પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિર મહોત્સવ: હજારો મહિલાઓએ યોજી ભવ્ય પાલખી યાત્રા, સેન નદીમાં ઐતિહાસિક જળયાત્રા

ફ્રાન્સમાં પ્રથમ પથ્થર નિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 04 Sep 2026 02:09 PM (IST)Updated: Fri, 04 Sep 2026 02:09 PM (IST)
paris-baps-swaminarayan-temple-palkhi-yatra-cultural-procession-seine-river-jal-yatra-nri-news
Paris BAPS Temple Palkhi Yatra

Paris BAPS Temple Palkhi Yatra: પેરિસ BAPS મંદિર મહોત્સવ અંતર્ગત 2 સપ્ટેમ્બર, બુધવારના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી ભક્તિમય પાલખીયાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના વિધિવત આરંભ સાથે આ યાત્રામાં મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી. આ આનંદમય યાત્રાએ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સામુદાયિક એકતાની ઉજવણી સાથે સ્થાનિક પરિવારો અને વિશ્વભરમાંથી આવેલા મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું.

પરંપરાગત સંગીત, ભક્તિમય ગાન અને નૃત્ય સાથે સુંદર રીતે સુશોભિત પાલખીઓ બુસી-સેંટ-જ્યોર્જેસના માર્ગો પરથી પસાર થઈ અને સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો ભાવ પ્રસર્યો હતો. રંગબેરંગી પ્રસ્તુતિઓ, પરંપરાગત વસ્ત્રો અને ભારતના વિવિધ પ્રદેશોથી પ્રેરિત સર્જનાત્મક ઝાંખીઓ દ્વારા આ યાત્રામાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું દર્શન થયું હતું. યાત્રાના માર્ગ પર ઉપસ્થિત દર્શકોએ આ પાલખી યાત્રાને હર્ષપૂર્વક નિહાળી હતી.

નવ સુશોભિત પાલખી, એક પરંપરાગત રથ અને આશરે 250 કલાકારો સાથેની આ યાત્રાએ ભક્તિ, કૃતજ્ઞતા અને સૌહાર્દના શાશ્વત મૂલ્યોને ઉજાગર કર્યા હતા. પાલખીયાત્રા દરમિયાન એક ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ યોજાઈ હતી. ત્યારબાદ યાત્રા એસપ્લેનેડ ઓફ રિલિજિયન એન્ડ કલ્ચર્સ ખાતે આવેલા નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર તરફ આગળ વધી હતી.

ઈલ-દ-ફ્રાન્સ પ્રદેશના પ્રમુખ વેલેરી પેક્રેસ, ભારતના ફ્રાંસ ખાતેના ડેપ્યુટી ચીફ ઓફ મિશન ઈનમ ગંભીર અને બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક  ફેસ્ટિવલ ઓફ કલ્ચરના ઉદ્ઘાટન સમારોહ અને યાત્રાના પ્રારંભિક ભાગમાં જોડાયા હતા.

ઈલ-દ-ફ્રાન્સ પ્રદેશના પ્રમુખ વેલેરી પેક્રેસે પોતાના સ્વાગત સંબોધનમાં જણાવ્યું, “ફ્રાન્સમાં પથ્થરમાંથી નિર્મિત પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના મહોત્સવના આ ઐતિહાસિક અવસરે આજે બુસી-સેંટ-જ્યોર્જેસમાં આપ સૌની સાથે ઉપસ્થિત રહેવાનો મને ખૂબ આનંદ છે. આ મંદિર માત્ર એક ઈમારત નથી; તે પાંચ દાયકાથી વધુ સમયના સંકલ્પ, ધીરજ અને સમર્પણની પરિપૂર્ણતાનું પ્રતીક છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “ આ મંદિર અસાધારણ કૌશલ્યના સંગમનું પરિણામ છે-એક તરફ પ્રાચીન પરંપરાના સંવાહક ભારતીય શિલ્પકારો અને ડિઝાઇનરોનું કૌશલ્ય, અને બીજી તરફ ફ્રાન્સના પથ્થર-કારીગરો અને કંપનીઓનું કૌશલ્ય, જેમાંથી કેટલાકે નોત્ર-દામ [કેથેડ્રલ]ના પુનઃસ્થાપન કાર્યમાં પણ યોગદાન આપ્યું છે. આ સંગમના પરિણામે એક એવું સ્મારક સાકાર થયું છે, જે ભારત અને ફ્રાન્સ બંને માટે ગૌરવ સમાન છે.”

