લાહોરમાં નિર્માણાધીન ઇમારતમાં ચાલતી ખાનગી એકેડેમીની છત તૂટી: 14 માસૂમ બાળકોના મોત, 20 ઘાયલ

લાહોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ફૈઝલ કામરાને પીટીઆઈ (PTI) ને જણાવ્યું હતું કે, બચાવકર્તાઓએ કાટમાળમાંથી અત્યાર સુધીમાં 14 માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 01 Jul 2026 07:37 AM (IST)Updated: Wed, 01 Jul 2026 07:37 AM (IST)
lahore-private-academy-roof-collapse-14-children-died
 લાહોરમાં છત ધરાશાયી

Lahore Building Collapse: પાકિસ્તાનના લાહોર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે. લાહોરના એક ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતની અંદર કાર્યરત એક ખાનગી ટ્યુશન એકેડેમીની છત અચાનક ધરાશાયી થતાં 14 શાળાના બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ બાળકો અને એક મહિલા શિક્ષિકા ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ભણવાના સમયે જ કાળ ત્રાટક્યો

સ્થાનિક પોલીસ અને બચાવ તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના લાહોરના ગીચ વસ્તીવાળા કાહના નૌના 'બસ્તી ઈદગાહ' વિસ્તારમાં બની હતી. અહીં એક રહેણાંક મકાનમાં સ્થાનિક મહિલા દ્વારા ખાનગી ટ્યુશન સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. મંગળવારે જ્યારે 7 થી 13 વર્ષની વયના માસૂમ બાળકો એકેડેમીમાં ઉત્સાહભેર વર્ગોમાં ભાગ લઈ રહ્યા હતા અને પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે ઇમારતની છત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. પલકવારમાં જ હસતા-રમતા બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

બચાવ કામગીરી અને જાનહાનિ

દુર્ઘટના થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાનની જાણીતી સામાજિક સંસ્થા 'એધી ફાઉન્ડેશન' અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું.

લાહોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ફૈઝલ કામરાને પીટીઆઈ (PTI) ને જણાવ્યું હતું કે, "બચાવકર્તાઓએ કાટમાળમાંથી અત્યાર સુધીમાં 14 માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ સિવાય 20 ઘાયલ બાળકો અને એક મહિલા શિક્ષિકાને તાત્કાલિક સારવાર માટે નજીકની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."

એધી ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, મૃતક બાળકોના શબોને હોસ્પિટલના શબઘરમાં મોકલી આપવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક બાળકોની સ્થિતિ હજુ પણ નાજુક છે, અને કાટમાળ નીચે હજુ પણ અન્ય કેટલાક બાળકો ફસાયા હોવાની આશંકા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ગંભીર બેદરકારી: કોન્ટ્રાક્ટરની ધરપકડ

લાહોર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તારિક મહમૂદે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સત્તાવાર શાળા નહોતી પરંતુ એક ખાનગી ટ્યુશન સેન્ટર હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઇમારતનો એક મોટો ભાગ હજુ પણ બાંધકામ હેઠળ હતો. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે પણ ઉપરના ભાગે મજૂરો કામ કરી રહ્યા હતા. બાંધકામમાં ક્ષતિ અને સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવવાને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા અને ગુનાહિત બેદરકારી બદલ સંબંધિત કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.