Indus Water Dispute: ગંભીર આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાન નેધરલેન્ડ્સના ધ હેગ સ્થિત 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન' માં ભારત સામેની કાનૂની લડાઈમાં પાણીની જેમ પૈસા વહાવી રહ્યું છે. દેશ પોતાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે સંઘર્ષ કરી રહ્યો હોવા છતાં, આ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારત સામે અત્યાર સુધીમાં લગભગ 6 મિલિયન (60 લાખ) ડોલરનો ખર્ચ કરી ચૂક્યું છે.
પાકિસ્તાનના વર્ષ 2026-27 ના અધિકૃત બજેટ દસ્તાવેજમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે કે આટલી કંગાળ સ્થિતિ વચ્ચે પણ ઈસ્લામાબાદે સિંધુ જળ વિવાદ તેમજ ભારતની રતલે અને કિશનગંગા જળવિદ્યુત પરિયોજના સામેની પોતાની વાંધા અરજીને લઈને આ ખર્ચ કર્યો છે.
ભારતના હિસ્સાની ફી પણ પાકિસ્તાને ચૂકવી
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મધ્યસ્થતા અદાલત દ્વારા ભારત પાસે માંગવામાં આવેલો નાણાકીય હિસ્સો પણ પાકિસ્તાને ખુદ ચૂકવ્યો છે. ભારત સરકાર શરૂઆતથી જ આ આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રક્રિયાથી દૂર રહી અને ધ હેગ સ્થિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનને માન્યતા આપતી નથી. ભારતે ન તો આ મુકદ્દમામાં ભાગ લીધો અને ન તો અદાલત દ્વારા માંગવામાં આવેલી ફી જમા કરાવી છે. આમ છતાં, કાનૂની કાર્યવાહી ચાલુ રાખવા માટે પાકિસ્તાને ભારતનો બાકી હિસ્સો પણ પોતે જ ભરી દીધો છે.
ન્યુટ્રલ એક્સપર્ટ અને પહેલગામ હુમલા પછી...
આ ઉપરાંત, પાકિસ્તાને વિશ્વ બેંક દ્વારા નિયુક્ત 'ન્યુટ્રલ એક્સપર્ટ' ની કાર્યવાહી માટે પણ લગભગ 1.94 મિલિયન ડોલરનું ચૂકવણું કર્યું છે. વર્ષ 2025 માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, ત્યારે ન્યુટ્રલ એક્સપર્ટની બેઠકોથી અંતર જાળવી લીધું, તે પછી પણ પાકિસ્તાન સતત ભારતનો નાણાકીય હિસ્સો જમા કરતું રહ્યું હતું.
પૂર રાહત કરતા કેસ પાછળ 6 ગણો વધુ ખર્ચ
પાકિસ્તાનના બજેટના આંકડા દેશની જળ પ્રાથમિકતાઓની ગંભીર વિરોધાભાસી સ્થિતિ સ્પષ્ટ કરે છે. નાણાકીય વર્ષ 2026-27 માં પાકિસ્તાનના જળ સંસાધન વિભાગના કુલ 15.3 મિલિયન ડોલરના બજેટમાંથી અડધાથી વધુ એટલે કે લગભગ 7.9 મિલિયન ડોલર 'પાકિસ્તાન મિશન ફોર ઇન્ડસ વોટર્સ' ને ફાળવવામાં આવ્યા છે, જે સંસ્થા ભારત સામે કેસ લડી રહી છે.
તેની સરખામણીમાં, દેશમાં પૂર વ્યવસ્થાપન અને જળ સંરક્ષણની દેખરેખ રાખતા 'કેન્દ્રીય પૂર આયોગ' ના કાર્યાલયને માત્ર 1.2 મિલિયન ડોલર જ આપવામાં આવ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને પોતાના નાગરિકોને પૂરથી સુરક્ષા આપવા અને જળ માળખાને સુધારવા કરતાં આંતરરાષ્ટ્રીય મુકદ્દમાબાજી પર 6 ગણાથી પણ વધુ નાણાં ખર્ચવાનો નિર્ણય કર્યો છે.