ભારતના ફ્રાન્સ ખાતેના ડેપ્યુટી ચીફ ઓફ મિશન ઈનમ ગંભીરે જણાવ્યું, “આ મંદિર નિઃસંદેહ સ્થાપત્ય અને શિલ્પકળાની એક અસાધારણ કૃતિ છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ એ છે કે તેનું સાચું મહત્ત્વ મંદિર જે મૂલ્યોને અભિવ્યક્ત કરે છે તેમાં છે. આ મંદિરનું મૂલ્ય શ્રદ્ધા, ચિંતન, સામુદાયિક ભાવના તથા શાંતિની શોધમાં અહીં આવનારી અનેક પેઢીઓના લોકોમાં રહેલું છે.”

તેમણે ઉમેર્યું, “ફ્રાન્સે વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની એક શક્તિશાળી વિચારધારા આપી છે. ભારતની પ્રાચીન સભ્યતાની ભાવના સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. દરેક પૃષ્ઠભૂમિના લોકો માટે પોતાના દ્વાર ખુલ્લા રાખતું મંદિર આ ભાવનાને વધુ મજબૂત બનાવી શકે છે, ભિન્નતાને દૂર કરીને નહીં, પરંતુ એકબીજાને સમજવા અને સન્માન કરવાની તકો સર્જીને.”

પાલખી યાત્રા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ના અનેક વિશિષ્ટ આકર્ષણોમાંનું એક હતું. આ મહોત્સવના ભાગરૂપે આગામી દિવસોમાં શ્રદ્ધા, વારસા, સેવા અને બંધુત્વને કેન્દ્રમાં રાખીને અનેક ભક્તિમય, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સેન નદીમાં ઐતિહાસિક જળયાત્રાએ પ્રસરાવ્યો બંધુત્વનો સંદેશ

પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત સેન નદી પર ઐતિહાસિક જળયાત્રા યોજાઈ હતી, જેમાં 4,500થી વધુ લોકો જોડાયા હતા. ભારતીય સાંસ્કૃતિક સુશોભન સાથે ભારત અને ફ્રાન્સના ધ્વજોથી શોભતી 11 સુંદર નૌકાની લગભગ એક કિલોમીટર લાંબી ભવ્ય શૃંખલા 3 સપ્ટેમ્બર 2026 ના રોજ સેન નદીમાંથી પસાર થઈ અને પરસ્પર શાંતિ તથા સુમેળનો શાશ્વત સંદેશ પ્રસર્યો હતો. પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ પછી સેન નદી પર યોજાયેલી આ સૌથી મોટી નૌકાયાત્રા હતી.

ભક્તિ સંગીત અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે આ યાત્રા એફિલ ટાવર, નોત્ર-દામ કેથેડ્રલ અને લુવ્ર મ્યુઝિયમ સહિત પેરિસના અનેક વિશ્વ વિખ્યાત સ્થળો પાસેથી પસાર થઈ હતી. નદીકાંઠા અને સેન નદીના પુલો પર, સ્થાનિકો, મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે આ જળયાત્રા અનોખા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

હિન્દુ પરંપરામાં જળયાત્રા નવા મંદિરના ઉદ્ઘાટન પૂર્વેની પવિત્ર તૈયારીઓનો એક ભાગ છે. 1997માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સેન નદી પર કરેલી ઐતિહાસિક યાત્રાથી પ્રેરિત આ જળયાત્રા ભારત અને ફ્રાન્સની ચિરંજીવ મિત્રતાનું પણ પ્રતીક બની રહી હતી.