Pakistan News: પાકિસ્તાનમાં 1 મહિના પહેલાં થયેલા મોટા નેતૃત્વ પરિવર્તન હેઠળ મેજર જનરલ મોહમ્મદ શમરેજ ખાનને દેશની ગુપ્તચર એજન્સી ISI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિયુક્તિ એવા સમયે થઈ જ્યારે કશ્મીર (PoK) માં બનેલા લોન્ચપેડ પરથી ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાંપાકિસ્તાનને સતત નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાની શાસકોને આશા છે કે, શમરેજ ખાન આ ઘૂસણખોરીની રણનીતિમાં અમૂલચૂલ ફેરફાર કરશે અને જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓની એન્ટ્રી સુનિશ્ચિત કરશે, જેથી તેઓ ત્યાં લાંબા સમય સુધી સક્રિય રહી શકે. ભારતીય ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શમરેજ ખાન હાલમાં ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં રહેલા આતંકી સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યા છે.
શમરેજ ખાન બોર્ડર એક્શન ટીમો (BAT) ને મજબૂત કરવાની દિશામાં ઠોસ કામ કરી રહ્યા છે, જેથી આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ મળી શકે. ISI પાકિસ્તાની સેના સાથે મળીને આવી અનેક ટીમો ગઠિત કરવાની તૈયારીમાં છે. નવી રણનીતિ હેઠળ, આ 'BAT' ટીમોનું કદ નાનું રાખવામાં આવશે. અગાઉ જ્યાં 7 થી 10 સભ્યો થતા હતા, તેના બદલે હવે મહત્તમ 4 થી 5 સભ્યો (2 પાકિસ્તાની કમાન્ડો અને 2 આતંકવાદીઓ) જ સામેલ કરવામાં આવશે.
આ નાની ટીમો બનાવવાનો મુખ્ય હેતુ ભારતીય સુરક્ષા દળોને વધુ ગૂંચવી રાખવાનો છે. મેજર જનરલ ખાન 40 ફીલ્ડ રેજિમેન્ટના અધિકારી છે અને ISI પ્રમુખ બનતા પહેલા તેઓ સિંધ રેન્જર્સનું નેતૃત્વ કરી રહ્યા હતા. વર્ષ 2023 માં પ્રમોશન મળ્યા બાદ તેમણે ખારિયામાં 17મી ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી, જેની પાસે 'BAT' દળોને સંભાળવાનો બહોળો અનુભવ છે.
મેજર જનરલ શમરેજ ખાન પાસે ગુપ્તચર કામગીરીનો લાંબો અનુભવ નથી, પરંતુ 'BAT' ઓપરેશનમાં તેમનો મેદાની અનુભવ રહ્યો છે. છેલ્લા 1 મહિના દરમિયાન તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર ઉપરાંત લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરો સાથે અનેક બેઠકો કરી છે. આતંકી સંગઠનો અને પાકિસ્તાની કમાન્ડોના આ જોડાણથી સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસો વધારવાનું મોટાપાયે ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.
