PM Modi Letter: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પુત્ર અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી વડા તારિક રહેમાનને એક શોક પત્ર લખ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઢાકામાં તારિક રહેમાન સાથે મુલાકાત કરી અને પીએમ મોદીનો આ પત્ર તેમને રૂબરૂ સોંપ્યો હતો.
PM મોદીએ ખાલિદા ઝિયાના દ્રઢ નિશ્ચયને યાદ કર્યા
પોતાના સંવેદના સંદેશમાં વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં ઢાકાની મુલાકાત દરમિયાન 'બેગમ સાહિબા' (ખાલિદા ઝિયા) સાથે થયેલી મુલાકાત અને ચર્ચાઓને યાદ કરી હતી. તેમણે ખાલિદા ઝિયાને અસાધારણ દ્રઢ સંકલ્પ અને મક્કમતા ધરાવતા નેતા ગણાવ્યા હતા. પીએમ મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હોવાનું ગૌરવ મેળવનાર ઝિયાએ દેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશના સંબંધોને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો
ભારત-બાંગ્લાદેશ ભાગીદારી માટે નવી આશા
વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાલિદા ઝિયાના આદર્શો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીમાં આગળ વધશે અને તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ઊંડી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ સમૃદ્ધ બનાવવામાં માર્ગદર્શક ભૂમિકા ભજવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશના લોકો લોકશાહી પરંપરાઓ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી પ્રેરિત થતા રહેશે.
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમને ઢાકાના શેર-એ-બાંગ્લા નગરમાં તેમના પતિ ઝિયાઉર રહેમાનની કબર પાસે રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન હવે 12 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. વિદેશ મંત્રી જયશંકરે ચૂંટણી બાદ બંને દેશોના સંબંધોમાં વધુ સુધારની આશા વ્યક્ત કરી છે.
