબૉટ એકાઉન્ટમાંથી રિમોટ ઓડિયો રેકોર્ડિંગ અને મેમરી કાર્ડ ડેટાને એન્ક્રિપ્ટ કરવા અંગેની સર્ચ હિસ્ટ્રી પણ મળી આવી છે.
આ ઘટના અંગે OpenAI એ સ્પષ્ટતા કરી છે કે, અત્યાર સુધીની તપાસ મુજબ આ વ્યક્તિએ મોડેલ વેટ્સ (model weights), સોર્સ કોડ (source code) કે ગ્રાહકોના ડેટા સુધી ગેરકાયદેસર પહોંચ મેળવી હોય કે ચોરી કરી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.
