Pakistan School Roof Collapse: પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક શાળાની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 28 વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે. સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તાએ ગુરુવારે આ ભયાનક ઘટના અંગે માહિતી આપી હતી. આ ઘટનામાં 40 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લેડી રીડિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા મૃતદેહ
આ પણ વાંચો
આ દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તો અને મૃતકોને લેડી રીડિંગ હોસ્પિટલ (LRH) માં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને શરૂઆતના તબક્કે માત્ર ચાર મોતની પુષ્ટિ કરી હતી. જોકે, ત્યારપછી હોસ્પિટલમાં 2ૃ8 બાળકોના મૃતદેહ લાવવામાં આવ્યા હોવાની અધિકૃત માહિતી હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવી હતી.
કાટમાળ નીચે ફસાયા બાળકો, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
કેપિટલ સિટી પોલીસ ઓફિસર ડૉ. મિયાં સઈદે જણાવ્યું કે, રાજધાની પેશાવરમાં સર્જાયેલી આ ઘટનામાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ ટીમે શરૂઆતમાં જણાવ્યું કે, શાળાની છત ધરાશાયી થયા બાદ અનેક બાળકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાટમાળમાંથી બાળકો તેમજ શાળાના અન્ય કર્મચારીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા તબીબી સુવિધા આપવા સૂચના
ખૈબર પખ્તુનખ્વા (KP) ના માહિતી અને જનસંપર્ક બાબતોમાં ગવર્નરના સલાહકાર સમર હારૂન બિલૌરે શાળાની છત ધરાશાયી થવાની આ કરૂણ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે વહીવટીતંત્રને ઘાયલ બાળકોને તમામ શક્ય શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે.
