સિંધુ નદીનું પાણી રોકાતાં પાકિસ્તાનમાં ફફડાટ! લદ્દાખમાં ભારતે પથ્થરોથી ડેમ બનાવી રણ જેવા વિસ્તારોને આપ્યું નવું જીવન

આ ચેક ડેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના નિર્માણમાં સહેજ પણ સિમેન્ટ કે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી; તે સંપૂર્ણપણે કુદરતી પથ્થરોથી બનાવવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 05 Sep 2026 10:48 AM (IST)Updated: Sat, 05 Sep 2026 10:48 AM (IST)
india-builds-stone-check-dam-in-ladakh-indus-water-treaty-pakistan-impact
લદ્દાખ સ્ટોન ચેક ડેમ

Indus Waters Treaty News: સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ની સ્થગિતતા વચ્ચે ભારતે વ્યૂહાત્મક અને કૃષિ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લદ્દાખના શુષ્ક પ્રદેશમાં જળ સંકટ દૂર કરવા માટે ભારતે લેહ જિલ્લાના ઉપશી વિસ્તારમાં સિંધુ નદી પર એક અનોખો પથ્થરનો ચેક ડેમ તૈયાર કર્યો છે. આ કુદરતી ચેક ડેમથી સિંધુ નદીનું પાણીનું સ્તર 10 ફૂટ વધી ગયું છે, જેનાથી પ્રદેશના સૂકા ખેતરોને આશરે 40 મિલિયન લિટર પાણી સિંચાઈ માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ખેડૂતો માટે સંજીવની

આ ચેક ડેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના નિર્માણમાં સહેજ પણ સિમેન્ટ કે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી; તે સંપૂર્ણપણે કુદરતી પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. લદ્દાખમાં સિંધુ નદી અત્યંત ઊંડી ખીણોમાંથી વહેતી હોવાથી વાવણીની મોસમમાં ખેતરો સુધી પાણી પહોંચાડવું અશક્ય બની જતું હતું. તાજેતરમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ 'સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન' હેઠળ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાણીથી હવે સિંચાઈ નહેરો દ્વારા હજારો એકર સુકી જમીનને પાણી મળી રહેશે.

36 પ્રોજેક્ટ્સની તૈયારી અને પાકિસ્તાનની મુંઝવણ

પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. અગાઉ આ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું હતું, જ્યારે લદ્દાખના ખેડૂતો પાણી વગર તરસ્યા રહેતા હતા. ભારતના આ નવા પગલાથી પાકિસ્તાન ભારે અકળાયું છે અને SCO સમિટ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ઉપશી ચેક ડેમની સફળતા બાદ લદ્દાખ વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયને ₹56 કરોડથી વધુના ખર્ચે વધુ 36 સમાન ચેક ડેમ બનાવવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે. જોકે આ ડેમથી વીજ ઉત્પાદન શક્ય નથી, પરંતુ તે લદ્દાખના ખેડૂતો માટે વરદાન અને ભારત માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.