Pakistan Flood: પાકિસ્તાનમાં અચાનક ભારે વરસાદ અને પૂરને કારણે છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. બચાવ કાર્યકરોએ પૂરને કારણે ફસાયેલા 1300થી વધુ પ્રવાસીઓને બહાર કાઢ્યા છે.
પૂર અને વરસાદને કારણે મોટાભાગના મૃત્યુ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં થયા છે. 26 જુલાઈથી પાકિસ્તાનમાં પૂર અને વરસાદને કારણે 360થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંના મોટાભાગના મહિલાઓ અને બાળકો છે.
પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પૂરે તબાહી મચાવી છે
સ્થાનિક સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફરાકે જણાવ્યું હતું કે, ગુરુવારે ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ગજર જિલ્લામાં અચાનક પૂરમાં વહી જવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો
વાદળ ફાટવાથી 16 લોકોના મોત
બચાવ અધિકારી અમજદ ખાને જણાવ્યું હતું કે ગુરુવારે ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં ભારે વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં મહિલાઓ અને બાળકો સહિત 16 લોકોના મોત થયા હતા. અને 17 અન્ય લોકો તણાઈ ગયા હતા અને હજુ પણ ગુમ છે.
બટ્ટાગ્રામ જિલ્લામાં પણ અચાનક પૂરમાં 10 લોકોના મોત થયા હતા. 18 અન્ય લોકો હજુ પણ ગુમ છે.
પૂર પછી ભૂસ્ખલનમાં ફસાયેલા પ્રવાસીઓ
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગુરુવારે પીઓકેમાં વરસાદ સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે.
ખૈબર પખ્તુનખ્વામાં રાજ્ય કટોકટી વિભાગના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું હતું કે ગુરુવારે માનસેહરા જિલ્લાની સિરાન ખીણમાં અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 1,300 પ્રવાસીઓ ફસાયા હતા અને તેમને બચાવવા માટે કલાકો સુધી પ્રયાસો થયા હતા.
ફારાકે જણાવ્યું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન જુલાઈથી ઘણી વખત પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે કારાકોરમ હાઇવે પર ભૂસ્ખલન થયું છે. કારાકોરમ હાઇવે પાકિસ્તાન અને ચીનને જોડતો એક મુખ્ય વેપાર માર્ગ છે જેનો ઉપયોગ પ્રવાસીઓ મુસાફરી માટે પણ કરે છે.