નાગરિકો પર આર્થિક પાબંધી, હેગમાં ખર્ચ ચાલુ
આ ખર્ચ એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે પાકિસ્તાન સરકારે 17 સપ્ટેમ્બરના રોજ કડક બચત ઝુંબેશની જાહેરાત કરી છે. આ બચત નિયમો હેઠળ સરકારી વાહનોના બળતણ ફાળવણીમાં અડધોઅડધ ઘટાડો કરાયો છે, નવા વાહનો ખરીદવા પર રોક લગાવી છે, તેમજ વિદેશી પ્રવાસો અને સરકારી મિજબાની પર પ્રતિબંધ મુકાયો છે.
આ સાથે બિન-કર્મચારી ખર્ચમાં 5% નો કાપ મુકાયો અને પ્રાંતીય તથા સંઘીય સ્તરના અનેક વિકાસ પ્રોજેક્ટસના બજેટ રોકી દેવાયા છે. આટલી કડક આર્થિક મર્યાદા હોવા છતાં, દ હેગમાં પાકિસ્તાનનું ખર્ચાળ અભિયાન અટક્યા વગર ચાલી રહ્યું છે. બજેટમાં લગભગ 7.2 મિલિયન ડોલરની રકમ સામાન્ય પરિચાલન ખર્ચ તરીકે દર્શાવાય છે, જેથી આંતરરાષ્ટ્રીય કેસમાં ખરેખર કેટલો ખર્ચ થયો તે સ્પષ્ટ થતું નથી.
લંડનની મોંઘી લો-ફર્મ્સ પર બેહિસાબ નાણાં ખર્ચ્યા
આંતરરાષ્ટ્રીય વકીલોની ટીમ પર પાકિસ્તાન દ્વારા ખર્ચાતી રકમમાં પારદર્શિતાનો ભારે અભાવ છે. હેગમાં કેસ લડવા માટે પાકિસ્તાને લંડનની જાણીતી લો-ફર્મ્સ અને અગ્રણી બેરિસ્ટરોની ટીમ રોકી છે, જેમાં '20 Essex' અને 'Fietta LLP' જેવી ફર્મ્સના નિષ્ણાતો સામેલ છે.
બ્રિટનના કાનૂની ક્ષેત્રના દરો અનુસાર, લંડનમાં વાણિજ્યિક કેસોના વરિષ્ઠ વકીલની ફી પ્રતિ કલાક £579 થી £925 (પાઉન્ડ) સુધીની હોય છે, જ્યારે 'કિંગ્સ કાઉન્સિલ' ની કેસ ફી £140,158 સુધી પહોંચી જાય છે. ઓગસ્ટ 2016 થી ચાલતી આ મુકદ્દમાબાજીમાં વકીલોની ફી, ટેકનિકલ રિપોર્ટ્સ, પ્રવાસ અને રોકાણ પાછળ કરોડો રૂપિયા વેડફાઈ ચૂક્યા છે.
નિષ્ણાતોના મતે, દ હેગમાં દોહરો મુકદ્દમો ચલાવીને પાકિસ્તાન સરકાર દેશની જનતા સમક્ષ એવું ખોટું ચિત્ર ઊભું કરવા માંગે છે કે જળ સુરક્ષાનો ભય માત્ર સીમાપારથી છે. આ પગલું દાયકાથી ચાલી આવતી ખરાબ જળ વ્યવસ્થાપન નીતિ, પાણીના બગાડ અને વહીવટી નિષ્ફળતાઓ પર પડદો પાડવાનું કામ કરે છે.
સમયસર જાળવણી ન થવાને કારણે પાકિસ્તાનના ચાર મુખ્ય જળાશયો - તરબેલા, મંગલા, ચશ્મા અને વારસક - ની જળ સંગ્રહ ક્ષમતામાં 29 ટકા સુધીનો ઘટાડો થયો છે. પોતાના જળ સંસાધનોની બદહાલી સુધારવાના બદલે પાકિસ્તાન સરકાર રાષ્ટ્રીય ત્યાગના નામે દ હેગ અભિયાન પાછળ કરોડો ડોલર વેડફી રહી છે.
